પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આઇક્રિએટ સેન્ટર દેશને સમર્પિત કર્યું

Posted On: 17 JAN 2018 5:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આજે (17-01-2018) અમદાવાદ નજીકનાં વિસ્તારમાં સ્થિત આઇક્રીએટ સુવિધા કેન્દ્ર દેશને સમર્પિત કર્યું હતું. આઇક્રીએટ ખાદ્ય સુરક્ષા, જળ, જોડાણ, સાયબર સુરક્ષા, આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ, ઊર્જા, બાયો-મેડિકલ સાધનો અને ઉપકરણો વગેરે જેવા મોટાં પડકારો ઝીલવા રચનાત્મકતા, નવીનતા, એન્જિનીયરિંગ, પ્રોડક્ટ ડિઝાઇન અને વિકસતી ટેકનોલોજીનાં ઉપયોગનાં સુભગ સમન્વય મારફતે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા ઊભું કરવામાં આવેલું સ્વતંત્ર કેન્દ્ર છે.

 

બંને નેતાઓએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી, જેમાં અલગ-અલગ ક્ષેત્રોની તકનીક અને નવપ્રવર્તન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

 

પ્રધાનમંત્રીએ જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, ભારત અને ઇઝરાયલનાં લોકોને એકબીજાની નજીક લાવવામાં નવીનતા મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું હતું કે, આખી દુનિયાએ ઇઝરાયલની તકનીકી ક્ષમતા અને રચનાત્મકતાની નોંધ લીધી છે.

 

તેમણે જણાવ્યું હતું કે, ભારતનાં યુવાનો ઉત્સાહી અને પ્રતિભાશાળી છે. યુવા પેઢીને થોડાં પ્રોત્સાહન અને સંસ્થાગત ટેકાની જરૂર છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર સંપૂર્ણ વ્યવસ્થાને નવીનતાને અનુકૂળ બનાવવા કામ કરે છે, જેથી નવા વિચારો પેદા થઈ શકે; વિચારો નવીનતા તરફ દોરી જશે; અને નવીનતા જ નવા ભારતનું નિર્માણ કરવામાં મદદ કરશે.

 

તેમણે જણાવ્યું હતું કે, સફળતાની પ્રથમ આવશ્યકતા સાહસિકતા છે. તેમણે આઇક્રિએટમાં વિવિધ નવીન પ્રવૃત્તિઓમાં સંકળાયેલા સાહસિક યુવાનોને અભિનંદન પાઠવ્યાં હતાં.

 

પ્રધાનમંત્રીએ કાલિદાસનો ઉલ્લેખ કરતા પરંપરા અને આધુનિકતા વચ્ચેની દ્વિધા અંગે વાત કરી હતી. તેમણે ભારતની યુવા પેઢીને અત્યારે દેશ સામેનાં પડકારોને ઝીલવા નવીન અભિગમ અપનાવવા તથા શક્ય એટલાં ઓછાં ખર્ચે સામાન્ય નાગરિકનાં જીવનની ગુણવત્તા સુધારવા વિનંતી કરી હતી.

 

પ્રધાનમંત્રીએ ખાદ્ય ચીજવસ્તુઓ, જળ, સ્વાસ્થ્ય અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં નવીનતા માટે ભારત અને ઇઝરાયલ વચ્ચે સહકાર સ્થાપિત કરવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે આ ક્ષેત્રોમાં સાથસહકાર 21મી સદીમાં માનવજાતનાં ઇતિહાસમાં નવા પ્રકરણની શરૂઆત કરશે.

 

 

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1516975) Visitor Counter : 159


Read this release in: English