ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રનાં વિકાસ માટે માર્ગોનું જોડાણ ચાવીરૂપ છેઃ ઉપરાષ્ટ્રપતિ

શહેરો અને ગામડાં વચ્ચેનું અંતર દૂર કરવા માટે જોડાણ આવશ્યક અને મહત્ત્વપૂર્ણ છે;

દેશનાં રાજકારણમાં યુવા પેઢીની આકાંક્ષા પ્રતિબિંબિત થવી જોઈએ;

રાષ્ટ્રીય રાજમાર્ગ – 751નાં અધેલાઈ – નારી સેક્શનને ચાર માર્ગીય બનાવવા માટે શિલાન્યાસ કર્યો

Posted On: 12 AUG 2018 5:22PM by PIB Ahmedabad

ભારતનાં ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકયા નાયડુએ જણાવ્યું હતું કે, દેશનાં વિકાસમાં માર્ગોનું જોડાણ ચાવીરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ જોડાણમાં ગ્રામીણ ભારતનાં અંતરિયાળ ગામડાંઓમાં રહેતાં લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા છે. તેમણે આજે ગુજરાતનાં ભાવનગરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ – 751નાં અધેલાઈ – નારી સેક્શનને ચાર માર્ગીય બનાવવા માટે શિલાન્યાસ કર્યો હતો અને અહીં એકત્રિત જનમેદનીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતનાં રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાજ્ય કક્ષાનાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી મનસુખ એલ. માંડવિયા તથા અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કોઈ પણ દેશનાં વિકાસ માટે માળખાગત વિકાસ એ જરૂરિયાત હોવાની સાથે વિકાસ માટેનો માપદંડ પણ છે,તે સામાજિક ક્ષમતા અને સુરક્ષાને સુનિશ્ચિત કરે છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, દેશનાં શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે અંતરને દૂર કરવા માર્ગોનું જોડાણ આવશ્યક અને મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઑથોરિટીને ગ્રામીણ માર્ગોને પણ સમાન મહત્ત્વ આપવા માટેઅનુરોધ કર્યો હતો. આપણાં દેશનાં વિકાસનાં સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ માટે માર્ગોનો વિકાસ મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય રાજમાર્ગો આપણા દેશની સામાજિક, આર્થિક અને વ્યાવસાયિક એકતાનું પ્રતીક છે.

ઉપરાષ્ટ્રપતિએ માર્ગ અકસ્માતોની દુર્ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, માર્ગ સલામતીને સર્વોચ્ચ મહત્ત્વ આપવું જોઈએ તથા એમ્બ્યુલન્સ અને રાજમાર્ગોની નજીક પ્રાથમિક સારવાર કેન્દ્રો જેવી તબીબી માળખાગત સુવિધાઓ ઊભી કરવી જોઈએ, જેથી અકસ્માત જેવા કિસ્સાઓમાં પીડિતોને તાત્કાલિક મદદ મળી શકે.

ઉપરાષ્ટ્રપતિએ દેશનાં યુવાનોને વિકાસની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવવા માટે અપીલ કરી હતી. તેમણે યુવાનોને તેમની અંદર રહેલી ક્ષમતાનો ઉપયોગ કરી શકે એ માટે જરૂરી સાથસહકાર અને માળખાગત સુવિધા પૂરી પાડવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ દેશનાં રાજકારણમાં યુવાનોની આકાંક્ષાઓ પ્રતિબિંબિત થાય એ બાબત આવશ્યક છે.

આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ શ્રી મનસુખ એલ માંડવિયાએ સંસદમાં ઉઠાવેલા પ્રશ્રોનાં સંકલનનું એક પુસ્તક માય જર્ની ઇન પાર્લામેન્ટનું વિમોચન પણ કર્યું હતું.

 

 

NP/J.Khunt/RP



(Release ID: 1542829) Visitor Counter : 155


Read this release in: English