કૃષિ મંત્રાલય

સંશોધન અને ખેડૂતોની મહેનત એકસાથે ભળશે ત્યારે ભારત અન્ન ક્ષેત્રે આત્મનિર્ભર બનશે: કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર


ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ગાંધીનગરમાં નવમી કૃષિ એશિયા પ્રદર્શન અને પરિષદ તથા 7માં ડેરી પશુધન અને મરઘાં પાલન એક્સ્પોનું ઉદઘાટન કર્યું.

Posted On: 06 SEP 2019 5:05PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ તથા પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’ નારામાં ‘જય અનુસંધાન’ ઉમેર્યું છે. આપણા કૃષિ વૈજ્ઞાનિકો આ દિશામાં સખત મહેનત કરી રહ્યા છે. જ્યારે કૃષિ ક્ષેત્રના સંશોધન અને ખેડૂતોની મહેનત એકસાથે ભળી જશે, ત્યારે તે ભારતને અન્નક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવશે. કેન્દ્રિય મંત્રી આજે ગાંધીનગરમાં નવમી કૃષિ એશિયા પ્રદર્શન અને પરિષદ તથા 7માં ડેરી પશુધન અને મરઘાં પાલન એક્સ્પોનું ઉદઘાટન કર્યા બાદ સંબોધન કરી રહ્યા હતા.


ખેડુતોની આવક બમણી કરવા પર ભાર મુકતા શ્રી તોમરે કહ્યું કે આપણે ઉત્પાદન કેન્દ્રિત વિચારસરણીથી આવક કેન્દ્રિત વિચારસરણી તરફ વળવું જોઈએ. પરંપરાગત ખેતીની સાથે આપણે પશુપાલન, મધ ઉછેર અને બાગકામને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે કહ્યું કે સહકારી ક્ષેત્રની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતની આવક વધારવા વિચારમંથન કરવા માટે સાથે બેસવું જોઈએ.


ગુજરાતના પ્રયાસોની પ્રશંસા કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે, કૃષિ અને સહકારી ક્ષેત્રે ગુજરાત દેશ માટે એક મોડેલ છે. તેમણે કહ્યું કે ગુજરાતે માત્ર કેન્દ્રિય યોજનાઓનો સંપૂર્ણ અમલ કર્યો છે એટલુ જ નહીં, પરંતુ કૃષિ ક્ષેત્રના લાભ માટે નવી યોજનાઓ પણ શરૂ કરી છે.


સરકારની પહેલ વિશે માહિતી આપતા શ્રી તોમરે કહ્યું કે મોદી સરકારે અગાઉની યુપીએ સરકારની તુલનામાં કૃષિ મંત્રાલયનું બજેટ લગભગ બમણું કરી દીધું છે. તેમણે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ-કિસાન) અને પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના વિશે માહિતી આપી અને તેનો લાભ મેળવવા જણાવ્યું.


ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સરદાર સરોવર ડેમમાં પાણીના સ્તર અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ડેમ ખૂબ જલ્દીથી તેના ઉચ્ચતમ સ્તર પર પહોંચી જશે અને પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરી શકાશે. તેમણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવા અને તેને આ પદ્ધતિ સ્થાપિત કરવા સરકારની સબસિડીનો લાભ લેવા માટે ખેડૂતોને અપીલ કરી.


આ પ્રદર્શન 8 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. આ પ્રસંગે ગુજરાતના મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર, શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી બચુભાઇ ખાબડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


DK/J.Khunt



(Release ID: 1584360) Visitor Counter : 294


Read this release in: English