પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 71માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા આદિવાસી મહેમાનો, NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને ટેબ્લો કલાકારો સાથે વાતચીત કરી

Posted On: 24 JAN 2020 6:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એટ હોમ’ કાર્યક્રમ દરમિયાન રાજધાનીમાં 71માં પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેનારા 1730થી વધારે આદિવાસી સમુદાયોનાં મહેમાનો, NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને ટેબ્લો કલાકારો સાથે વાતચીત કરી હતી.

મોટી સંખ્યામાં ઉત્સાહિત ઉપસ્થિત લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ તમામ પ્રજાસત્તાક દિવસ પરેડના પ્રસંગે ભારતની છબી નાના પાયે પ્રસ્તુત કરશે. તેમણે જણાવ્યું હતું કે, પરેડમાં તેમના પ્રદર્શન દરમિયાન સમગ્ર દુનિયા ભારતના આત્મને જોશે. તેમણે કહ્યું હતું કે, ભારત માત્ર ભૌગોલિક કે વસ્તીની દૃષ્ટિએ મોટો દેશ નથી.

આ દેશ એક ભારત શ્રેષ્ઠ ભારતનું દર્શન પ્રસ્તુત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એ યાદ રાખવું જોઈએ કે ભારત 130 કરોડો લોકોનો દેશ હોવાની સાથે જીવંત પરંપરાઓ ધરાવતું રાષ્ટ્ર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત એક જીવનશૈલી, એક વિચાર, અનેક દર્શનોનો સંગમ ધરાવતો દેશ છે. આ વૈશ્વિક અને સાર્વભૌમિક પરિપ્રેક્ષ્યનું સમૃદ્ધ ઉદાહરણ છે. તેમણે કહ્યું હતું કે, ભારતનો અર્થ એક વૈશ્વિક પરિવાર છે, ભારતનો અર્થ તમામ ધર્મોમાં સમાનતા છે, ભારતનો અર્થ સત્યનો વિજય છે, ભારતનો અર્થ એક એવો વિચાર છે, જે એક સત્યનું રક્ષણ કરે છે, ભારતનો અર્થ સ્વનિર્ભરતા છે, ભારત માને છે કે, જેઓ ત્યાગ કરે છે, તેઓ સુખી રહે છે, ભારતનો અર્થ છે સૌનું કલ્યાણ થાય, ભારતનો અર્થ છે નારી તું નારાયણી, ભારત એવો દેશ છે, જ્યાં માતૃભૂમિને સોનાથી પણ વધારે અમૂલ્ય ગણવામાં આવે છે. એકતા અને સમાનતાને રેખાંકિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની શક્તિ ભૌગોલિક અને સામાજિક તાણાવાણામાં રહેલી છે. તેમણે ફૂલોના હાર સાથે ભારતની સરખામણી કરીને કહ્યું હતું કે, જે રીતે એક જ દોરામાં અનેક ફૂલો ગૂંથાયેલા હોય છે, એ જ રીતે ભારતીયતાની ભાવના છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત એકતામાં વિશ્વાસ ધરાવે છે, નહીં કે એકરૂપતામાં. તેમણે જણાવ્યું હતું કે, એકતાના સૂત્રને મજબૂત કરવા અને એને ટકાવી રાખવા માટે આપણે સતત પ્રયાસ અને મહેનત કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે, જેમ-જેમ નવું ભારત પ્રગતિ કરશે, તેમ-તેમ આપણે જોઈશું કે કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ ક્ષેત્ર પાછળ ન રહી જાય. મૂળભૂત ફરજોને ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે સમય આવી ગયો છે કે અમે મૂળભૂત ફરજોને મહત્વ આપીએ છીએ. તેમણે કહ્યું હતું કે, જો આપણે પ્રામાણિકતાપૂર્વક આપણી ફરજો અદા કરીશું, તો આપણા અધિકારો માટે લડવાની જરૂર આપણને ક્યારેય નહીં અનુભવાય.

પ્રધાનમંત્રીએ આદિવાસી મહેમાનો, NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને ટેબ્લો કલાકારો દ્વારા પ્રસ્તુત એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.

 

RP



(Release ID: 1600541) Visitor Counter : 202