ગૃહ મંત્રાલય

પર્યાવરણ સંરક્ષણ અભિયાનના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રીએ 8 ઈલેક્ટ્રીક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

મોટા પાયે વૃક્ષો વાવવાના અને ઉછેરવાના અભિયાનમાં જનભાગીદારીને બિરદાવતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ

અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ માસથી ઓછા સમયમાં આશરે 11 લાખ વૃક્ષોનું વાવેતર થયું : કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ

ઈલેક્ટ્રિક મોબીલીટીના માનનીય પ્રધાનમંત્રીના આહ્વાનને અમલમાં મૂકવા ગુજરાત દેશભરમાં લીડ લેશે : શ્રી વિજયભાઈ રૂપાણી

Posted On: 29 AUG 2019 1:20PM by PIB Ahmedabad

અમદાવાદ, 29-08-2019

કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હેઠળની જોગવાઈઓ રદ કરાયા બાદ પ્રથમ વખત ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલા મિશન મિલિયન ટ્રીના સમાપન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

પોતાના સંસદીય ક્ષેત્રમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદૂષણમુક્ત અને પર્યાવરણ પ્રિય શહેરી વાતાવરણ મળે એ માટે 8 ઈલેક્ટ્રીક બસોને લીલી ઝંડી આપી એમણે પ્રસ્થાન પણ કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો પર્યાવરણ જાળવણીનો વૈશ્વિક સંદેશ ઉપસ્થિત નગરજનોને સમજાવ્યો હતો. એમણે જણાવ્યું કે પેરિસ પર્યાવરણ આંતરરાષ્ટ્રીય સમજૂતીના અમલમાં ભારતે વૈશ્વિક નેતૃત્વ આપવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને દેશની જનતાએ ઝીલી લીધો છે. એમણે કહ્યું કે ઓઝોનનું સ્તર, કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોકસાઈડના સતત ઉત્સર્જનથી ઘટી રહ્યું છે, ત્યારે વૃક્ષ, નદી, પૃથ્વી જેવી પ્રકૃતિની ભેટને રક્ષવાની ભારતીય સંસ્કૃતિની પરંપરાને આપણે અક્ષુન્ન રાખવી જોઈએ.

એમણે કહ્યું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ જળ શક્તિ માટેનું અલગ મંત્રાલય બનાવીને સમગ્ર વિશ્વને માર્ગદર્શ પૂરું પાડ્યું છે. જળ સંચય, જળ બચાવ, કાર્યક્ષમ સિંચાઈ પદ્ધતિઓ અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ જેવી વિભાવનાઓની પરિપૂર્તિ આ મંત્રાલય સાકાર કરશે.

શ્રી અમિતભાઈએ જનતાને આગ્રહ કરતાં જણાવ્યું કે પૃથ્વી આપણી માતા છે, એનું દોહન કરાય કરાય પરંતુ શોષણ ના કરાય. મોટા પાયે વૃક્ષો વાવવાના અને ઉછેરવાના અભિયાનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવાનું શ્રી અમિતભાઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે માર્ગદર્શન આપ્યું હતું તે હેઠળ મોટી સંખ્યામાં સમાજના તમામ વર્ગોએ હિસ્સો આપ્યો છે. અમદાવાદમાં પોતાના સંસદીય ક્ષેત્રની રહેણાંક સોસાયટીઓના ચેરમેન/સેક્ર્ટરીઓને લખેલા પત્ર અને તે અન્વયે 3216 સોસાયટીઓ તરફથી મળેલ લેખિત વિધેયાત્મક પ્રતિસાદનો ઉલ્લેખ કરતાં શ્રી શાહે કહ્યું કે અમદાવાદ શહેરમાં છેલ્લા 3 માસમાં 10 લાખ 87 હજાર વૃક્ષો જ્યારે પૂરા જિલ્લામાં અંદાજે 24 લાખ 60 હજાર વૃક્ષોનું વાવેતર થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના પત્રમાં 100 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષો જેવા કે વડ, પીપડો, ખાટી આંબલી, રાયણ, બોરસલી વગેરેના સોસાયટીદીઠ ઓછામાં ઓછા 5 વૃક્ષો વાવવાનું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે 100 વડના વૃક્ષોનું વાવેતર કરી મિશન મિલિયન ટ્રીઝ કાર્યક્રમના સમાપન પ્રસંગમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ દેશમાં  ઇલેક્ટ્રીક વાહનોના વપરાશ ને વેગ આપવા કરેલા આહ્વાનમાં ગુજરાત લીડ લેશે.

એમણે અમદાવાદ મહાનગરમાં 10 લાખ વૃક્ષો વાવવાના અભિયાનનું સમાપન અને અમદાવાદ મહાનગરમાં નવી 8 ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરતા કહ્યું કે આગામી સમયમાં અમદાવાદ મહાનગરમાં 500 ઈલેક્ટ્રિક બસ નાગરિકોની સેવામાં મુકાશે

મુખ્યમંત્રીએ આવા વાહનોના વ્યાપક ઉપયોગ સાથે ગુજરાતને ગ્રીન, ક્લીન, પર્યાવરણ પ્રિય અને પ્રદૂષણમુક્ત રાજ્ય બનાવવાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

વિજયભાઈએ કહ્યું કે આવી બસો મેઇક ઈન ઈન્ડિયા અંતર્ગત સંપૂર્ણ ભારતીય બનાવટની બસો તરીકે પરિવહનમાં મૂકવાનું ગૌરવ ગુજરાતે મેળવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ સાથે ગુજરાતે જળ સંચય માટે જે જનભાગીદારી અભિયાન સુજલામ સુફલામ્ થી ઉપાડ્યું છે તેની સફળતા વર્ણવતા કહ્યું કે નદી, નાળા, તળાવોની સફાઈ અને વરસાદી પાણીના સંગ્રહ માટેના આ અભિયાનથી ગુજરાત દેશનું માર્ગદર્શક રાજ્ય બન્યું છે.

શ્રી વિજયભાઈ એ રાજ્યમાં નાગરિક સુખાકારી સુવિધાઓ સર્વ શ્રેષ્ઠ બને એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે એમ પણ સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીશ્રીઓ, શ્રી આર. સી. ફળદુ, શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી પ્રદિપસિંહ જાડેજા તથા અમદાવાદના મેયર શ્રીમતી બિજલ પટેલ સહિત પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, શહેરના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

DK/J.Khunt/GP



(Release ID: 1583405) Visitor Counter : 364


Read this release in: English