માહિતી અને પ્રસારણ મંત્રાલય

દિગ્ગજ અભિનેતા રજનીકાંતને ‘આઇકન ઑફ ગોલ્ડન જ્યૂબિલી ઑફ ઇફ્ફી’થી સન્માનિત કરવામાં આવશે

પોસ્ટેડ ઓન: 02 NOV 2019 2:01PM by PIB Ahmedabad

પહેલીવાર ભારત સરકારે ‘આઇકન ઑફ ગોલ્ડન જ્યૂબિલી ઑફ ઇફ્ફી’ નામનો એક વિશેષ પુરસ્કારની જાહેરાત કરી છે, જે જાણીતા ફિલ્મ અભિનેતા શ્રી એસ. રજનીકાંતને એનાયત કરવામાં આવશે.

આ અંગે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરતા જણાવ્યું હતું કે “છેલ્લા ઘણા દાયકાઓમાં ભારતીય સિનેમામાં તેમનું શ્રેષ્ઠ યોગદાન રહ્યું છે, આજે મને એમને IFFI 2019ના ‘આઇકન ઑફ ગોલ્ડન જ્યુબિલી' પુરસ્કારની જાહેરાત કરતા ખુશી થાય છે, આ એવોર્ડ જાણીતા અભિનેતા શ્રી. એસ. રજનીકાંતને એનાયત કરવામાં આવશે.”

રજનીકાંતનું જીવન કોઈ ફિલ્મી કહાનીથી ઓછું નથી, પહેલા સુથાર પછી હમાલ અને પછી બસ-કંડક્ટર આ કાંઈ કોઈ ફિલ્મની સ્ક્રીપટથી ઓછું છે?

તેનો જન્મ 12 ડિસેમ્બર, 1950 ના રોજ કર્ણાટકના મરાઠી ભાષી પરિવારમાં થયો હતો. તેમનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે. ફિલ્મોમાં એમને કામ કરવાની શરૂઆત કરી તે પહેલાં, તેમણે જીવનનિર્વાહ માટે વિવિધ પ્રકારના કામો કર્યા છે. તેમણે બેંગાલુરૂમાં કર્ણાટક રાજ્ય પરિવહન નિગમ માટે બસ કંડક્ટર તરીકે કામ કર્યું. સાથે સાથે પોતાના એક્ટિંગના શોખને પોષવા માટે આ સમયગાળા દરમિયાન જ તેમણે નાટકોમાં અભિનય કરવાની શરૂઆત કરી.

આજે લોકપ્રિયતાની ચરમસીમા પર રહેલા રજનીકાંતને ફિલ્મોમાં પહેલો બ્રેક કન્નડ ભાષાની ફિલ્મ કથા સંગમામાં મળ્યો જેમાં તેમણે ખુબ જ નાની ભૂમિકા ભજવી હતી આ ફિલ્મનું ડાયરેક્શન પુત્તાના કંગાલેએ કર્યું હતું, ત્યારબાદ તેમણે કે. બાલાચંદરે નિર્દેશિત તમિળ ફિલ્મ અપૂર્વ રાગંગલ (1975)માં કેન્સરના દર્દીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કમલ હસન હતા, જે આગળ જતા તેમના નજીકના મિત્રોમાંના એક બની ગયા. આ ફિલ્મ પછી ઉદ્યોગ અને ફિલ્મ જગત દ્વારા સારી નોંધ લેવામાં આવી અને એ પછી તેમણે ક્યારેય પાછળ જોયું નહીં

લાંબી અને વૈવિધ્યપૂર્ણ કારકિર્દીમાં રજનીકાંતે તમિલ, તેલગુ, કન્નડ, મલયાલમ, હિન્દી અને બંગાળી સહિત ઘણી ભાષાઓમાં 170થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હોલિવુડમાં બનેલી ફિલ્મ બ્લડ સ્ટોન (1988)માં પણ તેમણે અભિનય કર્યો હતો.

ભારત સરકારે તેમને પદ્મ ભૂષણ (2000) અને પદ્મવિભૂષણ (2016)થી સન્માનિત કર્યા છે. ભારતના 45માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં (2014) તેમને "ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર" માટે શતાબ્દી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

2019 ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) 50 માં વર્ષમાં પ્રવેશે છે, આ ફિલ્મ મહોત્સવને એશિયા ઉપખંડના પ્રારંભિક ફિલ્મ ઉત્સવોમાંનો એક ગણાય છે. ભારતનાં 50માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2019, 76 દેશોની 200થી વધુ શ્રેષ્ઠ ફિલ્મો, 26 ફીચર ફિલ્મો અને ભારતીય પેનોરમા વિભાગમાં 15 નોન ફિચર ફિલ્મો અને 10,000થી વધુ લોકો અને ફિલ્મ પ્રેમીઓની આ ગોલ્ડન જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે એવી આશા છે.

 

DS/RP


(રીલીઝ આઈડી: 1590111) મુલાકાતી સંખ્યા : 310
આ રીલીઝ વાંચો: English , हिन्दी