પ્રધાનમંત્રીનું કાર્યાલય

પકાલ ડુલ ઊર્જા પરિયોજનાનાં શિલાન્યાસ અને જમ્મૂમાં વિવિધ પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

Posted On: 19 MAY 2018 11:30PM by PIB Ahmedabad

મારા વ્હાલા ભાઈઓ-બહેનો,

હું અમારા ચમનલાલ જેવા ઘણા જૂના ચહેરાઓ જોઈ રહ્યો છું. જમ્મૂ કાશ્મીર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. રાજ્યમાં આ મારો ચોથો કાર્યક્રમ છે. આજે સવારથી જ લેહ-લદાખના ઊંચા-ઊંચા પહાડો પર થઈને કાશ્મીરના ખીણ પ્રદેશમાં થઈને હવે હું જમ્મુની તળ વિસ્તાર સુધી, હું વિકાસની વહેતી ધારાને જોઈ રહ્યો છું અને આ કાર્યક્રમોને કારણે હું મોડો પણ પડ્યો છું. સમયસર નહીં પહોંચી શકવા બદલ હું તમારી ક્ષમા ઇચ્છુ છું.

લેહને બાકીના ભારત સાથે જોડનારી જોજિલા ટનલ હોય, કે પછી બાંદીપોરાનો કિશનગંગા પ્રોજેકટ હોય, કે પછી કિશ્તવાડમાં ચિનાબ નદી પર તૈયાર થઇ રહેલી જળવિદ્યુત પરિયોજના હોય, જમ્મુ-કાશ્મીરની ખુશાલીનું એક નવું દ્વાર ખૂલી રહ્યું છે. જમ્મુ -કાશ્મીરની જળધારા આગામી સમયમાં અહીંની વિકાસ ધારાને ગતિ આપનારી બની રહેશે.

એક જળવિદ્યુત પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી અને બીજીનો શિલાન્યાસ થયો. આજનો આ દિવસ એક અદભૂત અને યાદગાર દિવસ બની રહ્યો છે. થોડા સમય પહેલાં મને જમ્મૂ માટે માળખાગત સુવિધાઓથી જોડાયેલી 4 મોટી યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કરવાની તક મળી છે. એમાંથી 2 માતા વૈષ્ણોદેવીને સમર્પિત છે. અહીંયાં હમણાં પકાલ ડુલ પ્રોજેકટની પણ શિલારોપણ વિધી કરવામાં આવી છે. તે કેટલો બધો લાભદાયક બનવાનો છે તેનો અંદાજ તો તમે એ વાતને આધારે જાણી શકશો કે જેટલી વીજળી આજે જમ્મૂ અને કાશ્મીરમાં પેદા થાય છે, તેની આ પાવર પ્રોજેકટ વડે એક તૃતિયાંશ જેટલી વિજળી પેદા થવાની છે.

આ પ્રોજેકટ પ્રધાનમંત્રી વિકાસ યોજના હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. એક હજાર મેગાવોટનો આ પ્રોજેકટ ઝડપી ગતિએ આગળ વધવા માટે પૂરી રીતે તૈયાર છે. આઠ હજાર કરોડ રૂપિયાની આ યોજના અહીંયા રોજગારીની અનેક તકો પેદા કરનારી બની રહેશે. લગભગ અઢી હજાર લોકોને તો સીધે સીધી રોજગારી મળવાની છે. આ ઉપરાંત અહીં કોઈ શાકભાજી ઉગાડનાર હશે, કોઈ દૂધ વેચનાર હશે અને દરેક પ્રકારનાં કામ કરનારા લોકો માટે અહીં નવી તક અને નવો લાભ મળવાનો છે.

સાથીઓ, અમારી સરકાર દેશના વિકાસ માટે એક નવા અભિગમ સાથે કામ કરી રહી છે. એ અભિગમ છે એકલતામાંથી બીજા સાથે જોડાવાનો છે. એનો એર્થ એ કે દેશના જે કોઈ વિસ્તારો કોઈ પણ કારણથી એકલા અટૂલા પડી ગયા હોય અને વિકાસની રોશની જ્યાં પહોંચી શકી ન હોય, તેમને અગ્રતા આપવામાં આવી રહી છે. અને એ જ કારણ છે કે ભલે ઉત્તર પૂર્વ હોય કે પછી જમ્મૂ-કાશ્મીર હોય, અમારો એ પ્રયાસ રહ્યો છે કે જેટલા વધુ પ્રમાણમાં ત્યાં પહોંચી શકાતુ હોય તો તેને માટે હું પ્રયાસ કરૂ છું. અગાઉ કોઈ પ્રધાનમંત્રીને આવો અવસર પ્રાપ્ત થયો છે કે નહીં તેની મને ખબર નથી. રાજકીય કામ સિવાય હું કદાચ એક ડઝનથી વધુ વખત જમ્મૂ-કાશ્મીર આવ્યો છું, પ્રધાનમંત્રી તરીકે આવ્યો છું. અગાઉ તો તમે મને ઘણા દિવસ અહીં રાખ્યો છે. તમે લોકોએ જ મારૂ લાલન-પાલન કર્યું છે.

કનેક્ટિવિટી દ્વારા વિકાસના સૂત્રને અનુસરીને આપણે કામ કરી રહ્યા છીએ. કનેક્ટીવિટી ભલે રસ્તાઓ દ્વારા હોય કે પછી દિલથી હોય, કોઈ પણ સ્તરે કોઈ પ્રકારની ઊણપ નહીં રહેવા દેવાય. જમ્મૂ-કાશ્મીરના વિકાસ માટે એવાં દરેક કદમ લેવામાં આવી રહ્યાં છે કે જે આ રાજ્યને નવા ભારતના ઉભરતા સિતારા તરીકે નિર્માણ કરવાની તાકાત ધરાવતાં હોય. તમે ભારતના એવા નકશાની જરા કલ્પના કરી જુઓ કે જ્યારે દેશનો તાજ હીરાના મુગટની જેમ ચમકતો હશે અને એ જ ચમક બાકીના દેશને વિકાસનો માર્ગ દેખાડશે.

ભાઈઓ અને બહેનો, આ ધ્યેય સાથે કેન્દ્ર સરકાર, રાજ્યની સરકાર સાથે મળીને આપણાં કાર્યોને આગળ વધારી રહી છે. થોડા વખત પહેલાં જ જમ્મુ શહેરને ગીચતાથી મુક્ત કરવા માટે અહીંની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રીંગ રોડની શિલારોપણ વિધી કરવામાં આવી છે. હવે આ રીંગ રોડ બની જશે ત્યારે આપ સૌ જમ્મુવાસીઓને અને અહીં આવનારા લાખો પ્રવાસીઓ માટે તે એક ખૂબ મોટી સુવિધા બની રહેશે.

અને તમે પણ જુઓ જે લોકો વિકાસની ડિઝાઇનને સમજે છે, આ લગભગ 50 કિમીથી વધુ લાંબો રીંગ રોડ તે ખુદ એક નવું જમ્મુ વસાવી દેશે. તેની બંને તરફ એક નવું જમ્મુ વસી જશે. એટલે કે જે રીતે વિસ્તરણ થશે, વિકાસ કેવો થશે, તે બધુ મને સારી રીતે દેખાઈ રહ્યું છે. તેનાથી જમ્મુ શહેરની અંદર અને તેની આસપાસ જે ટ્રાફિક જામ થાય છે તે તો ઓછો થવાનો જ છે, એટલું જ નહીં, પણ આ રીંગ રોડથી રાજૌરી, નૌશેરા અને અખનૂર જેવા સરહદી અને આંતરિક ક્ષેત્રોમાં પણ ભારે મશીનરી લઈ જનાર સૈન્ય વાહનોને પરિવહન માટેની સુવિધા સરળ બની રહેશે.

સાથીઓ, તમારા આ જમ્મુ શહેરને સ્માર્ટ સીટી અભિયાન હેઠળ પસંદ કરવામાં આવ્યું છે. અહિંયા ટ્રાફિકથી માંડીને ગટર સુધીની સ્માર્ટ વ્યવસ્થા તૈયાર થઈ રહી છે. રાજ્ય સરકાર આ કામગીરીમાં જોડાઈ છે. કેન્દ્ર સરકાર તરફથી આ કામ માટે પૈસા આપવાનું પણ સ્વિકારવામાં આવ્યું છે.

ભાઈઓ અને બહેનો, વિકાસ માટે અમારૂં સંપૂર્ણ ધ્યાન માળખાગત સુવિધાઓ પર છે. હાઈવે હોય કે રેલવે હોય, જળમાર્ગો હોય કે આઇ-વેઝ હોય કે પછી ધોરીમાર્ગો હોય. આ બધી 21મી સદીની અનિવાર્યતાઓ છે. સરકારની વિચારધારા પણ સ્પષ્ટ છે કે જો સવા સો કરોડ દેશવાસીઓના જીવંત સ્તરને ઉંચે લઈ જવું હોય તો પહેલાં તેને સરળ અને સુગમ બનાવવું પડશે. બીજા શબ્દોમાં કહીએ તો તેને તમે સ્માર્ટ વ્યવસ્થાનું નામ પણ આપી શકો છો. આ વિકાસધારાનું એ પરિણામ છે કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દેશભરમાં રાજમાર્ગોનું માળખું ખૂબ જ ઝડપભેર વિસ્તારવામાં આવી રહ્યું છે.

જમ્મુ- કાશ્મીર હોય, પશ્ચિમ ભારત હોય કે પછી પૂર્વોત્તરનો વિસ્તાર હોય. દેશને ધોરીમાર્ગોની કડીમાં પરોવવાના આ બધા પ્રોજેક્ટ છે. આ વર્ષના બજેટમાં આ યોજના હેઠળ તૈયાર થનારા લગભગ 35,000 કિમીના રોડ માટે રૂ. 5000 કરોડથી વધુ રકમની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવી છે. જમ્મુ- કાશ્મીરમાં આ યોજના હેઠળ લગભગ બે હજાર સાતસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

ભાઈઓ અને બહેનો, જમ્મુ કાશ્મીરમાં અહિંયા પણ ધોરીમાર્ગોના અનેક પ્રોજેક્ટસનું કામ ચાલી રહ્યું છે. જમ્મુને શ્રીનગર અને દેશના અન્ય ભાગો સાથે જોડનારી હજારો કરોડ રૂપિયાની ઘણી યોજનાઓ પૂરી થઈ ચૂકી છે અને કંઈક એવી જ રીતે તેના પર ઝડપભેર કામ ચાલી રહ્યું છે. જમ્મુ-પૂંચ, ઉધમપુર-રામબન, રામબન-બનીહાલ, શ્રીનગર-બનીહાલ અને કાજીગૂંડ-બનીહાલ જેવા ઘણાં ધોરીમાર્ગોના પ્રોજેક્ટસ પર આજે કામ ચાલી રહ્યું છે અને આવનારા સમયમાં આ વિસ્તારો માટે તે જીવનરેખા પુરવાર થવાના છે. લગભગ રૂપિયા પંદર હજાર કરોડ આ માર્ગો માટે ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ગામડાંઓને પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના દ્વારા જોડવામાં આવી રહ્યા છે. વિતેલા બે વર્ષમાં લગભગ 1 લાખ કિમીની ગ્રામીણ સડકો આ યોજના હેઠળ તૈયાર થઈ ચૂકી છે. જમ્મુ- કાશ્મીરના ગામડાંઓમાં પણ વિતેલા બે વર્ષમાં સાડા ત્રણ હજાર કિમીથી વધુ લંબાઈની સડકો બનાવવામાં આવી છે.

સાથીઓ, જમ્મુ-કાશ્મીર માટે પ્રવાસનની આવક એ એક ખૂબ મોટો સ્રોત છે. ખાસ કરીને અહિંયા શ્રદ્ધા સાથે જોડાયેલા મોટા સ્થળો છે. બાબા બરફાની હોય કે પછી માતા રાનીનો દરબાર હોય. દેશ વિદેશથી લાખો લોકો અહિંયા આવી પહોંચે છે. આસ્થાથી ઓતપ્રોત આ શ્રદ્ધાળુઓને સુવિધા મળે અને અહિંની જનતા માટે રોજગારની તકો ઉભી થાય તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે.

આજે કટરામાં માતાના દરબાર સુધી રેલવે પહોંચી ગઈ છે. પ્રધાનમંત્રી બન્યા પછી તુરંત જ મને આ રેલવે રૂટનું લોકાર્પણ કરવાની તક પ્રાપ્ત થઈ હતી. આ રેલવે રૂટથી માતાના ભક્તોને ઘણી સુવિધા પ્રાપ્ત થઈ છે. આપણે માત્ર આટલા સુધી સિમીત રહેવા માંગતા નથી, અને એ જ કારણે આજે મોટા બે પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. માતા વૈષ્ણોદેવીના દર્શન માટે એક વૈકલ્પિક માર્ગ છે અને બીજો વૈકલ્પિક માર્ગ છે તે માતાના દ્વાર સુધી સામાન પહોંચાડવા માટેનો રોપ-વે છે.

સાથીઓ, માતાના દર્શન માટે હવે શ્રદ્ધાળુઓ તારાકોટ માર્ગથી પણ જઈ શકશે. કટરા અને અર્ધકુંવારીની વચ્ચે પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે વૈકલ્પિક પગપાળા માર્ગ છે. તેનાથી ભીડથી પણ રાહત મળશે અને મને કહેવામાં આવ્યું છે કે આ માર્ગથી દોઢ કિમીના લીંક રોડ મારફતે વર્તમાન પગપાળા રોડને પણ જોડવામાં આવશે કે જેથી પગપાળા જતા યાત્રિકો મંદિર સુધી યાત્રા કરવા માટે બંને ઉપલબ્ધ રસ્તાઓમાંથી કોઈ પણ એકની પસંદગી કરી શકાશે. માતારાનીના ભક્તો માટે આ સંપૂર્ણ રીતે સુખદ અને સુરક્ષિત માર્ગ છે, જેમાં તેમની દરેક સુવિધા માટે ધ્યાન રાખવામાં આવ્યું છે.

સાથીઓ, વૈકલ્પિક માર્ગ ઉપરાંત માતાના દ્વાર સુધી વસ્તુ પરિવહનનાં રોપવેનું ઉદઘાટન કરવાનું પણ મને આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ મટિરિયલ રોપવેના આધારે સામાન લઈ જવાનું કામકાજ ઘણું સરળ થઈ જશે. શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રાધામ બોર્ડ આ અનોખી સુવિધાઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને યાત્રાળુઓ માટે આસાનીથી ખાણી-પીણીની સગવડો ઉપલબ્ધ કરાવી શકશે. મંદિરની આસપાસના કચરાની વ્યવસ્થા કરવા માટે પણ આ રોપવે દ્વારા મોટી મદદ મળવાની છે. કટરાથી મંદિર સુધી સામાન આવશે અને ત્યાંથી પાછા વળતા કચરો લઈ જવામાં આવશે.

સાથીઓ, મટિરિયલ રોપવેની જેમ જ યાત્રાળુઓ માટે એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. રૂ.60 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું ભવન-ભૈરો ઘાટી ખૂબ જલ્દી પૂર્ણ થઈ જશે. આ રોપ વેની ક્ષમતા દર કલાકે આઠસો લોકોને લઈ જવાની છે. તેનાથી વૃદ્ધ અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓને એક મોટી મદદ પ્રાપ્ત થવાની છે. આ રોપ વે જ્યારે સંપૂર્ણ રીતે કામ કરતો થઈ જશે તો એક વખતે ત્રણ મિનિટની અંદર 40 થી 50 વ્યક્તિઓને લઈ જઈ શકાશે. આ રોપ-વે પદ્ધતિમાં દિલ્હીની મેટ્રો મુજબ ઓટોમેટિક ટિકિટની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. શ્રદ્ધાળુઓને સુવિધા પૂરી પાડવા માટે યાત્રાધામ બોર્ડ જે પ્રકારે કામ કરી રહ્યું છે તેના માટે હું તેમના અધ્યક્ષને અને તેમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવું છું.

ભાઈઓ અને બહેનો, જમ્મુ અને કાશ્મીરમાં માળખાગત સુવિધાઓના વિકાસથી પ્રવાસન પ્રવૃત્તિમાં વધારો થશે અને પ્રવાસનથી રોજગારીમાં વધારો થશે. આમ છતાં રોજગાર મેળવવા માટે શિક્ષણ અને કૌશલ્યની પણ મહત્વની ભૂમિકા છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં શિક્ષણ સાથે જોડાયેલી મોટી સંસ્થાઓને મંજૂરી આપી છે. જમ્મુમાં તૈયાર થનાર આઈઆઈએમ હોય કે પછી આઈઆઈટી હોય, આ સંસ્થાઓ રાજ્ય માટે મહત્વનું સીમાચિહ્ન પૂરવાર થવાના છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના સોળ હજારથી વધુ છાત્ર-છાત્રાઓને દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ માટે છાત્રવૃત્તિ પણ આપવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો, મહિલા સશક્તિકરણ હંમેશા સરકારની અગ્રતા રહી છે. વિતેલા 4 વર્ષ દરમિયાન એવી ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા મહિલાઓને આર્થિક અને સામાજિક તાકાત પ્રાપ્ત થઈ છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સમગ્ર દેશમાં લગભગ સાડા નવ કરોડ મહિલા ઉદ્યોગસાહસિકોને નાના-નાના વેપાર કરવા માટે બાહેંધરી વગર લોન આપવામાં આવી છે. એમાં જમ્મુ-કાશ્મીરની 50 લાખથી વધુ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

એ જ પ્રમાણે ઉજ્વલા યોજના હેઠળ સરકાર દેશની ગરીબ માતાઓ અને બહેનો માટે ધૂમાડામુક્ત રસોઈ થઈ શકે તે માટે પ્રયાસ કરી રહી છે. સ્વચ્છ રસોઈ, ખાસ કરીને ગામડાંની માતાઓ અને બહેનો, દલિત હોય કે વંચિત હોય, પછાત હોય કે એવા તમામ સમાજમાંથી આવનારી માતાઓ અને બહેનો માટે આ યોજના ખૂબ જ લાભદાયક પૂરવાર થઈ રહી છે. દેશભરમાં જ્યાં લગભગ 4 કરોડ એલપીજીનાં જોડાણો વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. અહિં જમ્મુ- કાશ્મીરમાં પણ સાડા ચાર લાખથી વધુ માતાઓ અને બહેનોના રસોઈ ઘર સુધી ઉજ્જવલા યોજના પહોંચી ચૂકી છે.

સાથીઓ, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સમગ્ર દેશને ખૂલામાં શૌચક્રિયાથી મુક્ત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માત્ર સ્વચ્છતા સાથે જોડાયેલી બાબત નથી, પરંતુ મહિલાઓના સન્માનનો પણ તે વિષય છે. જમ્મુ- કાશ્મીરની માતાઓ અને બહેનો આ અભિયાન બાબતે કેટલી જાગૃત છે તેનું એક ઉદાહરણ હમણાં દેશ અને દુનિયાના લોકોએ જોયું છે. મેં જાતે મિડિયામાં ઉધમપુરની 87 વર્ષની વૃદ્ધ માતાનો ઉત્સાહ જોયો છે. આ માતા તેની આ ઉંમરે જાતે એક-એક ઈંટ લગાવીને શૌચાલય બનાવવામાં જોડાઈ ગઈ, ન કોઈની મદદ કે ન કોઈ સાધન-સરંજામ. બસ એક માત્ર ઇચ્છાશક્તિ છે સ્વચ્છતા અભિયાન સાથે જોડાવાની.

સાથીઓ, આવા પ્રયાસો જ્યારે કરવામાં આવે છે ત્યારે ઉત્સાહ અને સાહસ અનેક ગણો વધી જાય છે. કોઈ જગાએ પાંચ વર્ષની બાળકીઓ આ અભિયાનમાં જોડાય છે, તો કોઈ જગાએ 87 વર્ષની માતાઓ પણ જોડાઈ રહી છે. એનાથી અંદાજ લગાવી શકાય છે કે સ્વચ્છતા અને સન્માનની ભાવના કેટલી ઊંડી છે અને એ જ કારણ છે કે અત્યાર સુધી ગ્રામીણ સ્વચ્છતાના વ્યાપ હેઠળ 80 ટકાથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. જમ્મુ- કાશ્મીરમાં આ યોજના હેઠળ લગભગ સાડા આઠ લાખ ઘરોમાં શૌચાલયો બનાવવામાં આવ્યા છે.

સાથીઓ, મહિલાઓનું આર્થિક અને સામાજીક સશક્તિકરણ ત્યાં સુધી અધૂરૂ રહેશે, જ્યાં સુધી કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપવામાં નહીં આવે અને આ કારણે જ જમ્મુ-કાશ્મીરની મહિલાઓનું કૌશલ્ય વિકસાવવા માટે પણ અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લગભગ 5 હજાર મહિલાઓને હસ્તકલા, સીવણકામ, ખેતી અને તેની સાથે જોડાયેલા વ્યવસાયો માટે તાલીમ આપવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો, બે વર્ષ પહેલાં હું જ્યારે અહિંયા આવ્યો હતો ત્યારે મેં અહિંના નવયુવાનો અને આપ સૌને પણ અનુરોધ કર્યો હતો કે સરકારની જે કોઈ યોજનાઓ ચાલી રહી છે તેનો ફાયદો ઉઠાવો. આજે મને એ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે અહિંના નવયુવાનોએ આ યોજનાઓનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે.

પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ રાજ્યમાં લગભગ 20 લાખ લોકોએ બેંકમાં ખાતા ખોલાવ્યા છે. આ ખાતાઓમાં આજની તારીખે લગભગ 800 કરોડ રૂપિયા જમા થયેલા છે. હું માત્ર જમ્મુ-કાશ્મીરની વાત કરી રહ્યો છું. અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા હોય તેવા મારા શ્રમિક ભાઈ બહેનો છે તેમના માટે તૈયાર કરવામાં આવેલી અટલ પેન્શન યોજનામાં અહિંના ચાલીસ હજારથી વધુ લોકો જોડાઈ ગયા છે. સરકાર ઓછુ પ્રિમીયમ હોય તેવી બે જીવન વીમા યોજના ચલાવી રહી છે. તેનાથી રાજ્યના લગભગ 9 લાખ લોકો જોડાયેલા છે. આ યોજનાઓના માધ્યમથી લગભગ ત્રણ કરોડની દાવાની રકમ પણ ચૂકવી દેવામાં આવી છે.

સાથીઓ, અહિંના નવયુવાનો સેનામાં ભરતી થવા માટે હંમેશા આગળ રહ્યા છે. પરંપરા મુજબ સુરક્ષા દળોમાં આ રાજ્યના નવયુવાનોને ઘણી સારી તકો ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. સેના મધ્યસ્થ સશસ્ત્ર દળો, પોલિસ દળો, ભારતની અનામત બટાલિયનો દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ભરતી ઝૂંબેશમાં 20 હજારથી વધુ નોકરીઓ આપવામાં આવી છે.

સાથીઓ, આ ડોગરાંઓની ધરતી છે, આ વીરોની ભૂમિ છે. અહિંયા શૌર્ય પણ છે, સંયમ પણ છે, તો અહીં મધુર સંગીત પણ છે. અહીં બાસમતીના ખેતરોમાંથી આવતી સુગંધ પણ છે, તો આધુનિક યંત્ર-કારખાનાઓની પણ સંભાવના પડેલી છે. અમારો સંકલ્પ પણ મજબૂત છે અને રસ્તો પણ યોગ્ય છે.

મને સહેજ પણ શંકા નથી કે મા વૈષ્ણોદેવીના આશિર્વાદથી અને તમારા સૌના પરિશ્રમથી રાજ્ય વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરીને જ રહેશે. સિદ્ધિ પ્રાપ્ત કરીને જ રહેશે.

ધન્યવાદ.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1533029) Visitor Counter : 92


Read this release in: English , Marathi , Bengali , Tamil