વહાણવટા મંત્રાલય

કંડલામાં રૂપિયા 10.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સુવિધાથી સજ્જ ટ્રક ટર્મિનલનું લોકાર્પણ


દેશમાં આંતરિક દરિયાઈ માર્ગે માલ સામાનની હેરફેર વધી રહી છે, હવે ખાતરની હેરફેર માટે વિશેષ સબસીડી : શ્રી મનસુખ માંડવિયા

Posted On: 04 OCT 2019 4:13PM by PIB Ahmedabad

કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયા દેશના સૌથી મોટા બંદર દીનદયાળ પોર્ટ કંડલાના બે દિવસના પ્રવાસે છે. આજે તેમણે કંડલામાં રૂપિયા 10.50 કરોડના ખર્ચે  બનેલા આધુનિક સુવિધાથી સજ્જ ટ્રક ટર્મિનલનું લોકાર્પણ કર્યું હતું.

કંડલા બંદરે માલ-સામાનની હેરફેર માટે આવતી ટ્રકોને પાર્કિંગની સુવિધા તેમ જ ડ્રાઈવરો અને ક્લીનરોને ન્હાવા-ધોવાની સગવડ, શૌચાલય તેમ જ જમવા માટે રેસ્ટોરેન્ટ સહિતની સુવિધા મળે તેવું વિશાળ આ ટ્રક ટર્મિનલ છે. મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ દરિયાઈ સુરક્ષાનું વીટીએમએસ વેસલ ટ્રાફિક મોનીટરીંગ સિસ્ટમ દ્વારા થતું ડિજિટલ મોનીટરીંગ નિહાળ્યું હતું. તેમ જ કંડલા પોર્ટની ખાસ ટગ દ્વારા પણ તેમણે દરિયાનો પ્રવાસ ખેડયો હતો.

 

image.png

 

દરિયાઈ સુરક્ષાની સમીક્ષા બાદ દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા વધુ જેટીઓ કાર્યરત કરવા વિશે તેમણે માહિતી મેળવી હતી. પીઆઇબી સાથેની વાતચીત દરમિયાન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, "દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો આપણી પાસે છે. પણ, દરિયાઈ માર્ગે આંતરિક માલ-સામાનની હેરફેર વિશ્વના અન્ય દેશોની અપેક્ષાએ આપણા દેશમાં ઓછી છે. પણ, છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર દેશમાં આંતરિક જળમાર્ગ દ્વારા માલ સામાનની હેરફેર માટે કેન્દ્ર સરકારે આપેલા પ્રોત્સાહનોને પગલે આંતરિક હેરફેર વધી છે. કંડલા થી સીરામીક ટાઈલ્સ, મીઠું તેમ જ અન્ય માલ સામાનની હેરફેર વધી છે. પણ, આ વખતે દેશમાં ખાતરની હેરફેર પણ દરિયાઈ માર્ગે થાય તે માટે કેન્દ્ર સરકાર ભાડામાં ખાસ સબસીડી આપશે. અત્યારે ટ્રકો દ્વારા રોડ રસ્તે જ ખાતરની હેરફેર થાય છે."

 

image.png

 

વીટીએમએસ સિસ્ટમને તેમણે ડિજિટલ સુરક્ષા વ્યવસ્થા ગણાવી હતી. જેના દ્વારા કચ્છના અખાતમાં પ્રવેશતા અને અવરજવર કરતા તમામ જહાજો કે નાના વહાણો પર નજર રહે છે. દરમિયાન બંદરીય કર્મચારીઓને તેમણે પ્લાસ્ટિક મુક્તિ માટે તેમ જ વૃક્ષારોપણ માટે અપીલ કરી હતી. સાથે-સાથે તેમણે પણ વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં દિનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મહેતા, બિઝનેસ ડેવલોપમેન્ટ સેલના ઓમપ્રકાશ દાદલાણી સહિતના પોર્ટના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

DK/DS/RP



(Release ID: 1587223) Visitor Counter : 261