આયુષ

કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી શ્રીપાદ યેસ્સો નાઈકે ક્ષેત્રીય આયુર્વેદીક ત્વચા રોગ અનુસંધાન સંસ્થાનના અમદાવાદ ખાતેના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું

50 બેડની આયુર્વેદીક હોસ્પિટલ માટે ગુજરાત સરકાર પાસે દરખાસ્ત કરવામાં આવશે – આયુષ મંત્રી

Posted On: 28 FEB 2018 4:09PM by PIB Ahmedabad

અમદાવાદ, 28-02-2018

કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી શ્રીપાદ યેસ્સો નાઈકે આજે અમદાવાદના અસારવા ખાતે ક્ષેત્રીય આયુર્વેદીક ત્વચારોગ અનુસંધાન સંસ્થાનના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતં. આ પ્રસંગે મંત્રી શ્રીએ આ અનુસંધાન સંસ્થાન માટે જમીન ફાળવવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ પરિસરમાં 50 બેડની હોસ્પિટલ બનાવવા માટે ગુજરાત સરકાર પાસે દરખાસ્ત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કેન્દ્રીય આયુષ મંત્રીએ જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રીના દ્રષ્ટિકોણ મુજબ ભારત સરકારની મહત્વપૂર્ણ પ્રાથમિકતા સ્વાસ્થ્ય સેવામાં ગુણાત્મક વૃદ્ધિ કરવાનો છે. તેનો અર્થ સમજાવતા મંત્રી શ્રીએ કહ્યું હતું કે તેમનું મંત્રાલય સસ્તા દરે સારવાર ઉપલબ્ધ કરાવવા, સેવાની ગુણવત્તા સુધારવા, સંસાધનો વધારવા અને સંશોધનમાં વધારો કરી નવીનત્તમ ચિકિત્સા સુવિધા પૂરી પાડવા માટે નિરંતર કાર્ય કરી રહ્યું છે.

શ્રી શ્રીપાદ નાઈકે જણાવ્યું હતું કે આજની આહાર-વિહારની વિષમતાઓને કારણે ત્વચા રોગની સમસ્યા વધી રહી છે ત્યારે આ સંસ્થાન ત્વચા રોગ અંગે સંશોધન કરી દર્દીઓને એક નૈસર્ગિક વિકલ્પ પૂરો પાડશે. તેમણે જણાવ્યું હતું કે આયુર્વેદિક ઉપચાર સુરક્ષિત હોવાના કારણે સૌંદર્ય પ્રસાધન ક્ષેત્રે પણ તે એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઉભરશે.

  

અમદાવાદ પશ્ચિમના સંસદ સભ્ય ડૉ. કિરીટ સોલંકીએ આયુર્વેદની જમીનથી જોડાયેલી ઉપચાર પદ્ધતિ ગણાવી હતી અને કહ્યું હતું કે આયુર્વેદ, હોમિયોપેથી જેવી નૈસર્ગિક ઉપચાર પદ્ધતિમાં રોગને જડમૂળથી દૂર કરવાની ક્ષમતા રહેલી છે. તેમણે કેન્દ્રીય બજેટમાં આયુષ્માન ભારત જેવી મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત બદલ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે આ અનુસંધાન સંસ્થાનના પરિસરમાં 50 બેડની હોસ્પિટલ શરૂ કરવા માટે યથાસંભવ મદદ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ભારત સરકારને અસારવામાં આવેલી ગુજરાત સરકારની મણિબેન આયુર્વેદિક હોસ્પિટલના વિકાસ માટે પણ યોજના લાવવા માટે અપીલ કરી હતી.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિન પટેલે એક સંદેશમાં આયુષ મંત્રાલયની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આયુષ સુવિધાઓ પૂરી પાડવા માટે મંત્રાલય પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે.

આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીના હસ્તે આયુર્વેદીક ઉપચાર અને ત્વચા રોગ સાથે સંબંધિત એક વેબ આધારિત અભ્યાસનો શુભારંભ કરાવાયો હતો. આ ઉપરાંત ‘ત્વચા રોગ : પથ્યા પથ્ય’ (ત્વચા રોગ – શું કરવું – શું ન કરવું) નામના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

NP/J.Khunt/GP                                                                                                                              



(Release ID: 1522043) Visitor Counter : 358