મંત્રીમંડળ

મંત્રીમંડળે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની ગ્રુપ ‘એ’ એક્ઝીક્યુટીવ કેડરની કેડર સમીક્ષા માટે મંજુરી આપી

Posted On: 10 JAN 2018 6:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ની ગ્રુપ  ‘એ’ એક્ઝીક્યુટીવ કેડરની કેડર સમીક્ષા માટે મંજુરી આપી દીધી છે. તેમાં સીઆઇએસએફના વરિષ્ઠ ડ્યુટી પદોમાં નિરીક્ષક કર્મચારીગણમાં વધારો કરવા માટે સહાયક કમાન્ડન્ટથી લઈને અપર મહાનિદેશક સુધીનાં રેન્કમાં 25 જગ્યાઓનું નિર્માણ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સીઆઈએસએફ કેડરના પુનર્નિર્માણથી ગ્રુપ એની જગ્યાઓ 1252 થી વધીને 1277 થશે, જેમાં અપર મહાનિદેશકની 2 જગ્યાઓ, મહાનિરીક્ષકની 7 જગ્યાઓ, ઉપ મહાનિરીક્ષકની 8 જગ્યાઓ અને કમાન્ડન્ટની 8 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવશે.

અસર:

સીઆઈએસએફમાં ગ્રુપ એની આ જગ્યાઓની રચના થયા બાદ આ સુરક્ષા દળની નિરીક્ષણ ચોકસાઈ અને ક્ષમતા નિર્માણમાં વધારો થશે. સુરક્ષા દળમાં ગ્રુપ એની જગ્યાઓની કેડર સમીક્ષામાં પ્રસ્તાવિત જગ્યાઓના સમયસર કરવામાં આવેલા નિર્માણથી દેખરેખ તેમજ વહીવટી ક્ષમતામાં વધારો થશે.

પૂર્વભૂમિકા:

1983માં સુધારવામાં આવેલા સીઆઇએસએફ એક્ટ 1968 દ્વારા સીઆઇએસએફનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમજ તેને કેન્દ્રના સશસ્ત્ર દળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. સીઆઇએસએફના મૂળ દસ્તાવેજમાં જાહેર ક્ષેત્ર હેઠળની માલિકીની સંપત્તિને રક્ષણ અને સુરક્ષા પૂરી પાડવા જણાવવામાં આવ્યું હતું. આ કાયદામાં 1989, 1999 અને 2009માં ફરીથી સુધારો કરવામાં આવ્યો જેથી કરીને કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર ક્ષેત્રના એકમો અને અન્ય ફરજોને પૂરા પાડવામાં આવતા સુરક્ષા કવચ તેમજ ફરજોમાં વૃદ્ધિ કરી શકાય.

સીઆઇએસએફની સ્થાપના 1969માં માત્ર 3 બટાલીયનની નિર્ધારિત ક્ષમતા સાથે કરવામાં આવી હતી. સીઆઇએસએફ પાસે 12 રીઝર્વ બટાલીયન અને એચકયુઆર સિવાય અન્ય સીએપીએફ જેવી કોઈ બટાલીયન પેટર્ન નથી. વર્તમાન સમયમાં આ દળ સમગ્ર દેશમાં ફેલાયેલા 336 ઔદ્યોગિક એકમો (59 વિમાન મથકો સહીત)ને સુરક્ષા કવચ પૂરું પડે છે. આ દળ કે જેની શરૂઆત 1969માં માત્ર 3192ની મંજુરી પ્રાપ્ત ક્ષમતા સાથે થઇ હતી તે હાલ 30.06.2017માં 1,49,088ની ક્ષમતા સુધી વિકસી ચૂકી છે. સીઆઈએસએફનું મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે. આ સંગઠનનું નેતૃત્વ મહાનિદેશક કરે છે, જે એક જુના કેડરનું પદ છે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1516226) Visitor Counter : 86


Read this release in: English