Ministry of Finance

DGGI સુરત વિંગે 5 કરોડની GSTની ચોરી પકડી

Posted On: 08 NOV 2019 6:05PM by PIB Ahmedabad

DGGIના સુરત ક્ષેત્રીય એકમના અધિકારીઓને ગુપ્તમાહિતી પુરી પાડવામાં આવી હતી કે, તેનાગાંવ, ડંકા ગામ નજીક, હજીરા રોડ, સુરત ખાતે આવેલી પોતાના સભ્યોને ક્લબ અને આનંદપ્રમોદની સેવાઓ પુરી પાડતી મેસર્સ આર્યમાન રિક્રિએશન ક્લબ લિ. દ્વારા સભ્યપદની ફી ઉઘરાવીને અને તેને સંબંધિત કરવેરાની ચૂકવણી નહીં કરીને સેવા કર અને જીએસટીની ચોરી કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે સુરતમાં ચાર જુદા-જુદા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ક્લબ વર્ષ 2014-15થી કાર્યરત હતી અને તેમના સભ્યોને સેવાઓ પુરી પાડી રહી હતી, જોકે તેના દ્વારા આજ સુધી કોઇપણ પ્રકારના કરવેરાની ચૂકવણી કરવામાં આવેલી નથી. આ તપાસ દરમિયાન ગુનાપાત્ર દસ્તાવેજો મળી આવ્યાં છે અને તેને જપ્ત કરવામાં આવ્યાં હતા. આ અંગે હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસ ઉપરથી માલૂમ પડ્યું છે કે તેમણે અંદાજે રૂ. 1 કરોડની કરચોરી કરેલ છે. તેમાંથી રૂ. 38 લાખની ચૂકવણી ઘટના સ્થળે જ કરવામાં આવી છે અને તેઓ એક અઠવાડિયાના સમયગાળામાં બાકીની રકમ ચૂકવવા માટે સંમત થયા છે. આ અંગે વધુ તપાસ ચાલુ છે.

વધુ એક કેસમાં DGGIના સુરત ક્ષેત્રીય એકમના અધિકારીઓને ગુપ્ત માહિતી પ્રાપ્ત થઇ હતી કે સુરતના પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ મેસર્સ ઓમકારા કૉર્પોરેશન વિવિધ બ્રાન્ડની કારમાં વાપરવામાં આવતી કાર મેટના ઉત્પાદનમાં સંકળાયેલ છે. આ ઉપરાંત સુરતના પાંડેસરા જીઆઇડીસી ખાતે મેસર્સ ફ્યુચરસેન્સ વેન્ચર્સ એલએલપી પણ કારના પાર્ટ્સ અને કાર એસેસરીઝ અને લેમિનિયર અને પ્રિવેન્ટો બ્રાન્ડના નામથી કાર મેટના ઉત્પાદનમાં સંકળાયેલા છે. તેઓ સમગ્ર ભારતમાં તેમના ઉત્પાદનનું વિતરણ કરી રહ્યાં છે. તેમણે તેમની ઉત્પાદન કરી રહેલી પ્રોડક્ટનું અયોગ્ય વર્ગીકરણ કરીને અને હિસાબ વગર રોકડમાં માલ-સામાનનું વેચાણ કરીને કર ચોરી કરી છે. આ પેઢીઓના પરિસરોમાં અને સુરતમાં તેમના કેટલાક વિતરકોના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળી આવેલા અને જપ્ત કરાયેલા આરોપપાત્ર દસ્તાવેજોએ GSTની ચોરીની ખાતરી કરી છે. પ્રથમ દૃષ્ટીએ અંદાજે રૂ. 4 કરોડની GSTની ચોરી જાણવા મળી છે અને દસ્તાવેજોની વધુ ચકાસણી વધારે રકમની GST ચોરી ઉજાગર કરી શકે છે. આ સંબંધે વધુ તપાસ ચાલુ છે.

 

NP/DS/RP



(Release ID: 1591061) Visitor Counter : 220