માહિતી અને પ્રસારણ મંત્રાલય
કલમ 370ની વિશેષ જોગવાઈઓ રદ કરવી એ મોદી સરકારનાં બીજા કાર્યકાળનું ઐતિહાસિક અને સાહસિક પગલું છેઃ કેન્દ્રીય કાયદા મંત્રી
શ્રી રવિશંકર પ્રસાદે “મોદી સરકારનાં બીજા કાર્યકાળનાં પ્રથમ 100 દિવસની સફળતાઓ” વિશે અમદાવાદમાં મીડિયા પ્રતિનિધિઓને સંબોધન કર્યું
Posted On:
11 SEP 2019 7:12PM by PIB Ahmedabad
અમદાવાદ, 11-09-2019
શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકારે એનાં બીજા કાર્યકાળમાં પ્રથમ 100 દિવસમાં વિશિષ્ટ સાહસિકતા અને નિર્ણાયકતા પ્રદર્શિત કરી છે. મોદી સરકારનાં બીજા કાર્યકાળનાં પ્રથમ 100 દિવસની સિદ્ધિઓ પર મીડિયા પ્રતિનિધિઓને સંબોધન કરતાં કેન્દ્રીય કાયદો અને ન્યાય, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે આજે અમદાવાદમાં સરકારનાં બીજા કાર્યકાળનાં પ્રથમ 100 દિવસની સફળતાઓ વિશે જાણકારી આપી હતી.
આર્થિક સુસ્તીનાં ડરને દૂર કરતાં કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રનાં ફંડામેન્ટલ મજબૂત છે એટલે પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વૃદ્ધિદર ઘટીને 5 ટકા થવો એ સંપૂર્ણપણે મંદી કે નિરાશાજનક ચિત્રનો સંકેત નથી. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વૈશ્વિક મંદીથી અર્થતંત્રને બચાવવા માટે વિવિધ સ્તરે કામગીરી કરી રહી છે અને સાથે સાથે સરકારી બેંકો દ્વારા ધિરાણમાં વધારો, સરકારી બેંકોનું મર્જર અને એનબીએફસી માટેનાં નીતિ નિયમો હળવા કરવા જેવા વિવિધ પગલાં દ્વારા વિકાસને વેગ આપી રહ્યાં છે. શ્રી પ્રસાદે કહ્યું હતું કે, જીડીપીમાં કામચલાઉ ઘટાડો બહુસ્તરીય વિકાસલક્ષી પ્રયાસો દ્વારા નિયંત્રણમાં લેવાશે, જેનાથી મોટાં પાયે રોજગારીનું સર્જન થવાની સાથે એગ્રો પ્રોસેસિંગ, રિયલ એસ્ટેટ અને નિર્માણ તથા અન્ય ઉત્પાદન ક્ષેત્રો જેવા ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રનાં રોકાણમાં વધારો પણ સુનિશ્ચિત થશે. એક પ્રશ્રનાં જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરનાં લોકો કલમ 370ની વિવિધ જોગવાઈઓ નાબૂદ કરવાની અને કલમ 35એ રદ કરવાની સરકારની કામગીરીથી થનાર લાભોથી સારી રીતે વાકેફ છે. પાકિસ્તાનનાં કબજામાં રહેલાં કાશ્મીરમાં માનવાધિકારોનાં ઉલ્લંઘન બદલ પાકિસ્તાનની ટીકા કરતાં મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન સાથે આતંકમુક્ત વાતાવરણમાં વાતચીત થશે, તો એ પાકિસ્તાનનાં કબજામાં રહેલાં કાશ્મીર વિશે થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની લીડરશિપની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, લીડરશિપની નિર્ણાયકતા દેશને સર્વસમાવેશક વિકાસ માટેની સ્પષ્ટ દિશા પ્રદાન કરે છે. સરકારની સફળતાઓ વિશે વધારે જણાવતાં મંત્રીએ કહ્યું હતું કે, ભારતે વેપારવાણિજ્ય સરળ કરવાનાં દેશોની યાદીમાં હરણફાળ ભરી છે અને એનું સ્થાન વર્ષ 2014માં 142થી સુધરીને વર્ષ 2019માં 77મું થયું છે. મંત્રીએ સરકારની અન્ય મહત્ત્વપૂર્ણ સિદ્ધિ સ્વરૂપે કરવેરાનાં માળખામાં સરળીકરણ અને ડિજિટાઇઝેશનની પ્રક્રિયાનું ઉદાહરણ પણ આપ્યું હતું. કાયદા મંત્રીએ મીડિયા પ્રતિનિધિઓને માહિતી આપી હતી કે, ટ્રિપલ તલાકની અન્યાયકારક પ્રથા નાબૂદ કરવાની અને પોક્સો કાયદામાં સુધારો કરવાની સરકારની કામગીરીને સમાજનાં તમામ વર્ગોએ આવકાર આપ્યો છે, જે સંબંધિત અપરાધોને અસરકારક રીતે અટકાવવા માટે કામ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, પીએમજેએવાય હેઠળ 16,000 હોસ્પિટલોને સામેલ કરવામાં આવી છે અને 10 કરોડ ઇ-કાર્ડ ઇશ્યૂ થયા છે. ઉપરાંત 20,000થી વધારે હેલ્થ અને વેલનેસ સેન્ટર કાર્યરત થયા છે. શ્રી પ્રસાદે પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજનાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. તેમણે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, નવા જળ શક્તિ મંત્રાલયની રચના કરવી એક સીમાચિહ્નરૂપ પગલું છે, જેનો ઉદ્દેશ પાણીની બચત કરવાનો, જળ સંરક્ષણ કરવાનો અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટનો છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગુજરાત સરકારનાં રાજ્ય કક્ષાનાં ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ શ્રી હસમુખ પટેલ અને ડો. કિરીટ સોલંકી પણ ઉપસ્થિત હતાં.
DK/GP
(Release ID: 1584786)
Visitor Counter : 311