સંરક્ષણ મંત્રાલય

ભારતીય તટરક્ષક દળે ગાંધીનગમાં તેનાં સ્થાપના દિવસની ઉજવણી કરી

Posted On: 02 FEB 2018 5:51PM by PIB Ahmedabad

અમદાવાદ, 02-02-2018

ભારતીય તટરક્ષક દળે 1 ફેબ્રુઆરી, 2018નાં રોજ તેની સ્થાપનાની 41મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ દળ ચાર દાસકાથી વધારે સમયથી દેશ અને દેશવાસીઓની સેવા માટે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે. તટરક્ષક દળે તેનાં સ્થાપના દિવસે આપણાં દેશનાં દરિયાઈ ક્ષેત્ર સાથે સંબંધિત હિતોનું રક્ષણ કરવા નિઃસ્વાર્થ સેવા અને દ્રઢ કટિબદ્ધતા પુનઃવ્યક્ત કરી છે.

ભારતીય તટરક્ષક દળ આ 41 વર્ષ દરમિયાન મજબૂત, વ્યાવસાયિક અને ઊર્જાવંત દળ તરીકે સ્થાપિત થયું છે, જે દેશ અને દેશવાસીઓની સેવામાં કટિબદ્ધ દુનિયાનું ચોથું સૌથી મોટું તટરક્ષક દળ છે. આ દળ દરિયાકિનારાઓ પર નિઃસ્વાર્થપણે દેશવાસીઓનું રક્ષણ કરવા હંમેશા સજ્જ રહે છે તથા આંતરાષ્ટ્રીય દરિયાઈ સંસ્થાઓ સાથે જોડાણ પણ ધરાવે છે.

તટરક્ષક દળે અગાઉનાં વર્ષ દરમિયાન પ્રાપ્ત કરેલી ઘણી સફળતાઓ તેની કટિબદ્ધતાઓ, અભિયાન હાથ ધરવા માટેની સજ્જતા અને સાહસને સૂચવે છે. ચક્રવાત ઓખી પછી ફસાઈ ગયેલા માછીમારોને ઉગારવાનાં હોય, એમવી હેનરીમાં નશીલા દ્રવ્યોની દાણચોરીની આંશકાને પગલે કરેલી કામગીરી, જેનાં પરિણામે રૂ. 3500 કરોડનાં મૂલ્યનું આશરે 1500 કિલોગ્રામનાં હેરોઇનની સૌથી મોટી દાણચોરીને પકડવાની સીમાચિહ્નરૂપ સફળતા તટરક્ષક દળનાં સંકલિત પ્રયાસોનો અને સફળતાપૂર્વક ઓપરેશન હાથ ધરવાનો પુરાવો છે. તાજેતરમાં ઓઇલ ટેંકર એમટી જિનેસ્સા પર લાગેલી આગને ઓલવવા માટે સંયુક્તપણે ફાયર ફાઇટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેનાં પગલે કચ્છનાં અખાતમાં દરિયાઈ ઇકોસિસ્ટમ સામેનું મોટું જોખમ ટળી ગયું હતું.

પરંપરાગત સત્કાર સમારંભ ગાંધીનગરમાં તટરક્ષક દળ દિવસનાં રોજ યોજાયો હતો, જેમાં ગુજરાતનાં માનનીય રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે તટરક્ષક દળ (ઉત્તર પશ્ચિમ)નાં કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલ ટીએમ સાથે સ્થાપના દિવસની કેક કાપી હતી. આ સમારંભ દરમિયાન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અન્ય સંસ્થાઓનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.  

NP/J.Khunt/GP                                        



(Release ID: 1518966) Visitor Counter : 299


Read this release in: English