પ્રવાસન મંત્રાલય

વર્ષાંત સમીક્ષા-2017: ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 2017માં ભારતે વર્ષ 2013થી 25 ક્રમની હરણફાળ ભરી

પ્રવાસન મંત્રાલયે “ઇન્ક્રેડિબલ ઇન્ડિયા 2.0 અભિયાન” શરૂ કર્યું

પર્યટન પર્વનું આયોજન 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયું હતું

Posted On: 01 JAN 2018 4:34PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-01-2018

પ્રવાસન મંત્રાલય પ્રવાસનનાં વિકાસ અને પ્રોત્સાહન સાથે સંબંધિત નીતિનિયમો અને કાર્યક્રમો બનાવવા માટે જવાબદાર નોડલ એજન્સી છે. મંત્રાલય આ પ્રક્રિયામાં કેન્દ્રિય મંત્રાલયો/એજન્સીઓ, રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં વહીવટી વિભાગો અને ખાનગી ક્ષેત્રનાં પ્રતિનિધિઓ જેવા વિવિધ હિતધારકો સાથે ચર્ચાવિચારણા અને સહયોગ કરે છે. ભારત સહિત અનેક દેશોમાં પ્રવાસન ક્ષેત્ર આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન છે અને વિદેશી ચલણની કમાણી કરવા માટેનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે. આ ક્ષેત્ર મોટા પાયે રોજગારીની તકોનું સર્જન કરવા માટે સક્ષમ છે – જેમાં ખાસ કરીને અકુશળ લોકો માટે રોજગારીની સારી તકો ઊભી કરવાની ક્ષમતા છે એટલે રોજગારીની વધારે તકોનું સર્જન કરવામાં આ ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. સમાનતા સાથે વૃદ્ધિ હાંસલ કરવામાં આ ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ અદા કરી શકે છે. તેનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં પ્રવાસન ક્ષેત્ર માટે સુવિધાઓ વધારવાનો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. મંત્રાલયની કેટલીક મુખ્ય જવાબદારીઓમાં સામેલ છે – પ્રવાસન ક્ષેત્ર માટે માળખાગત સુવિધાઓ વિકસાવવી, વીઝા પ્રક્રિયાને સરળ બનાવવી, પ્રવાસન સેવા પ્રદાતાઓ દ્વારા માપદંડોને અનુરૂપ સેવાઓ પ્રદાન કરવી વગેરે.

  • ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કોમ્પ્ટિટિવનેસ ઇન્ડેક્સ (ટીટીસીઆઈ – પ્રવાસ અને પ્રવાસન સ્પર્ધા સૂચકાંક), 2017માં વર્ષ 2013ની સરખામણીમાં ભારતે 25 સ્થાનની હરણફાળ પણ ભરી છે. ટીટીસીઆઈ રિપોર્ટ, 2017માં ભારતનું સ્થાન 40મું હતું, જ્યારે વર્ષ 2015માં ભારતનું સ્થાન 52મું અને વર્ષ 2013માં 65મું સ્થાન હતું.

પ્રવાસન સંબંધિત આંકડા

  • જાન્યુઆરીથી નવેમ્બર, 2017 દરમિયાન વિદેશી પ્રવાસીઓનું આગમન (એફટીએ) 90.01 લાખ હતું, જે ગયા વર્ષનાં સમાન ગાળાની સરખામણીમાં 15.6 ટકાની વૃદ્ધિ સૂચવે છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીથી નવેમ્બર, 2017 દરમિયાન 77.83 લાખ વિદેશી પ્રવાસીઓનું આગમન થયું હતું, જે જાન્યુઆરીથી નવેમ્બર, 2015માં આવેલા વિદેશી પ્રવાસીઓની સરખામણીમાં 9.7 ટકા વધારે હતું.
  • જાન્યુઆરીથી નવેમ્બર, 2017 દરમિયાન ઇ-ટૂરિસ્ટ વિઝા પર કુલ 14.57 લાખ વિદેશી પ્રવાસીઓનું આગમન થયું હતું, જ્યારે ગયા વર્ષનાં સમાન ગાળા જાન્યુઆરીથી નવેમ્બર, 2016 દરમિયાન 9.17 લાખ વિદેશી પ્રવાસીઓનું ઇ-ટૂરિસ્ટ વિઝા પર આગમન થયું હતું. આ રીતે ચાલુ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન ઇ-ટૂરિસ્ટ વિઝા પર વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 58.8 ટકાનો વધારો થયો હતો.
  • જાન્યુઆરીથી નવેમ્બર, 2017 દરમિયાન વિદેશી હૂંડિયામણની આવક (એફઇઇ) રૂ. 1,60,865 કરોડ થઈ હતી, જે ગયા વર્ષનાં સમાન ગાળાની આવક કરતાં 16.9 ટકા વધારે હતી. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીથી નવેમ્બર, 2016 દરમિયાન વિદેશી હૂંડિયામણની આવક (એફઇઇ) રૂ. 1,37,588 કરોડ હતી, જે જાન્યુઆરીથી નવેમ્બર, 2015ની આવક કરતાં 13.7 ટકા વધારે હતી.
  • વર્ષ 2016 દરમિયાન સ્થાનિક પર્યટકોની સંખ્યા 1613.6 મિલિયન નોંધાઈ હતી. તેમાં વર્ષ 2015નાં પર્યટકોની સંખ્યાની સરખામણીમાં 12.7 ટકાનો વધારો થયો હતો.

પ્રવાસન ક્ષેત્ર માટે માળખાગત સુવિધાનો વિકાસ

  • પર્યટકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રવાસન સંબંધિત માળખાગત સુવિધાનાં વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી છે. સ્વદેશ દર્શન યોજના અંતર્ગત થીમ આધારિત પર્યટન યાત્રા માર્ગોનો વિકાસ કરવામાં આવ્યો છે. વર્ષ 2017-18 દરમિયાન રૂ. 824.80 કરોડનાં રોકાણ સાથે 11 પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત રૂ. 5648.1 કરોડ રૂપિયાનાં રોકાણ સાથે કુલ 67 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે.
  • રાષ્ટ્રીય યાત્રાધામ પુનઃસ્થાપના અને આધ્યાત્મિક વારસા વિકાસ મિશન (પીઆરએએસએચએડી) યોજના અંતર્ગત યાત્રાધામોની ઓળખ કરીને સંપૂર્ણ વિકાસ કરવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2017-18 દરમિયાન રૂ. 98.84 કરોડનાં ખર્ચે કુલ 3 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી રૂ. 587.29 કરોડનાં ખર્ચ સાથે કુલ 21 યોજનાઓને મંજૂર કરવામાં આવી છે.

પર્યટન કેન્દ્રોનો સંપૂર્ણ વિકાસ

  • પર્યટન મંત્રાલયે પર્યટન કેન્દ્રો પર આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્રદાન કરવા માટેનાં કાર્યને પ્રાથમિકતા આપી છે. તે અંતર્ગત માળખાગત સુવિધાઓનો વિકાસ, જનસુવિધાઓ, બહુભાષા કેન્દ્ર અને કૌશલ્ય વિકાસ જેવા કાર્યક્રમ સામેલ છે. પર્યટન મંત્રાલયે કેન્દ્ર સરકારનાં અન્ય મંત્રાલયો, રાજ્ય સરકારો અને ઉદ્યોગજગતનાં હિતધારકો સાથે મળીને એડોપ્ટ એ હેરિટેજ નામનો એક કાર્યક્રમ લોંચ કર્યો છે. સરકારી ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વ્યક્તિગત સ્તરે પણ આ કેન્દ્રોમાં સુવિધાઓ વિકસિત કરવાનું કાર્ય કરી શકાય છે. આ પ્રકારની કામગીરી કરનારાઓને મોન્યુમેન્ટ મિત્ર નામથી ઓળખવામાં આવશે.
  • વર્ષ 2017-18નાં બજેટમાં આ જાહેરાત કરવામાં આવી હતી કે, રાજ્યો સાથે મળીને વિશેષ પર્યટન ક્ષેત્ર વિકસિત કરવામાં આવશે. રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્રો સાથે ચર્ચાવિચારણા કરીને પ્રવાસન મંત્રાલયે આ નવી યોજના માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે. વિશેષ પ્રવાસન ક્ષેત્રનાં નિર્માણથી આ ક્ષેત્રનો સંપૂર્ણ વિકાસ થશે. આજીવિકાની તકો ઊભી થશે અને સ્થાનિક સમુદાયનાં લોકોનાં જીવનસ્તરમાં વધારો થશે.

પર્યટન પર્વ

  • ઓક્ટોબર, 2017નાં રોજ 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ પ્રવાસનનાં ફાયદા જણાવવાનો હતો. તેમાં દેશની સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યત્વે ટૂરિઝમ ફોર ઓલ અર્થાત્ બધા માટે પ્રવાસનનો વિચાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ફૂડ ફેસ્ટિવલ, પર્યટન પ્રદર્શની, હાથવણાટ અને હસ્તશિલ્પ ઉત્પાદનોનું પ્રદર્શન, યોગ સત્ર, પર્યટન અને વારસાગત સ્થળોનું ભ્રમણ, વિદ્યાર્થીઓ માટે પર્યટન આધારિત સ્પર્ધા, જાગૃતિ કાર્યક્રમ, સેમિનાર અને કાર્યશાળાઓ સામેલ હતી.

 

 

 

કેન્દ્ર, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોનાં પર્યટન, સાંસ્કૃતિક, યુવા સંબંધિત બાબતો અને રમતગમત મંત્રીઓ તથા સચિવોનું રાષ્ટ્રીય સંમેલન

  • જાન્યુઆરી, 2017માં સાંસ્કૃતિક અને યુવા બાબતો તેમજ રમતગમત મંત્રાલયની સાથે પર્યટન મંત્રાલયે ગુજરાત સરકારનાં સહયોગમાં કચ્છનાં રણમાં ઘોરડોમાં કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોનાં પર્યટન, સાંસ્કૃતિક, યુવા બાબતોનાં અને રમતગમત મંત્રીઓ અને સચિવોનાં રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું હતું. સંમેલનનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કર્યું હતું. સંમેલનની થીમ પર્યટન, સાંસ્કૃતિક, યુવા બાબતો અને રમતગમતને યુવા ભારત અને એક ભારત, શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં વિષયો સાથે સમન્વય સ્થાપિત કરવાની હતી.

ભારત પર્વ

  • ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા 26થી 31 જાન્યુઆરી, 2017 સુધી દિલ્હીનાં લાલ કિલ્લામાં ભારત પર્વનું આયોજન કરવાની જવાબદારી નોડલ મંત્રાલય તરીકે પ્રવાસન મંત્રાલયને સુપરત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રજાસત્તાક દિવસની પરેડ, ટેબ્લોક્સ, સશસ્ત્ર સૈન્ય દળોનાં બેન્ડનું પર્ફોર્મન્સ, ફૂડ ફેસ્ટિવલ, ક્રાફ્ટ્સ મેલા અને દેશનાં વિવિધ વિસ્તારોમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમો સામેલ હતાં. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશભક્તિનું વાતાવરણ પેદા કરવાનો, દેશની વિવિધ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાનો, સાધારણ જનતાની વ્યાપક સહભાગીદારી સુનિશ્ચિત કરવાનો અને એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં વિચારને લોકપ્રિય બનાવવાનો હતો.

માનવ સંસાધન વિભાગ

  • વર્ષ 2017માં પ્રવાસન મંત્રાલયે રાજસ્થાનમાં ઝાલાવાડ, ઉદેપુર અને ધોલપુરમાં સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ મેનેજમેન્ટ, કેટરિંગ ટેકનોલોજી અને એપ્લાઇડ ન્યૂટ્રિશન તથા ઝારખંડનાં દેવધરમાં ફૂડ ક્રાફટ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપિત કરવા માટે વહીવટી મંજૂરી અને ખર્ચની મંજૂરી આપી હતી. વળી શિલોંગમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ મેનેજમેન્ટમાં એપ્લાઇડ ટ્રેનિંગ સેન્ટર સ્થાપિત કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. મધ્યપ્રદેશનાં એફસીઆઈ રેવામાં શૈક્ષણિક વર્ષ 2017-18 કાર્યરત થઈ ગયું છે.

રાષ્ટ્રીય પ્રવાસન એવોર્ડ 2015-16

  • ભારતનાં માનનીય રાષ્ટ્રપતિએ 27 સપ્ટેમ્બર, 2017નાં રોજ વિશ્વ પ્રવાસન દિવસનાં પ્રસંગે પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પ્રવાસ, પ્રવાસન અને હોસ્પિટાલિટી ઉદ્યોગનાં વિવિધ સેગમેન્ટને રાષ્ટ્રીય પ્રવાસન એવોર્ડ 2015-16 પ્રસ્તુત કર્યો હતો. રાષ્ટ્રપતિએ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા 2.0 અભિયાન”: એડોપ્ટ એ હેરિટેજ પ્રોજેક્ટ લોંચ કર્યો હતો અને આ પ્રસંગે ઇન્ક્રેડિબલ ઇન્ડિયાની નવી વેબસાઇટ પણ લોંચ કરી હતી.

ઇન્ક્રેડિબલ ઇન્ડિયા 2.0 અભિયાન

  • પ્રવાસન મંત્રાલયે ઇન્ક્રેડિબલ ઇન્ડિયા 2.0 અભિયાન લોંચ કર્યું હતું, જે ચોક્કસ પ્રોત્સાહક યોજનાઓ માથી વૈશ્વિક બજાર માટેનાં પ્રોત્સાહન તરફનું એક પગલુ હતું, જેમાં ડિજિટલ હાજરી અને સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઇન્ક્રેડિબલ ઇન્ડિયા 2.0 અભિયાન હાલનાં મુખ્ય બજારો તેમજ સંભવિત મહત્ત્વપૂર્ણ બજારોમાં જાહેર કરવામાં આવ્યું છે. હેરિટેજ ટૂરિઝમ, એડવેન્ચર ટૂરિઝમ, ક્રૂઝ ટૂરિઝમ, રૂરલ ટૂરિઝમ, વેલનેસ એન્ડ મેડિકલ ટૂરિઝમ, એમઆઇસીઈ, ગોલ્ફ વગેરે આકર્ષક પ્રવાસન ઉત્પાદનોને ઇન્ક્રેડિબલ ઇન્ડિયા 2.0 અભિયાન મારફતે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસન બોર્ડ (આઇટીબી) અને વિશ્વ પ્રવાસ માર્ટ (ડબલ્યુટીએમ)માં સહભાગીદારી

  • પ્રવાસન મંત્રાલયે જર્મનીનાં બર્લિનમાં 8થી 12 માર્ચ, 2017 સુધી આયોજિત આંતરરાષ્ટ્રીય પ્રવાસન બોર્ડ (આઇટીબી)માં પ્રવાસન મંત્રાલય સહભાગી થયું હતું. આઇટીબીમાં ભારતીય પેવેલિયનનું નિર્માણ દ્રવિડ શૈલીનાં મંદિરનાં સ્થાપત્યની થીમ પર થયું હતું. ભારત 54 સહપ્રદર્શકો ધરાવતું હતું, જેમાં જુદી જુદી રાજ્ય સરકારો અને ટૂર ઓપરેટર્સ સામેલ હતાં. ભારતીય શાસ્ત્રીય કથક નૃત્ય કલાકારો અને યોગનાં નિષ્ણાતોએ ભારતનાં સ્ટેન્ડમાં નૃત્ય અને વિવિધ યોગનું પ્રદર્શન કર્યું હતું.
  • પ્રવાસન મંત્રાલય લંડનમાં 6થી 8 નવેમ્બર, 2017 સુધી આયોજિત વર્લ્ડ પ્રવાસ માર્ટ (ડબલ્યુટીએમ)માં સહભાગી થયું હતું. ડબલ્યુટીએમમાં ભારતીય પેવેલિયનની સ્થાપના આધ્યાત્મિક પ્રવાસન થીમ પર થઈ હતી. તેમાં કુલ 13 રાજ્ય સરકારો, 22 ટૂર ઓપરેટર્સ, એર ઇન્ડિયા, આઇઆરસીટીસી અને આઇટીડીસી ભારતીય પેવિલિયનમાં સહપ્રદર્શકો તરીકે સામેલ થયા હતાં. આ કાર્યક્રમમાં આધ્યાત્મિક પ્રવાસન અને પ્રવાસન સાથે સંબંધિત અન્ય વિવિધ ઉત્પાદનોને સૂચવવામાં આવ્યા હતા. ઉત્તર પૂર્વ વિસ્તારમાં વણખેડાયેલી પ્રવાસન સંભવિતતાને ડબલ્યુટીએમાં સારી રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનાં ભાગરૂપે એક પ્રેસ કોન્ફરન્સ અને ઇન્ડિયા ઇવનિંગનું આયોજન થયું હતું. મેસર્સ ડોનર અને અસમ પ્રવાસન દ્વારા ઉત્તર પૂર્વનાં વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે એક નેટવર્કિંગ ડિનરનું આયોજન થયું હતું.

 

છઠ્ઠો ઇન્ટરનેશનલ ટૂરિઝમ માર્ટ

 

  • પર્યટન મંત્રાલય દ્વારા 5થી 7 ડિસેમ્બર, 2017 સુધી અસમની રાજધાની ગૌહાટીમાં છઠ્ઠા ઇન્ટરનેશનલ ટૂરિઝમ માર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ ટૂરિઝમ માર્ટ ઉત્તરપૂર્વ વિસ્તારમાં દર વર્ષે યોજાતો કાર્યક્રમ છે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં પર્યટનની સંભવિતતાઓને દર્શાવવા માટે પૂર્વોત્તર વિસ્તારમાં આયોજિત કરવામાં આવે છે. તે ઉત્તર પૂર્વનાં આઠ રાજ્યોમાંથી પ્રવાસન વ્યવસાય સંબંધિત સમુદાય અને ઉદ્યોગસાહસિકોને એકમંચ પર લાવે છે. આ હાટમાં 29 દેશોનાં 76 વિદેશી ગ્રાહક પ્રતિનિધિઓ, દેશનાં અન્ય વિસ્તારોમાંથી પ્રવાસન ક્ષેત્રમાં કાર્યરત 50 સ્થાનિક હિતધારકો અને ઉત્તર પૂર્વ રાજ્યોમાંથી 86 વિક્રેતાઓ સહભાગી થાય છે. પૂર્વોત્તર રાજ્યોનાં રાજ્ય પર્યટન વિભાગો દ્વારા એક પ્રદર્શન યોજવામાં આવે છે, જેમાં સંબંધિત ભાગીદાર રાજ્યોનાં પર્યટન સંબંધિત ઉત્પાદનો દર્શાવવા માટે સુંદર હસ્તશિલ્પ અને હાથવણાટનાં ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવે છે. માર્ટ પૂર્ણ થયા પછી વિદેશી ગ્રાહક પ્રતિનિધિઓ માટે ઉત્તર પૂર્વનાં રાજ્યોનો પરિચય આપવા માટે પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.

 

 

ગોવામાં ત્રણ રેલવે સ્ટેશનો પર પર્યટન સંબંધિત સુવિધાઓનો વિકાસ

  • કોંકણ રેલવેની યાત્રા સુંદર કુદરતી દ્રશ્યોને કારણે દેશમાં સૌથી યાદગાર ટ્રેન યાત્રાઓમાંની એક છે. પર્યટન મંત્રાલયે પર્યટનનાં દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કોંકણ રેલવેનાં મહત્ત્વ પર વિચાર કરીને ગોવામાં મડગાંવ, કારમલી અને થિવિમ રેલવે સ્ટેશનો પર પર્યટન સુવિધાઓનો વિકાસ કરવા માટે રૂ. 2499.98 લાખ મંજૂર કર્યા છે.

ગ્લાસ ટોપ કોચ (કાચની છત ધરાવતા ડબ્બા)

  • પ્રવાસન મંત્રાલયે પોતાની રેલ ટૂરિઝમ પોલિસી (રેલવે પ્રવાસન નીતિ) અંતર્ગત કાચની છત ધરાવતા ત્રણ કોચ બનાવવા માટે રેલવે મંત્રાલયની સાથે જોડાણ કર્યું છે, જેને દેશનાં કુદરતી સુંદરતા ધરાવતા માર્ગો પર માર્ગો પર દોડાવવામાં આવશે. કાચની છત ધરાવતા આ કોચમાં વધારે પહોળી, આરામદાયક સીટ, મોટી બારીઓ અને એક કિનારે એક તરફથી દેખાતાં દરવાજા, કાચની છત, ફરતી સીટ, ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા, નાની પેન્ટ્રી અને પહોળા દરવાજા લગાવવામાં આવ્યાં છે. કાચની છત ધરાવતા બે કોચ વર્ષ 2017માં વિશાખાપટનમ-અરકુ ઘાટી અને દાદરથી મડગાંવ રૂટ પર દોડાવવામાં આવ્યાં હતા. કાચની છત ધરાવતો ત્રીજો કોચનો જમ્મુ-કાશ્મીર રાજ્યમાં કાજીગંડ-બારામૂલા માર્ગ પર દોડાવવા માટે પૂનરોદ્ધાર કરવામાં આવી રહ્યો છે.

 

NP/J.Khunt/GP                                     



(Release ID: 1514883) Visitor Counter : 435


Read this release in: English