ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પીડીપીયુના સાતમાં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી
શ્રી અમિત શાહે વિદ્યાર્થીઓને 2022 સુધીમાં ભારતને વિશ્વની ટોચની 3 અર્થ વ્યવસ્થાઓમાં મુકવાના માનનીય પ્રધાનમંત્રીશ્રીના લક્ષ્યને સફળ બનાવવા પ્રયાસરત બનવા અપીલ કરી
प्रविष्टि तिथि:
29 AUG 2019 8:34PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)ના 7માં પદવીદાન સમારોહમાં 31 પીએચડીના વિદ્યાર્થીઓ સહિત 1042 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને પીડીપીયુના પ્રમુખ ડૉ. મુકેશ અંબાણીની ઉપસ્થિતિમાં શ્રી શાહે 61 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે મેડલ પણ એનાયત કર્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધન કરતા શ્રી શાહે કહ્યું કે આ તમારા ઔપચારિક શિક્ષણનો વાસ્તવિક અંત નથી પરંતુ દેશના વિકાસમાં યોગદાન આપવાની શરૂઆત છે. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે જીવનમાં ક્યારેય નાનું લક્ષ્ય ન રાખો નહીંતર કોઈપણ તમારી મદદ કરી શકશે નહીં.
તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી કે દરેક વિદ્યાર્થી જીવનમાં એક નાનો સંકલ્પ લે, તેમણે જણાવ્યું તમારા આ નાના સંકલ્પો મળીને 130 કરોડ સંકલ્પો થશે જે છેવટે ભારતને 130 કરોડ પગલાં આગળ લઈ જશે.
પર્યાવરણ અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી શાહે કહ્યું કે જો આપણે જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ વિશે અત્યારે નહીં વિચારીએ તો ભવિષ્યમાં સ્વચ્છ વિશ્વ જોવું આપણાં માટે મુશ્કેલ બની જશે. તેમણે પીડીપીયુને અપીલ કરી હતી કે આ યુનિવર્સિટીએ પ્લાસ્ટીક રીસાયક્લીંગ અને પર્યાવરણને અનુકૂળ પ્લાસ્ટિક બનાવવા માટે સંશોધન હાથ ધરવું જોઈએ. આ પ્રસંગે તેમણે વિવિધ સુવિધાઓ માટે પીડીપીયુને અંદાજે 275 કરોડ આપવાની પણ જાહેરાત કરી હતી.
પેટ્રોલીયમ ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ વિશે બોલતા શ્રી અમિત શાહે જણાવ્યું કે ભારતનું લક્ષ્ય 5 ટ્રિલિયન અમેરિકી ડોલરનું અર્થતંત્ર બનવાનું છે. આ લક્ષ્ય ઉર્જા અને પેટ્રોલિયમ ક્ષેત્ર વિના સંભવી ન શકે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરતાં શ્રી શાહે જણાવ્યું કે નરેન્દ્રભાઈ એવા નિર્ણયો લેવામાં માને છે જે લોકો માટે સારા હોય, એવા નહી કે ને જે લોકોને સારા લાગે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીનું લક્ષ્ય 2022 સુધીમાં ભારતને વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં મુકવાનું છે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે જો અડગ શ્રદ્ધા હોય તો કશું જ અશક્ય નથી. આ વિશે તેમણે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે આ બંને નેતાઓએ કલમ 370 નાબૂદ કરીને અશક્યને શક્ય કરી બતાવ્યું છે.
પીડીપીયુના ગવર્નીંગ કાઉન્સિંલના પ્રમુખ ડૉ. મુકેશ અંબાણીએ અમિત શાહને સાચા કર્મયોગી ગણાવીને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ અહીં મેળવેલા શિક્ષણ દ્વારા આ ક્ષેત્રમાં અદભૂત પ્રદર્શન કરે અને પીડીપીયુને એક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવામાં પોતાનું યોગદાન આપે. તેમણે જણાવ્યું કે શ્રી અમિત શાહ જેવા નેતા મેળવીને ભારત ધન્યતા અનુભવે છે.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેટલાક મંત્રીઓ, પીડીપીયુના ચેરમેન શ્રી ડી. રાજગોપાલન, પીડીપીયુના ડાયરેક્ટર જનરલ પ્રો. સી. ગોપાલક્રિષ્નન, ફેકલ્ટી અને સ્ટાફ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
DK/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1583565)
आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English