પ્રધાનમંત્રીનું કાર્યાલય

“આસિયાન-ઇન્ડિયા મજબૂત સહકાર અને ઉજ્જવળ ભવિષ્યનાં નવા સમન્વય માટે સજ્જ”: લી સિયાન લૂંગ;

આસિયાનનાં અધ્યક્ષ રાષ્ટ્ર સિંગાપોરનાં પ્રધાનમંત્રી શ્રી લી સિયાન લૂંગનાં લેખની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી

Posted On: 25 JAN 2018 2:15PM by PIB Ahmedabad

આસિયાન-ઇન્ડિયા મજબૂત સહકાર અને ઉજ્જવળ ભવિષ્યનાં નવા સમન્વય માટે સજ્જ”: લી સિયાન લૂંગ;

આસિયાનનાં અધ્યક્ષ રાષ્ટ્ર સિંગાપોરનાં પ્રધાનમંત્રી શ્રી લી સિયાન લૂંગનાં લેખની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી

 

 

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસિયાનનાં અધ્યક્ષ સિંગાપોરનાં પ્રધાનમંત્રી શ્રી લી સિયાન લૂંગનાં લેખની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આસિયાનનાં અધ્યક્ષ સિંગાપોરનાં પ્રધાનમંત્રી શ્રી લી સિયાન લૂંગનો લેખ સરસ છે. તેમાં ભારત-આસિયાનનાં સમૃદ્ધ ઇતિહાસ, મજબૂત સહકાર અને ભવિષ્યની પ્રતિબદ્ધતાઓને સુંદર રીતે આવરી લેવામાં આવી છે.

આજે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં ઓપ-એડમાં ભારતની મુલાકાતે આવેલા સિંગાપોરનાં પ્રધાનમંત્રી લી સિયાન લૂંગનો “Revive a millennial partnership: Singapore has played a major role in India’s closer integration with ASEAN (એકવીસમી સદીમાં ભાગીદારીમાં સુધારોઃ આસિયાન સાથે ભારતનાં સંબંધોને ગાઢ કરવામાં સિંગાપોર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે)શીર્ષક ધરાવતો લેખ પ્રકાશિત થયો છે, જેમાં તેમણે ભારત અને આસિયાન વચ્ચે સદીઓ જૂનાં વેપાર, વાણિજ્ય અને સાંસ્કૃતિક સંબંધો આ સંબંધોને મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે એવું લખ્યું છે.

તેમણે લખ્યું છે કે, આપણે આસિયાન-ભારતનાં સંબંધોની 25મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છીએ ત્યારે ભારતનાં દક્ષિણપૂર્વ એશિયા સાથેનાં સંબંધો 2,000 વર્ષ જૂનાં છે. ભારત અને કમ્બોડિયા, મલેશિયા અને થાઇલેન્ડ જેવા દેશો વચ્ચે પ્રાચીન વેપારનું સારી રીતે દસ્તાવેજીકરણ થયેલું છે. આ પ્રાચીન સંબંધો પર દક્ષિણપૂર્વ એશિયાની સંસ્કૃતિઓ, પરંપરાઓ અને ભાષાઓનો કાયમી પ્રભાવ છે. આપણને કમ્બોડિયામાં સીઆમ રીપ નજીક અંગકો મંદિરનાં સંકુલ, ઇન્ડોનેશિયામાં યોગ્યાકાર્તા નજીક બોરોબુદોર અને પ્રમ્બાનન મંદિરો તથા મલેશિયામાં કેદાહમાં પ્રાચીન કેન્ડી જેવા ઐતિહાસિક સ્થળો પર ભારતીય હિંદુ-બૌદ્ધ પ્રભાવ જોવા મળે છે. દક્ષિણપૂર્વ એશિયાની ઘણી સંસ્કૃતિઓમાં રામાયણ અભિન્ન અંગ છે, જેમાં ઇન્ડોનેશિયા, મ્યાનમાર અને થાઇલેન્ડ સામેલ છે. સિંગાપોરનું મલય નામ સિંગાપુરા છે, જે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવ્યું છે અને તેનો અર્થ સિંહનું શહેરએવો થાય છે.

ભારતની મુલાકાતે આવેલા સિંગાપોરનાં પ્રધાનમંત્રીએ આ લેખમાં જણાવ્યું છે કે, સિંગાપોર આસિયાન સમુદાયમાં ભારતને સામેલ કરવાની હંમેશા હિમાયત કરી રહ્યું છે. ભારત વર્ષ 1992માં આસિયાન સેક્ટરલ ડાયલોગ પાર્ટનર બન્યું હતું, વર્ષ 1995માં આસિયાન ડાયલોગનું સંપૂર્ણ પાર્ટનર બન્યું હતું અને વર્ષ 2005થી ઇસ્ટ એશિયા સમિટ (ઇએએસ)માં સહભાગી થઈ રહ્યું છે. ઇએએસ ઉદાર, સર્વસમાવેશક અને મજબૂત પ્રાદેશિક કૃષિનું મુખ્ય ઘટક છે તથા આ વિસ્તારનાં મુખ્ય વ્યૂહાત્મક આગેવાન દેશોનો મંચ છે.

તેમણે ઉમેર્યું છે કે, વર્ષ 2012માં આસિયાન-ઇન્ડિયાનાં સંબંધોની 20મી વર્ષગાંઠ પર આસિયાન-ઇન્ડિયા સંબંધોને વધુ વેગ મળ્યો હતો. અત્યારે આસિયાન અને ભારત બહુપરિમાણીય સ્તરે સહકારનાં સંબંધ ધરાવે છે, જેમાં આસિયાનની રાજકીય-સુરક્ષા, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિ આધારસ્તંભો સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક્ટ ઇસ્ટનીતિ અને 3-સી (કોમર્સ, કનેક્ટિવિટી, કલ્ચર) ફોર્મ્યુલા આસિયાન સાથેનાં સંબંધોને મજબૂત કરવાનો ઉદ્દેશ ધરાવે છે, જે આપણાં વિસ્તૃત સહકારી સંબંધો વિશે જાણકારી આપે છે. અમે સહકાર સ્થાપિત કરવા માટે આશરે 30 પ્લેટફોર્મ ધરાવીએ છીએ, જેમાં વાર્ષિક લીડર્સ સમિટ અને સાત મંત્રીમંડળીય સંવાદો સામેલ છે. ભારત આસિયાન-સંચાલિત પ્લેટફોર્મમાં સક્રિય રીતે સહભાગી છે, જેમાં આસિયાન રિજનલ ફોરમ, આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ પ્લસ અને ઇસ્ટ એશિયા સમિટ સામેલ છે.

તેમણે વેપાર અને વાણિજ્યનાં સંબંધો વિશે લખ્યું છે કે, આસિયાન-ઇન્ડિયા ફ્રી ટ્રેડ એરિયા (એઆઇએફટીએ) સાથે આસિયાન-ઇન્ડિયા ટ્રેડ વર્ષ 1993માં 2.9 અબજ ડોલર હતો, જે વર્ષ 2016 સુધીમાં વધીને 58.4 અબજ ડોલર થયો છે. આસિયાન-ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ અને વાર્ષિક દિલ્હી ડાયલોગ જેવા સામાજિક-સાંસ્કૃતિક મોરચે લોકો વચ્ચેનાં સંબંધોને વધારે મજબૂત કરશે. આ વિવિધ પ્લેટફોર્મ મારફતે આપણાં યુવાનો, શિક્ષણશાસ્ત્રીઓ અને વેપારીઓ મળશે, એકબીજા પાસેથી શીખશે અને સંબંધોને વધારે ગાઢ બનાવશે.

આસિયાન-ઇન્ડિયા સંબંધોની રજતજયંતિ ઉજવવા બંને પક્ષોએ ઘણાં યાદગાર કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તાજેતરમાં સિંગાપોરમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થઈ હતી, જેમાં ભારતીય ડાયસ્પોરાનાં પ્રદાનને બિરદાવવામાં આવ્યું હતું. આજે આસિયાન-ઇન્ડિયા કોમેમોરેટિવ સમિટ આ ઉજવણીની શરૂઆત સ્વરૂપે યોજાઈ છે. આ પ્રસંગે નવી દિલ્હીમાં આસિયાનનાં સભ્ય દેશોનાં તમામ નેતાઓ માટે સન્માનની વાત છે. આસિયાનનાં નેતાઓને આવતીકાલે 69માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિઓ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે પણ સન્માનજનક બાબત છે.

સિંગાપોરનાં પ્રધાનમંત્રીએ લખ્યું છે કે, મુખ્ય વૈશ્વિક પ્રવાહો વ્યૂહાત્મક સંભવિતતાઓને નવી દિશા આપી રહ્યાં છે, જે પડકારો અને તકો બંને પ્રસ્તુત કરે છે. અત્યારે વ્યૂહાત્મક સંતુલન બદલાઈ રહ્યું છે. વસતિજન્ય, સાંસ્કૃતિક અને રાજકીય ફેરફારો દુનિયાનાં ઘણાં વિસ્તારોમાં થઈ રહ્યાં છે. વૈશ્વિકરણ અને મુક્ત વેપાર પર સર્વસંમતિમાં ઘટાડો થઈ રહ્યો છે, પણ આસિયાનની વિકાસગાથા સકારાત્મક જળવાઈ રહેશે. આપણે આર્થિક સંકલિતતા પર ભાર મૂકવાની જરૂર છે. આપણે આતંકવાદ, સાયબર અપરાધ અને આબોહવામાં ફેરફાર જેવા નવા આંતરરાષ્ટ્રીય પડકારોનું સમાધાન કરવું પડશે.

સિંગાપોરનાં પ્રધાનમંત્રીનાં જણાવ્યા મુજબ, અત્યારે પ્રવર્તમાન ભૂ-રાજકીય અનિશ્ચિતતા ભારત જેવા મુખ્ય ભાગીદાર દેશો સાથે આસિયાનનાં સહકારને નવો વેગ આપે છે. આસિયાન અને ભારત વિસ્તારમાં શાંતિ અને સુરક્ષામાં સહિયારા હિતો ધરાવે છે તથા ઉદાર, સંતુલિત અને સર્વસમાવેશક પ્રાદેશિક માળખું ધરાવે છે. ભારત હિંદ મહાસાગરથી પ્રશાંત મહાસાગર સુધી દરિયાઈ માર્ગોમાં વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. આ દરિયાઈ માર્ગો આસિયાનનાં ઘણાં સભ્ય દેશો માટે મહત્ત્વપૂર્ણ વેપારી માર્ગો પર છે. બંને પક્ષો આ દરિયાઈ વેપારી માર્ગોને જાળવવા માટે સહિયારું હિત ધરાવે છે.

શ્રી લી સિયાન લૂંગે આસિયાન અને ભારતની કુલ 1.8 અબજની વસતિનાં મહત્ત્વ અને તેની તાકાત પર ભાર મૂક્યો છે, જે દુનિયાની ચોથા ભાગની વસતિનું પ્રતિનિધિત્વ કરે છે. સંયુક્ત જીડીપી 4.5 ટ્રિલિયન ડોલરથી વધારે છે. તેમનાં જણાવ્યા મુજબ, વર્ષ 2025 સુધીમાં ભારતનું ઉપભોક્તા બજાર દુનિયામાં પાંચમું સૌથી મોટું બજાર બની જાય તેવી અપેક્ષા છે, ત્યારે દક્ષિણપૂર્વ એશિયાનાં મધ્યમવર્ગનાં કુટુંબો ડબલ 163 મિલિયન થશે. બંને વિસ્તારો વસતિવિષયક લાભ પણ મેળવી રહ્યાં છે આસિયાનની 60 ટકા વસતિની ઉંમર 35 વર્ષથી ઓછી છે, ત્યારે ભારત વર્ષ 2020 સુધીમાં સરેરાશ 29 વર્ષ સાથે વિશ્વનો સૌથી યુવા દેશ બની જશે એવી ધારણા છે. આસિયાન અને ભારત સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ પામતી ઇન્ટરનેટ યુઝરનો આધાર પણ ધરાવે છે, જે આપણને ડિજિટલ અર્થતંત્ર તરીકે વિકસાવવામાં મદદરૂપ થશે. આ પૃષ્ઠભૂમિ સાથે ભારત-આસિયાન સંબંધોમાં વૃદ્ધિની ઘણી સંભવિતતા રહેલી છે ભારત વર્ષ 2016માં આસિયાનનાં બાહ્ય વેપારમાં ફક્ત 2.6 ટકા હિસ્સો ધરાવે છે.

ભારતની મુલાકાત પર આવેલા સિંગાપોરનાં પ્રધાનમંત્રીએ પારસ્પરિક લાભનાં જોડાણનાં ત્રણ ક્ષેત્રો સૂચવ્યાં છે.

પ્રથમ, આસિયાન અને ભારતે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા બમણાં પ્રયાસો કરવા જોઈએ. આપણે અત્યાધુનિક અને પ્રસ્તુત વર્તમાન માર્ગો જાળવવાની જરૂર છે, જેમાં એઆઇએફટીએ સામેલ છે. આપણે ઉચ્ચ ગુણવત્તાયુક્ત રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસીઇપી) કરવાની દિશામાં સહિયારો પ્રયાસ કરવો જોઈએ, જે હાલની એઆઇએફટીએને પાર કરી જશે. તેનાથી દુનિયાની અડધોઅડધ વસતિ ધરાવતું એશિયાનું સંકલિત બજાર ઊભું થશે, જેમાં વિશ્વની જીડીપીનો ત્રીજો ભાગ સામેલ હશે. મુખ્ય નિયમો અને નીતિઓ બંને દિશાઓમાં રોકાણને પ્રોત્સાહન આપશે, જે ભારતની એક્ટ ઇસ્ટપોલિસીમાં પૂરક બનશે અને વિસ્તારમાં મેક ઇન ઇન્ડિયાનિકાસને સુલભ કરશે.

બે, આપણાં લોકોને આ મહાન જમીન, હવા અને દરિયાઈ જોડાણનો મહત્તમ લાભ મળશે. તેમણે ભારતનાં જમીન મારફતે જોડાણને સુધારવાનાં પ્રયાસોની પ્રશંસા કરી છે, જમાં ભારત-મ્યાન્માર-થાઇલેન્ડ ત્રિપાંખીય હાઇવેને વધારવાની અને આસિયાન સાથે માળખાગત જોડાણને પ્રોત્સાહન આપવા ભારતની એક અબજ ડોલરની લાઇન ઓફ ક્રેડિટ સામેલ છે. તેમણે ઉમેર્યું છે કે આસિયાન ભારત સાથે ભૌતિક જોડાણ વધારવા ખભેખભો મિલાવીને કામ કરવા આતુર છે, જેમાં આસિયાન-ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ એગ્રીમેન્ટ ઝડપથી કરવાની બાબત સામેલ છે. આ સમગ્ર વિસ્તારમાં લોકો વચ્ચે પ્રવાહ વધારશે, જેનાથી ભારતીય અને આસિયાન એમ બંને એરલાઇન્સને નવાં અને વિકાસશીલ બજારો મળશે, ખાસ કરીને વ્યવસાય, રોકાણ અને પ્રવાસન માટે.

ડિજિટલ જોડાણ સહકારનું અન્ય એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે અને ભવિષ્ય માટે લોકો વચ્ચે જોડાણનો આકાર આપી શકે છે. ભારતની આધાર સિસ્ટમે ઘણી નવી તકો ઊભી કરી છે. ઉદાહરણ તરીકે, ઇન્ડિયા-આસિયાન ફિન્ટેક પ્લેટફોર્મ કે ઇ-પેમેન્ટ સિસ્ટમનું જોડાણ.

શ્રી લી સિયાન લૂંગે જણાવ્યું છે કે, ભારત અને આસિયાન નવો સમન્વય સ્થાપિત કરવાનું ચાલુ રાખશે. સિંગાપોરની અધ્યક્ષતાનો એક ઉદ્દેશ આસિયાન સ્માર્ટ સિટીઝ નેટવર્ક વિકસાવવાનો છે અને આ ક્ષેત્રમાં સિંગાપોર અને ભારત સ્વાભાવિક પાર્ટનર છે. ભારતમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે અને સરકારે 100 સ્માર્ટ સિટીઓનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. શહેરીકૃત સિટી-સ્ટેટ સિંગાપોર આ સફરમાં ભારતનું ભાગીદાર બનવા તૈયાર છે અને અમારાં અનુભવ પર આધારિત શહેરી સોલ્યુશન વિકસાવવામાં મદદ કરશે. આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતી તેનું ઉદાહરણ છે.

સિંગાપોરનાં પ્રધાનમંત્રીએ ઓપ-એડનાં અંતે જણાવ્યું છે કે, આસિયાનનું અધ્યક્ષ રાષ્ટ્ર સિંગાપોર આસિયાન-ભારતનાં સંબંધોને ગાઢ બનાવવા કટિબદ્ધ છે. જો બંને પક્ષો આપણાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણનો ઉપયોગ કરે તો આજનાં પડકારોનું સમાધાન થશે તથા ભવિષ્ય માટે સેતુ ઊભો થશે. તેનો સૌથી વધુ ફાયદો આપણી યુવા પેઢી અને આગામી પેઢીને મળશે.

 

NP/J.Khunt/GP



(Release ID: 1517789) Visitor Counter : 290


Read this release in: English