ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર જિલ્લામાં કેન્દ્રીય યોજનાઓની સમીક્ષા કરી

31 ઓક્ટોબર, 2019 સુધીમાં જિલ્લાના તમામ ઘરોમાં ઉજ્જવલા યોજનાનો લાભ પહોંચાડવાની તાકીદ કરતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી

Posted On: 29 AUG 2019 4:53PM by PIB Ahmedabad

અમદાવાદ, 29-08-2019

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે ગુજરાત મુલાકાત દરમિયાન આજે પોતાના સંસદીય ક્ષેત્રમાં કેન્દ્રીય યોજનાઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં જિલ્લાના તમામ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કેન્દ્રીય યોજનાઓ જેમકે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વગેરેમાં થયેલ પ્રગતિની વિગતપૂર્ણ માહિતી મેળવી હતી. જિલ્લાના અધિકારીઓએ વિભાગદીઠ પ્રેઝન્ટેશનના માધ્યમથી યોજનાઓના અમલીકરણમાં થયેલી પ્રગતિ અને તેમાં પડી રહેલી નાની-મોટી બાધાઓ અંગે જિલ્લાની આ સમીક્ષા બેઠકમાં અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહને માહિતી આપી હતી.

 

દિશા’ અંતર્ગત જિલ્લાની સમીક્ષા સમિતિની બેઠકમાં તાલુકાઓના ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી તથા અન્ય ઉપસ્થિત અધિકારીઓને અધ્યક્ષ સ્થાનેથી શ્રી શાહે કેટલીક તાકિદ પણ કરી હતી.

શ્રી અમિતભાઈએ મોડામાં મોડા 31 ઓક્ટોબર, 2019 સુધીમાં જિલ્લાના તમામ ઘરોમાં ઉજ્જવલા યોજનાનો લાભ પહોંચાડવા તેમજ “નળ થી જળ” યોજના દ્વારા સ્વચ્છ પીવાનું પાણી પુરું પાડવા આદેશ આપ્યો હતો. જિલ્લા કલેક્ટર શ્રી એસ. લાંઘાએ આ સમયગાળા પહેલા જ લક્ષ્યાંકો હાંસલ કરવા ખાતરી આપી હતી. શ્રી અમિતભાઈ શાહે સૂચન કર્યું હતું કે એક વિશેષ સર્વે કરાવી જિલ્લાનું કોઈપણ ઘર વીજળીથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જિલ્લાના આરોગ્ય અધિકારીઓને જણાવ્યું કે આયુષ્માન ભારતનો લાભાર્થી કોઈપણ ગરીબ વ્યક્તિ પોતાના રહેઠાણ થી 15 કિ.મી.ની મર્યાદામાં જ હોસ્પિટલની સુવિધાઓ મેળવી શકે તે સુનિશ્ચિત કરવું જોઈએ. બેઠકમાં સાંસદશ્રી હસમુખભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

DK/GP



(Release ID: 1583479) Visitor Counter : 175


Read this release in: English