પ્રધાનમંત્રીનું કાર્યાલય

બેંગકોકમાં આસિયાન સંબંધિત સમિટ પહેલા ક્ષેત્રીય અને વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા અંગે બેંગકોક પોસ્ટ સાથે પ્રધાનમંત્રી મુલાકાત

Posted On: 02 NOV 2019 4:49PM by PIB Ahmedabad

આવતીકાલે 16મી આસિયાન-ભારત સમિટ અને સોમવારની 3જી RCEP સમિટ સહિત 35મી આસિયાન સમિટ અને સંબંધિત સમિટ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગકોક પોસ્ટને આપેલી મુલાકાતમાં તેમણે ક્ષેત્રીય અને વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

મુલાકાતની વાતચીત નીચે મુજબ છે.

શું તમે માનો છો કે તમારા નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક શક્તિ બન્યો છે?

તે વાત સુવિદિત છે કે ભારત વિપુલ સંપન્નતા અને વૈવિધ્યતા ધરાવતી પ્રાચીન સભ્યતા છે. ભારતે સદીઓ અગાઉ વૈશ્વિક વૃદ્ધિનાં મુખ્ય હિસ્સામાં નોંધપાત્ર પ્રદાન કર્યુ છે. તેણે વિજ્ઞાન, સાહિત્ય, મનોવિજ્ઞાન, કળા અને સ્થાપત્યના વિકાસમાં પણ પ્રદાન કર્યુ છે. આ તમામ બાબતો કરવામાં, તેણે અન્ય દેશો પર પ્રભુત્વ સ્થાપવાનો પ્રયાસ નથી કર્યો પરંતુ સમુદ્ર અને મહાસાગરો પાર કરીને કાયમી સંબંધોનું નિર્માણ કર્યુ છે. અમે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન વિશ્વમાં અમારું પ્રદાન સક્રીય રીતે વધારી રહ્યાં છે, ભલે તે આર્થિક ક્ષેત્રે હોય, જળવાયુ પરિવર્તન સામે લડાઇ ક્ષેત્રે હોય, અવકાશ ક્ષેત્રે હોય કે આતંકવાદ વિરુદ્ધ લડાઇ અંગે હોય.

આજે, ભારત વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં સૌથી વધુ ફાળો આપતાં દેશો પૈકી એક છે. ભારતના લોકોએ સ્પષ્ટપણે પુરવાર કર્યુ છે કે જો તેમને તેમની વાસ્તવિક ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવવા નીતિઓનું યોગ્ય વાતાવરણ પુરું પાડવામાં આવે તો તે કોઇથી પાછળ નથી.

અમે ભારતના લોકો માટે “ઇઝ ઑફ લિવિંગ”માં સુધારો કરવા માટે અને વધુ સારી માળખાકીય સુવિધાઓ, વધુ સારી સેવાઓ અને વધુ સારી ટેક્નોલોજી દ્વારા તેમની ઉત્પાદકીય ક્ષમતામાં સુધારો કરવા માટે વિશ્વની સૌથી વિશાળ ઝૂંબેશ ચલાવી રહ્યાં છીએ.

આ બધુ એટલા માટે શક્ય બન્યું છે કારણ કે અમે દરેક ગામોનું વીજળીકરણ કર્યુ છે, અમારા 350 મિલિયન જેટલા નાગરિકોનો બેન્કિંગ વ્યવસ્થામાં સમાવેશ કર્યો છે, સામાજિક યોજનાઓમાં નાણાંનો વ્યય ઘટાડ્યો છે, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 150 મિલિયન શૌચાલયોનું નિર્માણ કર્યુ છે, સેવાઓનું ડિજિટલાઇઝેશન કરીને પ્રશાસનમાં સુધારો કર્યો છે, ફિનટેક પેદાશો માટે સૌથી ઝડપથી વૃદ્ધિ કરી રહેલા બજારોમાંથી એક બનીને તીવ્ર ગતિથી આગળ વધ્યાં છીએ અને ભારતીય અર્થતંત્રને ઝડપથી વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્રની હરોળમાં મુક્યું છે. વિશ્વ બેન્કના ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના સૂચકાંકમાં અમે 80 ક્રમની છલાંગ લગાવી છે. અને આ વૃદ્ધિ અમે લોકતાંત્રિક માળખાની અંદર રહીને અને અમારા વારસાની શ્રેષ્ઠત્તમ બાબતો સાચવીને કરી છે.

ભારતમાં ઉભરી રહેલા મધ્યમ વર્ગની અનેક મહત્વાકાંક્ષા છે, જેમને તમામ મૂળભૂત જરૂરિયાતો ઉપલબ્ધ છે અને જીવનની સીડીમાં આગળ વધવાની આશા રાખે છે.

“સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ” અમારો મંત્ર છે, જેનો અર્થ છે દરેક વ્યક્તિ માટે વિકાસ અને દરેક વ્યક્તિનો સહકાર અને વિશ્વાસ. અને દરેકમાં અમારો અર્થ માત્ર અમારા નાગરિકો જ નથી પરંતુ તેમાં સમગ્ર માનવજાતનો સમાવેશ થાય છે.

આથી, અમે અમારા તમામ મૈત્રીપૂર્ણ પડોશી દેશો સાથે વિકાસ ભાગીદારીને પ્રોત્સાહન આપવા સક્રીય રીતે કાર્યરત છીએ. અને અમે વૈશ્વિક અને આંતર-સરહદીય પડકારો સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ. તેમાં આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન અને આપદા પ્રતિરોધક માળખા માટે ગઠબંધનનું નિર્માણ કરવાની પહેલનો પણ સમાવેશ થાય છે.

ભારત સમકાલીન વાસ્તવિકતાઓની વચ્ચે બહુપક્ષીયતાવાદને મજબૂત બનાવવા અને તેમાં નવીન સુધારો કરવાની મજબૂત તરફેણ કરે છે. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં, ઝડપથી વૃદ્ધિ પામતું લોકતાંત્રીક અને મજબૂત ભારત સ્થિરતા, સમૃદ્ધી અને શાંતિનું પથદર્શક બનવાનું ચાલુ રાખશે.

એવું કહેવાય છે કે 21મી સદી એશિયાની સદી રહેશે. ભારત એશિયા અને વિશ્વના આ પરિવર્તનમાં પોતાનો ફાળો આપવા માટે તૈયાર છે.

ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીમાં આસિયાનનું શું મહત્વ છે?

અમારી એક્ટ ઇસ્ટ પોલિસીમાં આસિયાન મુખ્ય કેન્દ્ર બિંદુ છે. તે માત્ર સહકારી વ્યવસ્થાતંત્ર છે જેના દ્વારા અમે અત્યાર સુધી નિર્વિક્ષેપ 16 વર્ષોથી સમિટ-સ્તરે વાર્તાલાપ કરી રહ્યાં છીએ.

આમ એટલા માટે છે કારણ કે આસિયાન ક્ષેત્રો માત્ર ભારતીય મહાસાગર પ્રદેશનું મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર જ નથી અને તે માત્ર અમારી સાથે ખૂબ જ સામિપ્ય ધરાવતી સંસ્કૃતિ જ નથી. આમ એટલા માટે છે કારણ કે આસિયાન આજે આર્થિક રીતે અને રાજકીય રીતે વિશ્વના સૌથી વૈવિધ્યતા ધરાવતાં ક્ષેત્રો પૈકીનું પણ એક છે. ભારત ઇચ્છે છે કે ઉભરી રહેલી ઇન્ડો-પેસિફિક ગતિશિલતામાં મજબૂત, એકજૂથ અને સમૃદ્ધ આસિયાન કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે. આ બાબત ભારતની સમૃદ્ધિની સાથે સાથે સલામતી માટે પણ શ્રેષ્ઠ હિતમાં છે.

આસિયાન સાથે જોડાણ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનું અત્યંત મહત્વપૂર્ણ ઘટક છે અને રહેશે. અમારી સભ્યતાનું ગાઢ જોડાણ મજબૂત આધાર પુરો પાડે છે જેના પર અમે શક્તિશાળી, અદ્યતન અને બહુઆયામી વ્યૂહાત્મક ભાગીદારીનું નિર્માણ કર્યુ છે. આસિયાનને મજબૂત કરવું, જોડાણ વિસ્તારવું અને ભારત-આસિયાન આર્થિક સંકલનને વધારે ગાઢ બનાવવું તે અમારી એક્ટ ઇસ્ટ પોલિસીની ચાવીરૂપ પ્રાથમિકતાઓ પૈકી એક છે.

અમે આસિયાન સાથે ભારતના નજીકના સંબંધોને આગળ વધારવા માટે થાઇલેન્ડના ખૂબ જ આભારી છીએ જેના નેતૃત્વ હેઠળ સંગઠન કાર્યરત છે.

ક્ષેત્રીય સુરક્ષા સંરચનામાં ભારત કેવા પ્રકારની ભૂમિકા અદા કરવા ઇચ્છે છે?

ભારતે ઇન્ડો-પેસિફિક માટે તેના દૃષ્ટિકોણની રૂપરેખા તૈયાર કરી છે જેને ક્ષેત્રના અન્ય દેશો દ્વારા પણ સ્વીકારવામાં આવી છે. તે સમુદ્રી ક્ષેત્રે પ્રાધાન્યતા અને આંતર-સંકલિત પ્રકૃતિને સ્વીકૃતિ આપે છે. આ સંદર્ભે અમારા દૃષ્ટિકોણનું સ્વરૂપ મારા દ્વારા ગત વર્ષે સિંગાપોરમાં સાંગરી-લા સંવાદ ખાતે સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં આવ્યું હતું. અમે માનીએ છીએ કે ઇન્ડો-પેસિફિક માટે ક્ષેત્રીય સુરક્ષાની સંરચના ખુલ્લી, પારદર્શી, સમાવેશી અને નિયમ આધારિત, આંતરરાષ્ટ્રીય કાયદાના સંદર્ભમાં વિશ્વાસ ધરાવતી હોવી જોઇએ. કોઇપણ ક્ષેત્રીય સુરક્ષા સંરચના માટે નેવિગેશન અને ઓવર-ફ્લાઇટની સ્વતંત્રતા સહિત અને સમુદ્રના કાયદા અંગે યુએન કન્વેન્શન સહિત આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરૂપ અબાધિત વેપાર સહિત ક્ષેત્રમાં સ્થિર સમુદ્રી સુરક્ષાનું વાતાવરણ આવશ્યક છે.

2015માં મે SAGARનો ખ્યાલ રજૂ કર્યો હતો. તેનો અર્થ “સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિઝિયન” થાય છે. હિંદીમાં “સાગર”નો અર્થ સમુદ્ર થાય છે. અમે આ ખ્યાલને પરસ્પર વિશ્વાસ અને સુરક્ષા સહકારનો વ્યાપ વધારીને સાકાર કરવા ઇચ્છીએ છીએ. ભારત ક્ષેત્રીય સુરક્ષા સંરચના અને તેના માટે મહત્વપૂર્ણ સિદ્ધાંતો પર સામાન્ય પરીપ્રેક્ષ્યો વિકસાવવાની દિશામાં કામગીરી કરશે. ઉપરાંત સામાન્ય સુરક્ષા પડકારોના સમાધાન માટે વ્યાજબી સંસ્થાકીય માળખું વિકસાવવા અને પ્રવર્તમાન માળખાઓ તથા વ્યવસ્થાતંત્રનું નિર્માણ કરવા પણ પ્રયત્નો કરશે.

ઇન્ડો-પેસિફિક અંગે આસિયનના દૃષ્ટિબિંદુ સાથે ભારતની ઇન્ડો-પેસિફિક એકરૂપતા કેવી રીતે થઇ શકે?

અમે ઇન્ડો-પેસિફિક અંગે દૃષ્ટિબિંદુ માટે આસિયાનનું અભિવાદન કરીએ છીએ, જે અમારા પોતાના ઇન્ડો-પેસિફિક દૃષ્ટિકોણ સાથે નોંધપાત્ર સમરૂપતા ધરાવે છે, ખાસ કરીને સિદ્ધાંતો અને અભિગમના દૃષ્ટિબિંદુથી. અમે માનીએ છીએ કે ઇન્ડો-પેસિફિક દૃષ્ટિબિંદુ વિકસાવવામાં આસિયાનની એકતા અને કેન્દ્રીયતા મહત્વપૂર્ણ ઘટક બનવો જોઇએ. આ માત્ર આ ક્ષેત્રમાં આસિયાનની ભૌગોલિક કેન્દ્રીયતાની સ્વિકૃતિમાં જ નહીં પરંતુ આસિયાન સંચાલિત ક્ષેત્રીય વ્યવસ્થાતંત્રના સ્વરૂપમાં પણ હોવું જોઇએ, ખાસ કરીને પૂર્વીય એશિયા સમિટ માટે, કારણ કે માત્ર નેતૃત્વ સંચાલિત મંચ, ક્ષેત્રમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ માટે ચર્ચા કરવા માટે વર્તમાનમાં ઉપલબ્ધ સૌથી સર્વગ્રાહી મંચ છે.

શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના નિર્માણ માટે સમુદ્રી સુરક્ષા, જોડાણ, આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ અમારા અને આસિયાન બન્નેના પ્રાથમિક ક્ષેત્રો છે. આ હેતુઓ પરિપૂર્ણ કરવા માટે ભાગીદારી આગળ વધારવા આસિયાનમાં અમારા ભાગીદારો સાથે કામગીરી કરવામાં અમને આનંદ થશે.

શું તમે મેકોંગ પેટાવિસ્તારમાં વિકાસ અંગે ચિંતિત છો, જ્યાં અનેક ક્ષેત્રીય સત્તાઓ સ્પર્ધા કરી રહી છે?

ભારત ક્ષેત્રમાં આવેલા દેશો સાથે દરિયાઇ, વેપાર, સાંસ્કૃતિક અને સભ્યતાના જોડાણનો લાંબો ઇતિહાસ ધરાવે છે. આજના વિશ્વમાં, અમે આ જોડાણ પુનઃસક્રિય કર્યા છે અને નવી ક્ષેત્રીય ભાગીદારીનું નિર્માણ કર્યુ છે. 19 વર્ષ પહેલા મેકોંગ-ગંગા સહકારની સ્થાપનાની પહેલ આવું જ એક પગલું હતું. ભારત તાજેતરમાં થાઇલેન્ડની આગેવાનીમાં આયેયાવાડી-ચાઓ પ્રાયા-મેકોંગ ઇકોનોમિક કૉઓપરેશન સ્ટ્રેટજીમાં જોડાયું છે. અહીં અમે એકરૂપતાનું નિર્માણ કરવા અને સહકારના પ્રયત્નોનું પુનરાવર્તન ટાળવા મેકોંગ દેશોના તમામ મુખ્ય બાહ્ય ભાગીદારોને એક સાથે લાવ્યાં છીએ.

આ જ સમયે અમે આ ક્ષેત્રીય માળખાની વિશિષ્ટ ઓળખ અને મુખ્ય કેન્દ્રબિંદુ અંગે પણ પરિચિત છીએ. ભારતીય સંદર્ભમાં, ઉદાહરણ તરીકે, અમે આસિયાન-ભારત સંવાદ સંબંધો, મેકોંગ-ગંગા સહકાર (MGC) અને BIMSTECના માળખામાં મેકોંગ દેશો સાથે કામગીરી કરી રહ્યાં છીએ. વિષયવસ્તુમાં પુનરાવર્તન લાગતું હોવા છતાં આ માળખાઓ, સાધનો, પ્રક્રિયાઓ અને સહકાર તીવ્રતામાં વિવિધતા રહેલી છે.

સુસંવાદી સહઅસ્તિત્વ અને પ્રગતિમાં એકરૂપતા સાધવા તથા ક્ષેત્રમાં સમૃદ્ધી અને તેના બાહ્ય ભાગીદારો માટે પણ મેકોંગ પેટાક્ષેત્રમાં બહુઆયામી ક્ષેત્રીય જૂથો માટે પૂરતો અવકાશ રહેલો છે.

બૃહદ એક્ટ ઇસ્ટ પોલિસીમાં BIMSTEC કેવી રીતે બંધ બેસે છે?

ભારત “બે ઓફ બંગાળ ઇનિસિએટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન” (BIMSTEC)ને ખૂબ જ મહત્વ આપે છે. તે દક્ષિણ એશિયામાંથી પાંચ સભ્યો (બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, નેપાળ અને શ્રીલંકા) અને દક્ષિણ-પૂર્વ એશિયામાંથી બે સભ્યો (મ્યાનમાર અને થાઇલેન્ડ) દ્વારા દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચે વિશિષ્ટ જોડાણનું નિર્માણ કરે છે.

કાઠમંડુમાં 4થી BIMSTEC સમિટે પ્રાદેશિક સહકાર અને BIMSTECના સંસ્થાકીય વ્યવસ્થાતંત્રને મજબૂત બનાવવા નોંધપાત્ર ગતિ પુરી પાડી હતી, જેમ કે BIMSTEC ચાર્ટરનો મુસદ્દો ઘડવો અને BIMSTEC વિકાસ ભંડોળની સંભાવનાઓ તપાસવી. ભારતે સમિટના પરિણામોને આખરી ઓપ આપવા સક્રીય રીતે ભાગ લીધો હતો. અમે BIMSTEC સહકાર અને ક્ષમતાને આગળ વધારવા સલામતી, આપતિ સંચાલન, અર્થતંત્ર અને વેપાર, કૃષિ, આરોગ્ય અને ડિજિટલ કનેક્ટિવિટીની સાથે સાથે સાંસ્કૃતિક પ્રોત્સાહન અને યુવા જોડાણની પ્રવૃતિઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારત દ્વારા હાથ ધરવામાં આવનાર સંખ્યાબંધ પહેલોની જાહેરાત કરી છે. ભારત દ્રઢપણે માને છે કે BIMSTEC અમારી એક્ટ ઇસ્ટ પોલિસીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

વાચકો કદાચ જાણતાં હશે, ચાલુ વર્ષે મે મહિનાના અંતમાં બીજી વખત અમારી નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં BIMSTEC દેશોના નેતાઓએ હાજરી આપી હતી. આ અમારા માટે ખૂબ જ સન્માનની વાત હતી. સાથે સાથે આ બાબત અમારા દેશો અને તેમના નેતાઓ વચ્ચે રહેલા ગાઢ સંબંધની યાદ અપાવે છે.

હું ખાસ કરીને ઉલ્લેખ કરવા માગુ છું કે થાઇલેન્ડે BIMSTECની અંદર સહકાર મજબૂત કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યુ છે.

ભારત RCEP વેપાર સોદા સાથે જોડાવવા ઇચ્છતું નથી તેવું માનવામાં આવે છે. શું તમે માનો છો કે ચાલુ વર્ષે RCEP વાર્તાલાપ પૂર્ણ થઇ શકે છે, અને આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા શું કરવું પડશે?

આજે વેપાર કરવા માટે ભારત વિશ્વના સૌથી મુક્ત સ્થાનો પૈકીનું એક છે. છેલ્લા ચારથી પાંચ વર્ષોમાં વિશ્વ બેન્કના “ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” સૂચકાંકમાં 142માં સ્થાનેથી 63 સ્થાન ઉપર અમે કરેલી પ્રગતિમાં આ બાબત પ્રતિબિંબિત થાય છે. અમે અર્થતંત્રોના સમન્વય અને ગરીબોના ઉદ્ધાર માટે વૈશ્વિક વેપારની શક્તિમાં વિશ્વાસ ધરાવીએ છીએ.

ભારત ચાલી રહેલી RCEP વાટાઘાટોના સર્વસમાવેશી અને સમતોલિત પરિણામો પ્રત્યે કટિબદ્ધ છે. તેનું સફળ સમાપન તેની સાથે જોડાયેલા દરેક પક્ષકારોના હિતમાં છે. આથી, ભારત માલ-સામાન, સેવાઓ અને રોકાણો અને દરેક સ્તંભોની અંદર પણ સમતોલન સાધવા ઇચ્છે છે.

અમે માલ-સામાન ઉપર અમારા ભાગીદારોની ઊચ્ચ મહત્વાકાંક્ષા સ્વીકારીએ છીએ. અમે પણ લાભદાયક પરિણામો ઇચ્છીએ છીએ. અમે માનીએ છીએ કે તેના માટે, અવ્યવહારુ વેપાર ખાધ અંગે અમારી ચિંતાઓનું નિવારણ મહત્વપૂર્ણ છે. તે વાત સ્વીકારવાની જરૂર છે કે વિશાળ ભારતીય બજાર ખોલવા માટે તેને અનુરૂપ કેટલાક વિસ્તારો પણ ખોલવા પડશે જે અમારા વ્યવસાયો માટે પણ લાભદાયક હોય.

અમે સ્પષ્ટ રીતે વ્યાજબી પ્રસ્તાવો રજૂ કર્યા છે અને ગંભીરતાપૂર્વક વાટાઘાટોમાં જોડાયેલા છીએ. અમે અમારા ભાગીદારો તરફથી સેવાઓ અંગે મહત્વકાંક્ષાનું અનુરૂપ સ્તર જોવા ઇચ્છીએ છે, ઉપરાંત અમે તેમની સંવેદનશીલતાઓના સમાધાન માટે પણ તૈયાર છીએ.

સમગ્રપણે, અમે સ્પષ્ટ છીએ કે દરેક પક્ષકારોને વ્યાજબી લાભ થાય તેવું પરસ્પર ફાયદાકારક RCEP ભારત અને વાટાઘાટોમાં જોડાયેલા તમામ પક્ષકારોના હિતમાં છે.

 

RP



(Release ID: 1590178) Visitor Counter : 273


Read this release in: English , Bengali , Tamil , Kannada