નીતિ આયોગ

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી બેઠક સંપન્ન થઈ

Posted On: 15 JUN 2019 11:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ આજે રાષ્ટ્રપતિ ભવનમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી બેઠક યોજાઈ હતી. એમાં જમ્મુ અને કાશ્મીરનાં રાજ્યપાલ, 26 મુખ્યમંત્રીઓ અને આંદમાન અને નિકોબાર ટાપુનાં લેફ્ટનન્ટ ગવર્નર, હોદ્દાની રૂએ કેન્દ્રીય મંત્રીઓ અને વિશેષ આમંત્રિતો સામેલ થયા હતા. નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ, સભ્યો, સીઇઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ આ બેઠકનો એજન્ડા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ ટીમ ઇન્ડિયાની બેઠક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યોએ તેમની મુખ્ય ક્ષમતાઓ ઓળખવી જોઈએ તથા જિલ્લા સ્તરેથી જીડીપીનાં લક્ષ્યાંકો વધારવા માટે કામ કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ નીતિ આયોગનાં ગવર્નિંગ કાઉન્સિલને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવા માટેનું પ્લેટફોર્મ ગણાવીને એનાં મહત્ત્વને સૂચિત હતુ. તેમણે સંયુક્તપણે ગરીબી અને બેરોજગારી દૂર કરવા, દુષ્કાળનો સામનો કરવા, પ્રદૂષણનું નિવારણ કરવા, વિકાસથી વંચિત વિસ્તારોમાં વધારે કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો તેમજ આ પ્રકારનાં તમામ પરિબળો ભારતની પ્રગતિ માટે મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે વર્ષ 2022 સુધીમાં આ મહાન દેશની સંભવિતતા હાંસલ કરવાનો તથા વર્ષ 2024 સુધીમાં અર્થતંત્રનું કદ વધારીને પાંચ ટ્રિલિયન ડોલરનું કરવાનો છે.

પ્રધાનમંત્રીએ દરેક રાજ્યએ દેશની જીડીપી વધારવા એમનો હિસ્સો વધારવા ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને આ માટે રાજ્યની નિકાસ સંભવિતતાનું મૂલ્યાંકન કરવા તથા નિકાસને વધારવા માટે જરૂરી પગલાં નક્કી કરવા તથા રોજગારી વધારવાનું સૂચન કર્યું હતુ.

નીતિ આયોગનાં ઉપાધ્યક્ષે તમામ રાજ્યોને નીતિ આયોગની ‘Strategy for New India @ 75’ (આઝાદીનાં 75મા વર્ષમાં નવા ભારત માટે વ્યૂહરચના)માં સામેલ કરી શકાય એવી નીતિગત ભલામણો કરવા તેમનાં સૂચનો પૂરાં પાડવા વિનંતી કરી હતી, જેથી દરેક રાજ્યોની વાસ્તવિક સ્થિતિસંજોગોને અનુકૂળ કામગીરી નિર્ધારિત કરી શકાય.

મુખ્યમંત્રીઓની રચનાત્મક ચર્ચા અને સૂચનાનો આવકારીને પ્રધાનમંત્રીએ કાઉન્સિલને ખાતરી આપી હતી કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં આ સૂચનો પર ગંભીરતાપૂર્વક વિચારણા હાથ ધરવામાં આવશે. કાઉન્સિલની પાંચમી બેઠક અગાઉ નિર્ધારિત કામગીરીનાં મુદ્દા નીચે મુજબ હતાં:

1. વરસાદનાં પાણીનો સંચય

2. દુષ્કાળની સ્થિતિ અને રાહતનાં પગલાં

3. મહત્ત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ – સફળતાઓ અને પડકારો

4. કૃષિ ક્ષેત્રની કાયાપલટએમાં આ વિશેષ સુધારાઓમાં માળખાગત સુધારાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો:

1. એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી(એપીએમસી) ધારો

2. આવશ્યક કોમોડિટી ધારો (ઇસીએ)  

5. એલડબલ્યુઈ જિલ્લાઓ પર ખાસ ધ્યાન આપવાની માટે સુરક્ષા સાથે સંબંધિત મુદ્દાઓ

પ્રધાનમંત્રીએ જળસંચય માટેનાં રાજ્યોનાં પ્રયાસોને બિરદાવ્યાં હતાં અને તમામ રાજ્યોને જળ વ્યવસ્થાપન માટે નવીન પગલાંઓ લેવા અને એનો સાતત્યપૂર્ણ અમલ કરવા અપીલ કરી હતી. જલ શક્તિ મંત્રાલયની રચના કેન્દ્ર સરકારનું વિકાસલક્ષી સ્રોત તરીકે પાણી પર સંકલિત અને સંપૂર્ણ અભિગમ વિકસાવવાનું મહત્ત્વપૂર્ણ પગલું છે.

પાણીનો બગાડ ઘટાડવા, તમામ રાજ્યોમાં જળસંચય કરવાની અસરકારક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા, સક્રિય નીતિ સાથે ઘર અને સામુદાયિક સ્તરે વરસાદનાં પાણીનો સંચય કરવો અને રોકાણનો ટેકો આપવા જેવી બાબતો પર વ્યાપક સર્વસંમતિ પ્રવર્તી હતી. વિવિધ મુખ્યમંત્રીઓએ તેમનાં સંબંધિત રાજ્યોમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ પ્રસ્તુત કરી હતી, જે સમગ્ર દેશમાં અનુકરણીય બનવાની ક્ષમતા ધરાવે છે.

મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ગુજરાત અને કર્ણાટક જેવાં ઘણાં રાજ્યોએ જળસંચય અને વરસાદનાં પાણીનો સંચય કરવા માટે સારી પદ્ધતિઓ અપનાવી છે. વળી આ રાજ્યોએ કેટલાક નૂતન અભિગમ ધરાવતાં પગલાં પણ લીધા છે, જેમાં જલયુક્ત શિવારિન મહારાષ્ટ્ર જેવાં પગલાં સામેલ છે, જેનાથી 11,000 ગામડાઓએ દુષ્કાળમાંથી મુક્તિ મેળવી છે, મુખ્યમંત્રી જલ સ્વાવલંબન અભિયાન, જેનાં પરિણામે 21 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં પાંચ ફૂટનો વધારો થયો છે અને તેલંગાણામાં મિશન કાકાતિયા, જેનાથી 19 લાખ એકર જમીનને સિંચાઈની સુવિધા મળી છે. એ જ રીતે ગુજરાતમાં સુજલામ સુફલામ અને કર્ણાટકમાં આર્ટિફિશિયલ રિચાર્જ સ્કીમે દર્શાવ્યું છે કે, સતત કામગીરીથી સારા પરિણામો મળી શકે છે. આ બેઠકમાં દરેક રાજ્યની ક્ષમતાને એકબીજાને વહેંચવામાં આવી હતી, જેથી દરેક રાજ્ય અન્ય રાજ્યોમાંથી નવીન અને શ્રેષ્ઠ પદ્ધતિઓની જાણકારી મેળવી શકે અને એને અપનાવી શકે.

કાઉન્સિલે દુષ્કાળ સાથે સંબંધિત વ્યવસ્થાપન અને સંલગ્ન રાહત માટેનાં પગલાંનાં મહત્ત્વપૂર્ણ મુદ્દા પર પણ વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી. ભારતીય કૃષિ ક્ષેત્રઅને ખેડૂતોનું અનિયમિત ચોમાસાથી રક્ષણ કરવાનો મુદ્દો પણ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રીઓએ ભારતને દુષ્કાળ-મુક્ત રાષ્ટ્ર બનાવવા માટે ટૂંકા ગાળાનાં અને લાંબા ગાળાનાં સંભવિત સમાધાનો સૂચવ્યાં હતાં. એમાં તેમની જિલ્લા કૃષિ કટોકટી યોજના, બિયારણો જેવી આંતરિક ચીજવસ્તુઓની સતત જોગવાઈઓ અને સિંચાઈ વગેરે માટે આકસ્મિક યોજનાઓ બનાવવાની સમીક્ષા સામેલ હતી. બેઠકમાં એવી દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાં લાગુ કરી શકાય એવી વિસ્તૃત દુષ્કાળ વ્યવસ્થાપન યોજનાઓ વિકસાવવા વિચાર કરવો જોઈએ.

પ્રધાનમંત્રીએ ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી બેઠકને કૃષિ-અર્થતંત્રમાં આધારભૂત સુધારા હાથ ધરવા માટે પણ અપીલ કરી હતી, જે ભારતમાં કૃષિ ક્ષેત્રનાં સંપૂર્ણ પરિવર્તન તરફ દોરી જશે. મુખ્ય કામગીરીમાં સામેલ બાબતોમાં એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (એપીએમસી) ધારાનાં અમલીકરણની સમીક્ષાની જરૂરિયાત અને મોડલ એપીએમસી કાયદાનાં સ્વરૂપમાં સંભવિત સુધારાની સમીક્ષા તેમજ આવશ્યક કોમોડિટી ધારામાં ફેરફારોની સંભાવનાઓ સામેલ છે, જેથી ખેડૂતોને ઉચિત વળતર સુનિશ્ચિત થાય, પુરવઠાને સાતત્યપૂર્ણ બનાવી શકાય, આ ક્ષેત્રમાં વધારે રોકાણને મેળવી શકાય તથા રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે નીતિની ધારણા બાંધી શકાય. પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં માળખાગત સુધારાને હાથ ધરવા માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં કૉર્પોરેટ રોકાણને પ્રોત્સાહન આપવું, માલપરિવહનને મજબૂત કરવું અને ખાદ્ય પ્રસંસ્કરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતો સામેલ છે.

ગવર્નિંગ કાઉન્સિલે મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓનાં કાર્યક્રમોનાં અમલીકરણની પણ સમીક્ષા કરી હતી, જે સર્વસમાવેશક વૃદ્ધિને આગળ વધારવામાં મુખ્ય નીતિગત નવીનતા તરીકે વિકસ્યાં છે. તમામ મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓમાં ઝડપી વૃદ્ધિ હાંસલ કરવામાં આવી છે, જે આ કાર્યક્રમોમાં સામેલ થયાં છે. તેમનાં વિકાસનું મૂલ્યાંકન કામગીરીનાં મુખ્ય 49 માપદંડો પર કરવપામાં આવે છે, જેમાં માનવીય અને સામાજિક વિકાસનાં માપદંડો સામેલ છે. વિવિધ મુખ્યમંત્રીઓએ જણાવ્યું હતું કે, તેમનાં રાજ્યોમાં આ કાર્યક્રમને સારી સફળતા મળી છે તથા તેમણે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં ઝડપથી વિકાસ પામી રહેલાં તાલુકાઓમાં આ કાર્યક્રમને લંબાવવા માટે સંભવિત યોજનાઓ પર ચર્ચા કરી હતી, જેથી સર્વસમાવેશક વિકાસનાં વિચારને અસરકારક રીતે આગળ વધારી શકાય. પ્રધાનમંત્રીએ મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓમાં કેટલાંક સંપૂર્ણપણે નવીન વિચારોનો અમલ કરવા બદલ મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓની ટીમોની પ્રશંસા કરી હતી. આ પ્રકારનાં નવીન વિચારોને પરિણામે ઘણાં જિલ્લાઓમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળે છે.

પ્રધાનમંત્રીએ લેફ્ટ વિંગ એક્સ્ટ્રિમિઝમ (એલડબલ્યુઇ)નો સામનો કરવા સરકારની કટિબદ્ધતાની પણ પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઘણાં મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ નક્સલવાદી હિંસાથી પીડિત છે. તેમણે કાઉન્સિલને ખાતરી આપી હતી કે, ગૃહ મંત્રાલય આ તમામ અસરગ્રસ્ત રાજ્યો સાથે એલડબલ્યુઇનો નિર્ણાયક ખાતમો બોલવા સંકલન સ્થાપિત કરશે અને આ વિસ્તારોમાં વિકાસનાં કાર્યોને આગળ વધારવા ચર્ચા કરશે.

કેન્દ્ર ગૃહ મંત્રાલયે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન એલડબલ્યુઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં વિકાસ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે લીધેલા વિવિધ પગલાંઓ વિશે જાણકારી આપી હતી. ઉપરાંત મંત્રાલયે રાષ્ટ્રીય નીતિ અને કાર્યયોજના 2015નાં સાતત્યપૂર્ણ અમલ દ્વારા નોંધપાત્ર સફળતા મળી હોવાનું પણ જણાવ્યું હતું. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ની તૈનાતી જેવા આવશ્યક પગલાં લેવાથી માઓવાદીઓ સામે સતત કામગીરી હાથ ધરવામાં મદદ મળી છે.

તેમણે કાઉન્સિલને એવી જાણકારી પણ આપી હતી કે, આ વિસ્તારોમાં માર્ગ અને ટેલીકોમ ક્ષેત્રનાં વિકાસ માટે માળખાગત સુવિધાઓ વિકસાવવા પર પણ એટલો જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રૂ. 18,000 કરોડનાં ખર્ચે આશરે 11,000 કિલોમીટરનાં માર્ગોનું નિર્માણ થયું છે, જેમાંથી 5,500 કિલોમીટરનાં માર્ગનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. ટેલીકોમ કનેક્ટિવિટી વધારવાનાં આશયને પૂર્ણ કરવા માટે 2335 મોબાઇલ ટાવર્સ પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે અને આગામી તબક્કામાં રૂ. 11,000 કરોડનાં ખર્ચે 4072 ટાવર સ્થાપિત કરવામાં આવશે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ જીએસટી પરિષદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સકારાત્મક જોડાણ અને સાથસહકાર સ્થાપિત કરવાની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે છેલ્લાં ચાર વર્ષમાં કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય સરકારોને મોટાં પાયે ભંડોળ અભૂતપૂર્વ રીતે આપવાની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, કરવેરાની આવકમાંથી, નાણાકીય પંચની સહાય અને કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજનાઓ અંતર્ગત અન્ય હસ્તાંતરણો દ્વારા રાજ્ય સરકારોને મોટા પાયે ભંડોળ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2011-12થી વર્ષ 2014-15 વચ્ચે વિવિધ ખર્ચ અંતર્ગત રાજ્યોને કુલ રૂ. 20 લાખ કરોડનું હસ્તાંતરણ થયું હતુ, જ્યારે છેલ્લાં ચાર વર્ષમાં આશરે રૂ. 41 લાખ કરોડનું હસ્તાંતરણ થયું છે.

આરોગ્ય ક્ષેત્ર પર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 સુધીમાં હાંસલ થઈ શકે એવા કેટલાંક લક્ષ્યાંકો ધ્યાનમાં રાખવા પડશે. તેમણે વર્ષ 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવાનાં લક્ષ્યાંકનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અત્યાર સુધી આયુષ્માન ભારત હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય)નો અમલ ન કરનાર રાજ્યોને એનો વહેલામાં વહેલી તક અમલ કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક નિર્ણયનાં કેન્દ્રમાં આરોગ્ય અને સુખાકારી હોવા જોઈએ.

કેન્દ્ર સરકારનાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનાં માર્ગદર્શક સિદ્ધાંત પર વિસ્તૃતપણે જણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજનાઓ કેટલાક ચોક્કસ લોકો કે ચોક્કસ પ્રદેશો પૂરતી મર્યાદિત નહીં રહે તથા કોઈ પણ પ્રકારનાં ભેદભાવ વિના, સંતુલિત રીતે દરેક સુધી પહોંચે છે.

પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં માળખાગત સુધારા પર ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે આંતરરાષ્ટ્રીય સ્થિતિસંજોગોએ ભારતને વિશિષ્ટ તક પૂરી પાડી છે. તેમણે કહ્યું હતું કે, ભારતે વેપારવાણિજ્ય સરળ કરવા જેવા આંતરરાષ્ટ્રીય માપદંડો સ્થાપિત કર્યા છે. વર્ષ 2024માં ભારતીય અર્થતંત્રનું વધારીને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવાનાં લક્ષ્યાંકને પાર પાડવા પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને તેમનાં અર્થતંત્રોમાં 2-2.5 ગણો વધારો કરવાનો ઉદ્દેશ બનાવવાની વિનંતી કરી હતી, જેનાથી સામાન્ય નાગરિકોની ખરીદક્ષમતામાં પણ વધારો થશે. તેમણે મુખ્યમંત્રીઓને તેમનાં રાજ્યનાં નિકાસની સંભવિતતાનો અભ્યાસ કરવા તથા નિકાસ વધારવા પર કામગીરી કરવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખાણ ક્ષેત્ર રોજગારની મહત્ત્વપૂર્ણ તકો પ્રદાન કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક રાજ્યોમાં ખાણોની કામગીરી ચાલુ રાખવા માટે હજુ પણ વિવિધ પ્રકારનાં અવરોધો છે. તેમણે કહ્યું હતું કે, નીતિ આયોગ આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે કાર્યરત છે.

પ્રધાનમંત્રીએ સૂચનો કરનાર મુખ્યમંત્રીઓનો આભાર માન્યોહતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે ભાગીદારી આતુર છે તથા ભારતને વિકાસનાં માર્ગે અગ્રેસર કરવા માટે સંયુક્તપણે કામ કરવા ઇચ્છે છે.

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ વિશે

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં ભારતનાં પ્રધાનમંત્રી, તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં વડાઓ તથા આંદમાન અને નિકોબાર ટાપુઓનાં લેફ્ટનન્ટ ગવર્નર તથા હોદ્દાની રૂએ ચાર કેન્દ્રીય મંત્રીઓ સભ્ય તરીકે અને વિશેષ આમંત્રિતો તરીકે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સામેલ છે. આ ટોચની સંસ્થા છે, જેમાં રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓ, ક્ષેત્રો અને વ્યૂહરચનાઓનું સહિયારું વિઝન સામેલ છે. એમાં વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડવા રાજ્યોની સક્રિય ભાગીદારી સામેલ છે.

પ્રથમ બેઠક 8 ફેબ્રુઆરી, 2015નાં રોજ યોજાઈ હતી, જેમાં પ્રધાનમંત્રીએ નીતિ આયોગની મુખ્ય કામગીરીઓ નિર્ધારિત કરી હતી, જેમાં સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવું અને રાજ્યોની સક્રિય ભાગીદારી દ્વારા રાષ્ટ્રીય મુદ્દાઓને સંબોધિત કરવા સામેલ છે. ગવર્નિંગ કાઉન્સિલની બીજી બેઠક 15 જુલાઈ, 2015નાં રોજ અને ત્રીજી બેઠક 23 એપ્રિલ, 2017નાં રોજ યોજાઈ હતી, જેમાં વ્યૂહરચના અને વિઝન ડોક્યુમેન્ટ દ્વારા દેશનાં વિકાસલક્ષી એજન્ડાને આકાર આપવા માટે સીમાચિહ્નો નિર્ધારિત કરવામાં આવ્યાં હતા.

ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠક 17 જૂનનાં રોજ યોજાઈ હતી, જેમાં ખેડૂતોની આવક બમણી કરવા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી અને આયુષ્માન ભારત, પોષણ અભિયાન અને મિશન ઇન્દ્રધનુષ જેવી મુખ્ય યોજનાઓ હેઠળ પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ.

નીતિ આયોગ સતત રાજ્યો સાથે માળખાગત ટેકા માટેની પહેલો અને વ્યવસ્થાઓ દ્વારા સહકારી સંઘવાદની ભાવના વધારવાની કામગીરી ધરાવે છે. આ માટે આયોગ સ્વીકાર્યું છે કે, મજબૂત રાજ્યો મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે. આ વ્યૂહરચનાઓનો અમલ કરવા, લાંબા ગાળાનાં નીતિગત માળખાગત કાર્યો અને કાર્યક્રમની પહેલોની ડિઝાઇન બનાવે છે અને એનો અમલ કરવા સહાય કરે છે તેમજ તેમની પ્રગતિ અને સલામતી પર નજર પણ રાખે છે.

ગવર્નિંગ કાઉન્સિલ સહકારી સંઘવાદનાં આ ઉદ્દેશો ધરાવે છે, જે આંતર-ક્ષેત્રીય, આંતર-વિભાગીય અને સંઘનાં મુદ્દાઓની ચર્ચા કરવા પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેથી રાષ્ટ્રીય વિકાસની કામગીરીનાં અમલને વેગ આપી શકાય. પરિણામે એક ભારત, શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થાય.



(Release ID: 1574728) Visitor Counter : 1885


Read this release in: English , Hindi