વહાણવટા મંત્રાલય

ધોધા-દહેજ રો-રો ફેરી સર્વિસ પુન: ચાલુ કરવા કેન્દ્રીય શીપીંગ મંત્રીશ્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળી એક ઉચ્ચસ્તરીય બેઠક


ફેરી સર્વિસ પુન: ચાલુ થાય તે માટે ભારત સરકારના અધિક સચિવશ્રીની અધ્યક્ષતામાં બનાવાશે ‘એમ્પાવર્ડ ગૃપ’

Posted On: 13 FEB 2020 7:42PM by PIB Ahmedabad

ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફંડીગ થી ચાલુ કરવામાં આવેલ ‘ધોધા-દહેજ રો-રો ફેરી સર્વિસ’ લોકોમાં ખુબ જ લોકપ્રિય સેવા બનેલ છે તથા લોકોની હાલાકી દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

પરંતુ ગતવર્ષે થયેલ અતિભારે વરસાદને કારણે દહેજ બાજુની ચેનલમાં ખૂબજ મોટી માત્રામાં સિલ્ટેશન થઇ ગયેલ છે. જેથી થોડા સમયથી આ ફેરી સર્વિસ બંધ પડેલ છે. આ ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના શીપીંગ મંત્રાલય પાસે ટેકનીકલ સહાયતા માટે માંગ કરવામાં આવેલ છે.

આ અંતર્ગર્ત કેન્દ્ર સરકારના શીપીંગ મંત્રીશ્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સરકારના શીપીંગ મંત્રાલયના સચિવ, અધિક સચિવ, સંયુક્ત સચિવ, સી.ઈ.ઓ.- ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફેરી પાર્ટનર, વિગેરે હાજર રહેલ. આ બેઠકમાં ધોધા-દહેજ રો-રો ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા અંગે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવેલ હતી.

આ ફેરી પુનઃ ચાલુ કરવા ભારત સરકારના અધિક સચિવના અધ્યક્ષ પદે એક ‘એમ્પાવર્ડ ગ્રુપ’ની રચના કરવાનો નિર્ણય કરેલ છે. આ એમ્પાવર્ડ ગ્રુપમાં ભારત સરકારના અધિકારીઓ ઉપરાંત ગુજરાત સરકારના અધિકારીઓ તથા વિવિધ ટેકનીકલ એક્ષ્પર્ટ્સ રેહશે. આ એમ્પાવર્ડ ગૃપ આગામી થોડા દિવસોમાં ટેકનીકલ
ચર્ચા-વિચારણા કરીને રો-રો ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા ટેકનીકલ સોલ્યુશન સાથે ભલામણ કરશે.

બેઠકમાં ઘણાં હકારાત્મક પાસા પર ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં ફેરી સેવા નિયમિત રીતે ચાલતી રહે તેવા વિકલ્પ સાથે રો-રો ફેરી સર્વિસ પુનઃ સ્થાપિત કરવામાં આવશે.



(Release ID: 1603146) Visitor Counter : 174