નાણા મંત્રાલય

નાણાં મંત્રીએ સંસદમાં આર્થિક સમીક્ષા 2017-18 રજૂ કરી

ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.75 ટકાનાં દરે થશે

આર્થિક સમીક્ષામાં 2018-19માં 7થી 7.5 ટકા વૃદ્ધિની ધારણા વ્યક્ત કરવામાં આવી

સમીક્ષામાં જણાવવામાં આવ્યું કે, મધ્યમ ગાળા માટે ત્રણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે - રોજગારી, શિક્ષણ અને કૃષિ

Posted On: 29 JAN 2018 5:24PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 29-01-2018

 

        ગયા વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા શ્રેણીબદ્ધ મુખ્ય સુધારાઓને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.75 ટકા થશે અને નાણાકીય વર્ષ 2018-19માં વધીને 7.0થી 7.5 ટકા થશે, જેથી ભારત વિશ્વનાં સૌથી વધુ ઝડપથી વિકસતાં મુખ્ય અર્થતંત્ર તરીકે પોતાનાં સ્થાનને ફરી હાંસલ કરશે. આ બાબત સંસદમાં કેન્દ્રિય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ રજૂ કરેલા આર્થિક સમીક્ષા 2017-18માં જણાવી હતી. આ સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે, 2017-18માં હાથ ધરવામાં આવેલા સુધારાથી 2018-19માં સ્થિતિ વધારે મજબૂત થઈ શકે છે.

        સમીક્ષા રેખાંકિત કરે છે કે, પરિવર્તનકારક વસ્તુ અને સેવા કર (જીએસટી)નો 1 જુલાઈ, 2017થી શરૂ થયેલાં અમલ, નવી ભારતીય નાદારીની આચારસંહિતા હેઠળ ઠરાવ માટે નાણાકીય ચિંતા અનુભવતી મોટી કંપનીઓએ લાંબા ગાળાથી પડતી ટ્વિન બેલેન્સ શીટ (ટીબીએસ) સમસ્યાનાં સમાધાન, સરકારી બેંકોની સ્થિતિ મજબૂત કરવા મુખ્ય પુનઃમૂડીકરણ પેકેજનો અમલ, એફડીઆઈમાં વધુ ઉદારીકરણ અને વૈશ્વિક સુધારાથી નિકાસમાં વધારા જેવા પરિબળોને કારણે બીજા અર્ધવાર્ષિક ગાળામાં અર્થતંત્રએ વેગ પકડવાની શરૂઆત કરી છે અને ચાલુ વર્ષે 6.75 ટકા વૃદ્ધિ નોંધાવી છે. સમીક્ષા સૂચવે છે કે ત્રિમાસિક અંદાજો મુજબ, 2017-18નાં બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિમાં ઉદ્યોગ ક્ષેત્રનાં નેતૃત્વમાં જીડીપીનાં વૃદ્ધિ દરમાં ઘટાડાની પ્રવૃત્તિમાં પાછો સુધારો જોવા મળી રહ્યો છે. સાતત્યપૂર્ણ મૂળભૂત કિંમતે કુલ સંવર્ધિત મૂલ્ય (જીવીએ) 2017-18માં 6.1 ટકાનાં દરે વધશે એવી અપેક્ષા છે. તે જ રીતે, વર્ષ 2017-18માં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં અનુક્રમે 2.1 ટકા, 4.4 ટકા અને 8.3 ટકા વૃદ્ધિ જોવા મળે એવી અપેક્ષા છે. સમીક્ષામાં ઉમેરવામાં આવ્યું છે કે, એકથી બે વર્ષ માટે નકારાત્મક રહ્યાં પછી 2016-17 દરમિયાન નિકાસમાં વૃદ્ધિને ફરી વેગ મળ્યો છે અને 2017-18માં વધુ ઝડપથી વધશે એવી અપેક્ષા છે. જોકે આયાતમાં ઊંચી અપેક્ષિત વૃદ્ધિ હોવાનાં કારણે ચીજવસ્તુઓ અને સેવાઓની ચોખ્ખી નિકાસમાં 2017-18માં ઘટાડો થશે. તે જ રીતે આર્થિક વૃદ્ધિ ઊંચી હોવા છતાં સામાન્ય રીતે જીડીપીમાં બચત અને રોકાણનાં રેશિયોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 2013-14માં રોકાણનાં દરમાં મુખ્ય ઘટાડો થયો હતો અને 2015-16માં પણ ઘટાડો થયો હતો. ઘરગથ્થું ક્ષેત્રનાં આ હિસ્સાનાં ઘટાડાની અંદર ખાનગી કોર્પોરેટ ક્ષેત્રમાં વધારો થયો હતો.

        સમીક્ષા સૂચવે છે કે, ભારત છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન વૈશ્વિક સરેરાશ વૃદ્ધિ કરતાં આશરે 4 ટકા પોઇન્ટની ઊંચી અને વિકસિત બજાર અને વિકાસશીલ અર્થતંત્રોની સરખામણીમાં આશરે 3 ટકા પોઇન્ટથી વધારે વૃદ્ધિ કરી હોવાથી દુનિયામાં શ્રેષ્ઠ કામગીરી કરતાં અર્થતંત્રો વચ્ચે સ્થાન મેળવી શકશે. તેમાં સૂચવવામાં આવ્યું છે કે, 2014-15થી 2017-18 વચ્ચેનાં ગાળામાં જીડીપીમાં સરેરાશ 7.3 ટકાનાં દરે વૃદ્ધિ થઈ છે, જે દુનિયાનાં મુખ્ય અર્થતંત્રો વચ્ચે સૌથી વધારે છે. આ વૃદ્ધિ ઓછી મોંઘવારી, ચાલુ ખાતાની બચતમાં વધારો અને જીડીપીમાં રાજકોષીય ખાધનાં રેશિયોમાં ઘટાડો થવાથી હાંસલ થયો છે, જે અર્થતંત્રની વિશ્વસનિયતાને વધારે છે.

        કેટલાંક દેશોમાં સંરક્ષણવાદી અભિગમમાં વધારા વિશે ચિંતા વ્યક્ત થઈ રહી છે, જોકે એ જોવાનું રહે છે કે સ્થિતિ કેવી રહે છે. આગામી વર્ષમાં જીડીપીની વૃદ્ધિ પર કેટલાંક પરિબળો નુકસાનકારક અસર કરી શકે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થવાની શક્યતા વગેરે. જોકે વર્ષ 2018માં દુનિયાની આર્થિક વૃદ્ધિમાં મધ્યમ સુધારો જોવા મળે તેવી શક્યતા હોવાથી, જીએસટીમાં વધુ સ્થિરતા આવવાની અપેક્ષા હોવાથી, રોકાણનાં સ્તરમાં સુધારો થવાની શક્યતા હોવાથી અને વર્તમાન માળખાગત સુધારા ચાલુ રહેવાથી ઊંચી વૃદ્ધિને સમર્થન મળવું જોઈએ. સંપૂર્ણ સંતુલિત સ્તરે જોઈએ તો દેશની આર્થિક પ્રવૃત્તિમાં 2018-19માં સુધારો જોવા મળશે.

 

        સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, મેક્રો ઇકોનોમિક ચિંતાઓ સામે આગામી વર્ષમાં નીતિગત જાગૃતિની જરૂર પડશે, ખાસ કરીને જો આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલની ઊંચી કિંમત જળવાઈ રહેશે કે સ્ટોકની કિંમતમાં તીવ્ર ઘટડો થાય, તો મૂડીનાં પ્રવાહમાં એકાએક ઘટાડોથશે. પરિણામે આગામી વર્ષ માટે એજન્ડા પરિપૂર્ણ છે : જીએસટીનાં અમલને સ્થિર કરવો, ટીબીએસ કામગીરીને પૂર્ણ કરવી, એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવું અને મેક્રો ઇકોનોમિક સ્થિરતાનાં જોખમોને દૂર કરવા. લાંબા સમયની એક્ઝિટસમસ્યાનો નિવેડો લાવવા માટે જરૂરી ટીબીએસ કાર્યો માટે નુકસાનનો સામનો કરી રહેલી બેંકોનો ઉકેલ અને ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી માટે આવશ્યક સુધારાની જરૂર છે. જીએસટી પરિષદે અન્ય ઘણાં નીતિગત સુધારા લાગુ કરવા સહકારી સંઘવાદનું ટેકનોલોજીમોડલ પ્રસ્તુત કર્યું છે. મધ્યમ ગાળા માટે નીતિગત ધ્યાન ત્રણ ક્ષેત્રો પર કેન્દ્રિત રહેશે. રોજગારી : યુવા પેઢી અને મોટી સંખ્યામાં નોકરીવાંછુઓ માટે સારી રોજગારીનું સર્જન કરવું, ખાસ કરીને મહિલાઓ માટે. શિક્ષણ : શિક્ષિત અને સ્વસ્થ શ્રમદળનું નિર્માણ કરવું. કૃષિ : કૃષિ ઉત્પાદકતા વધારી, કૃષિ ક્ષેત્રની સ્થિતિ મજબૂત કરવી. ઉપરોક્ત તમામ બાબતોની સાથે ભારતે ખાનગી રોકાણ અને નિકાસનાં બે ખરાં અર્થમાં સ્થિર એન્જિનને મજબૂત કરવા ઝડપી આર્થિક વૃદ્ધિ માટે આબોહવામાં સુધારો કરવાનું પણ જાળવી રાખવું જોઈએ.

 

 

J.Khunt/GP                                                                  ક્રમાંક : 776

 

 



(Release ID: 1518192) Visitor Counter : 324


Read this release in: English