PIB Headquarters
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા આયોજિત “ગાંધી મૂલ્યોનાં માર્ગે પદયાત્રા”નો આજે છઠ્ઠો દિવસ
પદયાત્રાના છઠ્ઠા દિવસે “બ્રહ્મચર્ય” મહાવ્રત પર શ્રી વિદ્યુતભાઈ જોશીનું સંબોધન
કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલ પદયાત્રામાં જોડાયા
Posted On:
21 JAN 2019 6:32PM by PIB Ahmedabad
પદયાત્રાનો રૂટ:દુધાળા– પાંચપીપળા – રાણપરડા – પીથલપુર – વાળુકડ
ગાંધીરંગે રંગાયેલી આ પદયાત્રાનું વહેલી સવારે દુધાળાથી પ્રસ્થાન થયું. તુરી બારોટ કલાકારોએ પોતાના વાજિંત્રો વગાડીને યાત્રાનું અભિવાદન કર્યું. દુધાળાથી પાંચપીપળા જતી પદયાત્રાનો ઉત્સાહ વધારવા બાળકોથી લઈને મોટેરાઓએ મનસુખભાઈ સહિત પદયાત્રીઓને આવકાર્યા અને તેમના ઓવારણા લીધા. રસ્તામાં વિવિધ સંસ્થાની દીકરીઓએ લેજીમથી યાત્રાનું સ્વાગત કર્યું હતું.
ગાંધીમૂલ્યોનાં માર્ગે ચાલનારી આ પદયાત્રા સૌરાષ્ટ્રની ધરતી પર ગાંધી વિચારોને વાગોળતી બુનિયાદી આદર્શોના ભેખધારીઓ પાંચપીપળાથી રાણપરડા ગામે પહોંચી ત્યારે ગામલોકોએ વિશાળ સંખ્યામાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, અર્જુનરામ મેઘવાલજી અને અન્ય પદયાત્રીઓનું હર્ષોલ્લાસ સાથે સામૈયું કર્યું. અગ્યારમી મહાવ્રત સભા આજે રાણપરડા ખાતે યોજાઈ હતી.પૂજ્ય બાપુએ આપેલા મહાવ્રત “બ્રહ્મચર્ય” પર પોતાના વિચારો રજૂ કરતા શ્રી વિદ્યુતભાઈ જોશીએ જણાવ્યું કે, “બ્રહ્મચર્ય એ માત્ર શારીરિકતા સાથે નહીં માનસિકતા સાથે પણ જોડાયેલું છે. બ્રહ્મચર્ય એ આત્માની શક્તિ છે, સંકલ્પનું મનોબળ છે.”
આ પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલ, શ્રી ભીખુભાઈ દલસાણીયા, ગુજરાત રાજ્યનાં મંત્રીશ્રી વિભાવરીબેન દવે, શ્રી મોહનભાઈ કુંડારિયા (સંસદસભ્યશ્રી), વિકાસ મ્હાત્મે (રાજ્યસભાના સંસદસભ્યશ્રી) વિગેરે લોકો આ પદયાત્રામાં જોડાયા હતાં.
તારીખ 16 જાન્યુઆરીની વહેલી સવારે ગ્રામ દક્ષિણામૂર્તી મણાર સંસ્થાથી નીકળીને 21મી તારીખે સાંજે આ પદયાત્રા વાળૂકડ મુકામે પહોંચશે. પદયાત્રા દરમિયાન જોડાનાર દરેક વ્યક્તિ આજે ઇતિહાસની ભાગીદાર બની ગઈ છે. આ પદયાત્રાની સમાપન સભા આવતીકાલે તારીખ 22-01-2019ના રોજ લોકભારતી વિદ્યાલય, સણોસરા મુકામે સવારે 10 વાગ્યે યોજાશે. આ પૂર્વે 2005માં શ્રી મનસુખભાઈએ કરેલી પદયાત્રામાં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જોડાયા હતા એ ઈતિહાસનું ફરી પુનરાવર્તન થશે અને આવતી કાલે લોકભારતી સણોસરા મુકામે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજર રહેશે અને માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સ દ્વારા આ સભામાં પોતાની હાજરી પૂરાવશે.
(Release ID: 1560886)
Visitor Counter : 252