નાણા મંત્રાલય
નાણાં મંત્રીએ કહ્યું કે, ‘પ્લે સ્કૂલથી લઈને બારમા ધોરણ સુધી શિક્ષણનાં સંપૂર્ણ સ્વરૂપને ધ્યાનમાં રાખવામાં આવશે’
આગામી ચાર વર્ષ દરમિયાન સંશોધન અને મૂળભૂત માળખાને શ્રેષ્ઠ બનાવવા માટે 1,00,000 કરોડ રૂપિયાની પહેલ
Posted On:
01 FEB 2018 5:30PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-02-2018
શિક્ષણની ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરતાં કેન્દ્રિય નાણાં અને કોર્પોરેટ સંબંધિત બાબતોનાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, પ્લે સ્કૂલથી લઈને બારમા ધોરણ સુધી શિક્ષણનું સંપૂર્ણ સ્વરૂપ ધ્યાનમાં રાખવામાં આવશે. સંસદમાં આજે સાધારણ બજેટ 2018-19ને રજૂ કરતાં નાણાં મંત્રીએ શિક્ષણમાં ડિજિટલ તીવ્રતા વધારવા માટે સરકારનાં પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘સરકાર ધીમે ધીમે બ્લેક બોર્ડમાંથી ડિજિટલ બોર્ડ તરફ આગળ વધવાની દરખાસ્ત રજૂ કરે છે.’ નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જિલ્લા મુજબ વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવી રહી છે. મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધન અને સંબંધિત મૂળભૂત માળખામાં રોકાણ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતાં નાણાં મંત્રીએ ‘રિવાઇટેલાઇઝિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ્સ ઇન એજ્યુકેશન (આરઆઈએસઈ)’ નામની એક મુખ્ય પહેલ શરૂ કરવાની જાહેરાત કરી છે. શ્રી જેટલીએ કહ્યું હતું કે, આગામી ચાર વર્ષ દરમિયાન તેનાં પર કુલ 1,00,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણનો ઉલ્લેખ કરતાં શ્રી જેટલીએ ‘પ્રાઇમ મિનિસ્ટર્સ રિસર્ચ ફેલોઝ (પીએમઆરએફ)’ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે મુખ્ય સંસ્થાઓમાં 1000 શ્રેષ્ઠ બી. ટેક વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવશે અને તેમને આકર્ષક ફેલોશિપની સાથે આઈઆઈટી અને આઇઆઈએસસીમાં પીએચ.ડી કરવા માટે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. સેવાકાળ દરમિયાન શિક્ષકોની તાલીમની ગંભીર જરૂરિયાતનો ઉલ્લેખ કરીને નાણાં મંત્રીએ શિક્ષકો માટે એક એકીકૃત બી.એડ અભ્યાસક્રમ શરૂ કરવાની વાત કરી હતી.
નાણાં મંત્રીએ આદિવાસી બાળકોને તેમનાં પોતાનાં વાતાવરણમાં સારું શિક્ષણ આપવાની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી જેટલીએ જણાવ્યું હતું કે, ‘આ મિશનને પૂર્ણ કરવા માટે વર્ષ 2022 સુધી અનુસૂચિત જનજાતિની 50 ટકા વસતિ અને ઓછામાં ઓછા 20,000 આદિવાસી ધરાવતાં દરેક બ્લોકમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવાયો છે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એકલવ્ય સ્કૂલોને નવોદય વિદ્યાલયની જેમ ગણવામાં આવશે અને આ સ્કૂલોમાં રમતગમત અને કૌશલ્ય વિકાસની તાલીમ ઉપરાંત સ્થાનિક કળા અને સંસ્કૃતિનાં સંરક્ષણ માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ એમિનન્સ સ્થાપિત કરવાની પહેલનો ઉલ્લેખ કરતાં શ્રી જેટલીએ કહ્યું હતું કે, 100થી વધારે અરજીઓ મળી છે. નાણાં મંત્રીએ કહ્યું હતું કે, ‘અમે વડોદરામાં એક વિશેષ રેલવે યુનિવર્સિટી સ્થાપિત કરવાની દિશામાં પગલું પણ ઉઠાવ્યું છે.’ તેમણે કહ્યું હતું કે, આઈઆઈટી અને એનઆઈટી સંસ્થાઓમાં સ્વાયત્ત સ્કૂલ તરીકે 18 નવી સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર (એસપીએ) પણ સ્થાપિત કરવામાં આવશે.
દરેક કુટુંબનાં વડીલો, વિધવાઓ, અનાથ બાળકો, દિવ્યાંગો અને સામાજિક આર્થિક જાતિ જનગણના દ્વારા પરિભાષિત વંચિત લોકો સુધી પહોંચવાની જરૂરિયાત પર ભાર મૂકીને નાણાં મંત્રીએ બૃહદ સામાજિક સંરક્ષણ અને સુરક્ષા કાર્યક્રમ લાગુ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ વર્ષે રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ માટે 9975 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી.
NP/J.Khunt/GP
(Release ID: 1518699)
Visitor Counter : 186