પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઑરોવિલે, પુડુચેરી ખાતે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

Posted On: 25 FEB 2018 2:48PM by PIB Ahmedabad

ઑરોવિલેના સુવર્ણ જયંતી સપ્તાહની ઉજવણી પ્રસંગે આજે અહીં ઉપસ્થિત રહેવા બદલ હું અત્યંત પ્રસન્નતા અનુભવી રહ્યો છું. શ્રી અરવિંદની ભારતનાં આધ્યાત્મિક નેતૃત્વ અંગેની દર્શન શક્તિ આજે પણ આપણને પ્રેરણા આપી રહી છે.

વાસ્તવમાં, ઑરોવિલેએ આ જ દીર્ઘદ્રષ્ટિનું પ્રગટીકરણ છે. છેલ્લા પાંચ દાયકાઓથી તે સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક અને આધ્યાત્મિક નવોત્થાનનાં કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે.

મિત્રો,

આજના દિવસે શ્રી અરવિંદનાં વિચારો અને કાર્યોનાં વિશાળ કાર્યક્ષેત્રને યાદ કરવું ખુબ જ અગત્યનું છે.

એક કર્મઠ વ્યક્તિત્વ, તત્વજ્ઞાની, કવિ – તેમનાં ચરિત્રનાં અનેકાનેક પાસાઓ હતા તેમજ તેઓ રાષ્ટ્ર અને માનવતાનાં કલ્યાણ માટે સમર્પિત હતા.

રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં:

હે અરવિંદ, રવીન્દ્રનાથ, આપને નમન કરે છે!

હે મિત્ર, મારા દેશના મિત્ર, હે વાણી અવતાર, મુક્ત,

ભારતનો આત્મા!

મિત્રો,

જેમ કે માતાજીએ અવલોકન કર્યું હતું કે ઑરોવિલે વિશ્વવ્યાપી નગર બને. ઑરોવિલેનો ઉદ્દેશ્ય માનવીય એકતાની પ્રતીતી કરાવવાનો હતો.

આજના દિવસે એકત્ર થયેલ આ વિશાળ જનમેદનીએ આ જ વિચારનું પ્રતિબિંબ છે. સદીઓથી, ભારત એ વિશ્વ માટે આધ્યાત્મિકતાનું ગંતવ્યસ્થાન બનીને રહ્યું છે. નાલંદા અને તક્ષશિલાની મહાન વિદ્યાપીઠોએ સમગ્ર વિશ્વમાંથી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. વિશ્વના ઘણા મહાન ધર્મો અહી જન્મ્યા હતા. જીવનનાં દરેક તબક્કે એ લોકોએ તેમના રોજ બરોજના વ્યવહારોમાં આધ્યાત્મિકતાનાં માર્ગને અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડે છે.

તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રે ભારતની મહાન પરંપરાનું સન્માન કરતા 21 જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે. ઑરોવિલેએ તમામ પ્રકારની મર્યાદાઓ અને ઓળખની સીમા રેખા પાર કરીને સ્ત્રી અને પુરુષો, યુવાન અને વૃદ્ધ, આ તમામને એકસાથે જોડ્યા છે.

હું સમજુ છું કે ઑરોવિલેનો દસ્તાવેજ સ્વયં દિવ્ય માતાજીનાં હાથો વડે ફ્રેંચ ભાષામાં લખાયો હતો. તે દસ્તાવેજ અનુસાર માતાએ ઑરોવિલે માટે પાંચ સર્વોચ્ચ સિદ્ધાંતો સ્થાપિત કર્યા હતા.

ઑરોવિલેનો સૌપ્રથમ ઉચ્ચ સિદ્ધાંત છે કે, તે તમામ માનવતાને સંબંધિત છે. આ આપણા વૈદિક મૂળ મંત્ર “વસુધૈવ કુટુંબકમ્ – સમગ્ર વિશ્વ એક પરિવાર છે” એ તેનું દ્યોતક છે.

મને જણાવવામાં આવ્યું છે કે 1968માં ઑરોવિલેના ઉદઘાટન સમારોહમાં 124 દેશોનાં પ્રતિષ્ઠિત લોકોએ ભાગ લીધો હતો. મને જાણવા મળ્યું છે કે, તેની અંદર ઓગણપચાસ દેશોનાં બે હજાર ચારસોથી વધુ નિવાસીઓ રહે છે.

આ બાબત આપણને ઑરોવિલેનાં બીજા ઉચ્ચ સિદ્ધાંતો તરફ દોરી જાય છે. દિવ્ય ચેતનાની સેવામાં જે કાર્યરત રહેવા માંગે છે તે ઑરોવિલેમાં રહેવા માટે લાયક છે.

મહર્ષિ અરવિંદની ચેતના અંગેની તાત્વિક વિચારધારા માત્ર માનવીને જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડને આવરી લે છે. તે ઇશાવાસ્ય ઉપનિષદમાં કહેવામાં આવેલ પ્રાચીન સુક્તને મળતી આવે છે. મહાત્મા ગાંધી દ્વારા તેનો અનુવાદ આ રીતે કરવામાં આવ્યો હતો, “નાનામાં નાના અણુ સુધીની તમામ ચીજવસ્તુઓ દિવ્ય છે.”

ઑરોવિલેનો ત્રીજો મૂળભૂત સિદ્ધાંત એ છે કે, તે ભૂતકાળ અને ભવિષ્ય કાળ વચ્ચેનાં એક સેતુ તરીકે ઉપસી આવશે. જો કોઈ વ્યક્તિ 1968માં જ્યારે ઑરોવિલેની સ્થાપના થઇ તે સમયે વિશ્વ અને ભારત ક્યાં ઉભું હતું એ તરફ દ્રષ્ટિપાત કરે તો વિશ્વ ભાગલાઓમાં વહેંચાયેલું હતું તેમજ શીત યુદ્ધની સ્થિતિમાં હતું. ઑરોવિલેનાં વિચારે વિશ્વને વેપાર, પ્રવાસ અને દુરસંચારનાં માધ્યમ વડે એકબીજામાં સંકલિત થતા જોયું.

સમગ્ર માનવતાને એક નાનકડા વિસ્તારમાં આવરી લેવાની દીર્ઘ દ્રષ્ટિમાંથી ઑરોવિલેનું બીજારોપણ થયું હતું. તેણે એ દર્શાવ્યું હતું કે, ભવિષ્ય એક સંકલિત વિશ્વને જોવાનું છે. ઑરોવિલેનો ચોથો સ્થાપના સમયનો સિદ્ધાંત એ છે કે તે સમકાલીન વિશ્વનાં આધ્યાત્મિક અને ભૌતિક દ્રષ્ટિકોણને જોડવાનું કામ કરશે. જેમ વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીનાં માધ્યમથી પ્રગતી કરી રહ્યું છે, તેમ તેમ તેને સામાજિક વ્યવસ્થા અને સંતુલન માટે આધ્યાત્મિક દ્રષ્ટિકોણની જરૂર પડશે અને તે ઝંખના વધતી જશે.

ઑરોવિલેમાં ભૌતિકતા અને આધ્યાત્મિકતા સુમેળ જોવા માળે છે.

ઑરોવિલેઓ પાંચમો સિદ્ધાંત છે કે તે અનંત શિક્ષણ અને સતત પ્રગતિનું સ્થાન બને જેથી કરીને તેમાં ક્યારેય સ્થિરતા ન આવે.

માનવતાનાં વિકાસ માટે સતત વિચાર અને પુનઃવિચારની આવશ્યકતા છે જેથી કરીને માનવ મગજ કોઈ એક વિચાર પર સ્થગિત ન થઇ જાય.

એક અગત્યનું તથ્ય એ છે કે, ઑરોવિલે દ્વારા એટલા વિશાળ પ્રમાણમાં લોકો અને તેમના વિચારોની વિવિધતાને સંગઠિત કરવામાં આવી છે તે કે ચર્ચાઓ અને સંવાદને સ્વાભાવિક બનાવે છે.

ભારતીય સમાજ એ મૂળભૂત રીતે વિવિધતા સભર છે. તેણે સંવાદ અને તત્વજ્ઞાની પરંપરાનું નિર્માણ કર્યું છે. ઑરોવિલે વૈશ્વિક વિવિધતાને એક સાથે લાવીને આ પૌરાણિક ભારતીય પરંપરાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરે છે.

ભારતે હંમેશા વિવિધ ધર્મો અને પરંપરાનાં પારસ્પરિક આદર અને સહ-અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે. ભારત એ સદીઓ જૂની ગુરુકુળ પરંપરાનું ઘર છે કે જ્યાં શિક્ષણ એ માત્ર વર્ગખંડો પુરતું મર્યાદિત નથી; જ્યાં જીવન એ જીવંત પ્રયોગશાળા છે. ઑરોવિલે પણ અનંત અને જીવનભરની શિક્ષણ યાત્રાનાં સ્થાન તરીકે વિકાસ પામ્યું છે.

વૈદિક કાળમાં આપણા સંતો અને ઋષિઓ મહાન કાર્યોની શરૂઆત કરતા પહેલા યજ્ઞ કરતા હતા. ઘણી વાર એ યજ્ઞોએ ઈતિહાસનાં પ્રવાહને આકાર પણ આપ્યો.

આવો જ એક એકતાનો યજ્ઞ આજથી 50 વર્ષ પહેલા અહીં કરવામાં આવ્યો હતો. સ્ત્રીઓ અને પુરુષોએ વિશ્વનાં તમામ ખુણાઓમાંથી માટી લઈને અહી આવ્યા હતા. આ માટીને એકત્ર કરવાની પ્રક્રિયા દરમિયાન એકત્વની યાત્રાનો પ્રારંભ થયો હતો.

વર્ષોના સમયગાળા દરમિયાન વિશ્વએ ઑરોવિલે પાસેથી અનેક સ્વરૂપોમાં હકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી છે.

પછી તે અનંત શિક્ષણ હોય, પર્યાવરણનું પુનરોત્થાન હોય, પુનઃપ્રાપ્ય ઉર્જા હોય, ઓર્ગેનિક ખેતી હોય, સુયોગ્ય તકનિકી માળખુ હોય, જળ વ્યવસ્થાપન હોય, કે પછી વેસ્ટ મેનેજમેન્ટ હોય, આ દરેકમાં ઑરોવિલે આગળ છે.

તમે દેશમાં ગુણવત્તાસભર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઘણા કાર્યો કર્યા છે. ઑરોવિલેનાં 50 વર્ષ પુરા થવાના પ્રસંગે, મને આશા છે કે તમે આ દિશામાં તમારા પ્રયત્નોને આગળ વધારશો. શિક્ષણના માધ્યમથી યુવા માનસની સેવા કરવી એ શ્રી અરવિંદ અને માતાજીને આપવામાં આવેલ સૌથી મોટી શ્રદ્ધાંજલી હશે.

તમારામાંના ઘણા લોકોને આ વાતની જાણ નહી હોય પરંતુ હું પણ તમારા શિક્ષણને લગતા પ્રયત્નોનો અનુયાયી છું. શ્રી અરવિંદ અને માતાજીનાં પ્રખર શિષ્ય, શ્રી કિરીટ ભાઈ જોશી એક ખ્યાતનામ શિક્ષણવિદ હતા.

જયારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે તેઓ મારા શિક્ષણ સલાહકાર પણ હતા. આજે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા. પરંતુ ભારતમાં શિક્ષણ ક્ષેત્રમાં તેમનું યોગદાન સદૈવ યાદ છે.

મિત્રો,

ઋગ્વેદ જણાવે છે;

आनो भद्रा: क्रतवो यन्तु विश्वत:”

ચારે દિશાઓમાંથી ઉચ્ચ વિચારોને આપણા તરફ આવવા દો.

ઑરોવિલે આ દેશનાં સામાન્ય નાગરિકોને સશક્ત બનાવવા માટેના નુતન વિચારો પ્રગટ કરતું રહે.

દુર સુદૂરથી આવનારા લોકો તેમની સાથે અનેક નિત્ય નવા વિચારો લઈને આવે. ઑરોવિલે એવી ભૂમિ બને જ્યાં આ તમામ વિચારોને તેમનું વાસ્તવિક સ્વરૂપ પ્રાપ્ત થાય.

ઑરોવિલે સમગ્ર વિશ્વ માટે એક દીવાદાંડી સમાન બને.

તે એક એવો અભિભાવક બને કે, જે મનની સંકુચિત દીવાલોને તોડવાનું આહવાન કરે. તે માનવતાનાં એકાત્મ ભાવની સંભાવનાઓની ઉજવણી કરવા લોકોને આવકારવાનું ચાલુ રાખે.

મહર્ષિ અરવિંદ અને દિવ્ય માતાજીનો આત્મા ઑરોવિલેને તેના ઉચ્ચતમ સ્થાપના દ્રષ્ટિબિંદુની પૂર્તિ માટે સદા માર્ગદર્શન આપતા રહે.

આભાર!

RP


(Release ID: 1521664) Visitor Counter : 189
Read this release in: English , Urdu