PIB Headquarters
સાયકલ ચલાવી પર્યાવરણ અને શરીરને બચાવવાની લોકોને અપીલ કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા
મંત્રીશ્રીએ સુરત ખાતે ‘સાયકલિંગ અને એન્વાયરમેન્ટ સેમીનાર’માં હાજરી આપી
Posted On:
14 SEP 2019 7:52PM by PIB Ahmedabad
કેન્દ્રીય શીપીંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ આજે સુરત ખાતે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજિત ‘સાયકલિંગ અને એન્વાયરમેન્ટ સેમીનાર’માં ભાગ લીધો હતો. સાયકલ લઈને સંસદ જવા માટે દેશભરમાં જાણીતા શ્રી મનસુખભાઈ માંડવિયાએ સાયકલીસ્ટ ક્લબના મેમ્બરો સાથે મુલાકાત કરી હતી.
લોકોને સાયકલ ચલાવવાની અપીલ કરતા મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સાયકલિંગ દ્વારા પર્યાવરણ અને શરીર બંનેને બચાવી શકાય છે. પોતાની સાયકલ સફર વિષે જણાવતા તેમણે કહ્યું હતું કે તેઓ વર્ષ 2012 થી સંસદમાં સાયકલ પર જ જાય છે. તેમણે સાયકલ લઈને આવતા જોઇને અન્ય 20 સાંસદો પણ સાયકલ પર આવતા થયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શરીરની તંદુરસ્તી માટે સાયકલીંગ ખુબ ઉપયોગી છે. દેશભરમાં સાયકલિંગ કલબોએ કરેલી પ્રગતિ પર તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે પર્યાવરણ એક ચિંતાનો વિષય બન્યું છે, ત્યારે લોકો પ્રકૃતિ તરફ પાછા ફરી રહ્યા છે તે સારી બાબત છે. તેમણે ઘરે ગાય રાખી તંદુરસ્તી જાળવવાની સલાહ પણ આપી હતી.
સુરતના મેયર ડો. જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા પણ સાયકલીંગ પ્રત્યે ખુબ ઉત્સાહિત છે. મનપા દ્વારા સુરતના 46 કિમી વિસ્તારમાં સાયકલ માટે અલગથી રોડ બનાવવામાં આવ્યો છે. મનપા શહેરના કોટ વિસ્તારમાં સાયકલીંગ ક્લબ શરૂ કરવા જઈ રહ્યું છે.
આ કાર્યક્રમમાં વલસાડના રેસર ગૃપના આગેવાન ડોક્ટર ભૈરવી દેસાઈએ સાયકલીંગ દેશ તરીકે જાણીતા નેધરલેન્ડની સિસ્ટમનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ સમયે મનપાના ડેપ્યુટી કમિશનર રાજેશ પંડ્યા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અગ્રણી સી.એસ. જરીવાલા સહિતના આગેવાનો અને નવસારી, બારડોલી, વાપી સહિતના વિસ્તારોના સાયકલીસ્ટો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
(Release ID: 1585093)
Visitor Counter : 200