પ્રધાનમંત્રીનું કાર્યાલય

નોઇડા અને દિલ્હીને જોડતી નવી મેટ્રો લિન્કનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 25 DEC 2017 8:06PM by PIB Ahmedabad

મારા પ્રિય ભાઈઓ અને બહેનો,

આજે આખું વિશ્વ નાતાલનો તહેવાર ઉજવણી રહ્યું છે. ભગવાન ઈશુનો પ્રેમ અને કરુણાનો સંદેશ માનવજાતનાં કલ્યાણનો એક ઉત્તમ માર્ગ છે. વિશ્વમાં નાતાલનાં આ પુણ્યપાવન પર્વ પર ખૂબ ખૂભ શુભેચ્છા. આજે બે ભારતરત્નનો પણ જન્મદિવસ છે. એક, ભારતરત્ન મહામના મદન મોહન માલવીયજી અને બીજા, ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજી.

અત્યારે આપણાં મુખ્યમંત્રીજી કહી રહ્યાં હતાં કે, જ્યારે કોઈ પ્રધાનમંત્રી કોઈ રાજ્યમાં જાય છે, ત્યારે એ રાજ્યનો આનંદ થાય છે સારું લાગે છે, પણ હું તો કોઈ રાજ્યમાં ગયો નથી, હું તો મારાં પોતાનાં રાજ્યમાં આવ્યો છું. ઉત્તરપ્રદેશે જ મને દત્તક લઈને મારું લાલનપાલન કર્યું છે, મને તાલીમ આપી છે અને મને નવી જવાબદારીઓમાં ઢાળ્યો છે. આ જ ઉત્તરપ્રદેશ છે, જેનાં બનારસવાસીઓએ મને સાંસદ બનાવ્યો. પહેલી વખત સાંસદ બનાવ્યો અને આ જ ઉત્તરપ્રદેશનાં 22 કરોડ લોકો છે, જેમણે દેશને સ્થિર સરકાર આપવામાં બહુ મોટી ભૂમિકા અદા કરી છે અને મને પ્રધાનમંત્રી તરીકે તમારી સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે.

ભાઈઓ અને બહેનો,

આજે બોટનિકલ ગાર્ડનથી મને મેટ્રોમાં સફર કરવાનું સૌભાગ્ય મળ્યું છે અને અત્યારે એવો યુગ છે કે, જોડાણ વિના જીવન થંભી જાય છે. સંપર્ક વિના સમાજમાં અવ્યવસ્થાનો માહોલ પેદા થઈ શકે છે. આ મેટ્રો એટલે વર્તમાન પેઢી માટે જ ઉપયોગી નથી. ચલો મેટ્રો આવી ગઈ, સારું થયું. તેની ઉપયોગિતા વર્તમાન પેઢી સુધી જ મર્યાદિત નથી. તેનાં નિર્માણમાં કરોડો રૂપિયાનું રોકાણ થયું છે. અનેક જટિલ બાબતોને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ થયું છે. હકીકતમાં આગામી સો વર્ષ સુધી પેઢી દર પેઢી તેનો લાભ સામાન્ય માનવીને મળશે. આ વ્યવસ્થાની અસર દૂરગામી છે. એક નોડાવાસી સ્વરૂપે, એક ઉત્તરપ્રદેશનાં નાગરિક સ્વરૂપે, આ દેશનાં નાગરિક સ્વરૂપે આ વ્યવસ્થાઓ સાચાં અર્થમાં સર્વજન-હિતાય સર્વજન-સુખાય હોય છે.

આપણાં દેશમાં કોઈપણ વિષય એવો નથી, જેનાં પર રાજનીતિનો રંગ ચઢાવવામાં ન આવે અને એટલે ક્યારેક-ક્યારેક ઉત્તમ કામનું મૂલ્યાંકન પણ હંમેશા જનહિતની દ્રષ્ટિએ કરવાની બદલે રાજકીય પક્ષોનાં હિતોનાં ત્રાજવે તોલવામાં આવે છે. આજે પણ આપણે દેશમાં બહુ મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરીએ છીએ. દેશનું ઘણું બધું ધન તેમાં ખર્ચાઈ જાય છે. આપણે જાણીએ છીએ કે, દેશમાં બહુ મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ પેદાશોની આયાત વિદેશોમાંથી થાય છે. આપણે વર્ષ 2022માં દેશની આઝાદીનું 75મું વર્ષ ઉજવીશું અને આ વર્ષો દરમિયાન દેશમાં પેટ્રોલિયમ પેદાશોની આયાતમાં વધારો જ થવાનો છે. અમારી સરકાર એવો પ્રયાસ કરી રહી છે કે, આપણાં દેશની પેટ્રોલિયમ પેદાશોની આયાતમાં વધારો થવા છતાં તેમાં અમુક ટકાનો ઘટાડો થઈ શકે. તેનાં પરિણામે પેટ્રોલિયમ પેદાશોની આયાત પર થતાં ખર્ચમાં ઘટાડો થશે. એટલે સામૂહિક પરિવહન, ઝડપી પરિવહન, મલ્ટિ મોડલ પરિવહન સમયની માંગ છે. અત્યારે કદાચ ધનનો ખર્ચ કરવામાં મુશ્કેલી પડે છે, પ્રાથમિકતાઓ થોડી બદલવી પડે છે. પણ આ કારણે આગામી સમયમાં તેનો બહુ લાભ થવાનો છે. આ મેટ્રોની સાથે સૌર ઊર્જાને પણ જોડવામાં આવી છે. લગભગ બે મેગાવોટ વીજળી સૌર ઊર્જાથી પેદા થશે, સૂર્યશક્તિથી ઉત્પન્ન થશે, જે આ મેટ્રોનાં ખર્ચને ઓછો કરવામાં કામ આવશે. આ મેટ્રોને કારણે જે ખાનગી વાહનોમાં આવે છે એ સ્વાભાવિક રીતે મેટ્રો પસંદ કરશે અને તેઓ પેટ્રોલિયમ પેદાશોમાં જે ખર્ચ કરતાં હતાં, તેમાં મોટાં પ્રમાણમાં બચત થશે. પર્યાવરણને લાભ થશે. હું ઇચ્છું છું કે મેટ્રોમાં પ્રવાસ કરવો આપણાં દેશમાં પ્રતિષ્ઠાનો વિષય બનવો જોઈએ. દરેક વ્યક્તિ ગર્વથી કહેવી જોઈએ કે, હું કાર નહીં લઈ જાઉં, પણ હું તો મેટ્રોમાં જવાનું પસંદ કરીશ. આપણી માનસિકતામાં આ પરિવર્તન આપણે લાવવું પડશે. ત્યારે આપણે દેશને ઘણી સમસ્યાઓમાંથી બચાવી શકાશે અને આપણા માટે ગર્વની વાત એ છે કે 24 ડિસેમ્બર, 2002નાં રોજ અટલબિહારી વાજપેયી આ દેશમાં મેટ્રોનાં સૌ પ્રથમ પેસેન્જર બન્યાં હતાં. આજે એ ઘટનાને 15 વર્ષ થઈ ગયા છે. મેટ્રોનાં નિર્માણની સફર એ સમયે શરૂ થઈ હતી. અત્યારે મેટ્રોનું નેટવર્ક 100 કિલોમીટરથી વધારે લંબાઈમાં ફેલાયેલું છે અને આગામી થોડાં સમયમાં તેમાં વધારો થશે. એ દિવસ દૂર નથી કે, જ્યારે દુનિયાનાં પ્રથમ પાંચ મેટ્રો નેટવર્કમાં આપણું આ નેટવર્કનું નામ સામેલ થઈ જશે અને એ દિવસે સમગ્ર દેશવાસીઓ માટે ગર્વનો દિવસ હશે.

આજે અટલ બિહારી વાજપેયીજનો જન્મદિવસ છે, જેને આપણે સુશાસન દિવસ સ્વરૂપે ઉજવીએ છીએ. ક્યારેક-ક્યારેક આપણે એવું માનીને ચાલીએ છીએ ચાલે છે અને ચાલતું રહેશે, આવું જ ચાલશે, છોડો ને. એક સમય એવો હતો કે આપણે એવું કહેતાં હતાં કે ભારત અતિ ગરીબ દેશ છે, આપણી પાસે કોઈ સંસાધનો છે જ નહીં. મિત્રો, એ વાત સંપૂર્ણપણે ખોટી હતી. આ દેશ સોને કે ચીડિયા છે અને હતો, આપણો ભારત દેશ સમૃદ્ધ છે, સંપન્ન છે, પણ દેશની જનતાને એ સાધનસંપન્નતા અને સમૃદ્ધિથી દૂર રાખવામાં આવ્યાં હતાં. એટલે બારીક રીતે જુઓ તો ધ્યાનમાં આવે છે કે સમસ્યાઓનાં મૂળમાં એક મહત્ત્વપૂર્ણ કારણ સુશાસનનો અભાવ હતો. ચાલે છે, મારું-તારું, તારું-મારું આ પ્રકારનાં ભેદભાવોમાં દેશ જકડાઈ ગયો હતો અને આપણે બધું ચલાવી લેવાની આદત બની ગઈ હતી. કોઈપણ કામ લઈને જાઓ તો દરેક આપણી સામે જુએ અને આપણને પૂછે મારું શું? પૂછે છે કે નથી પૂછતાં? આ જ આદત છે. જો તમે તમારું કંઈ નહીં એવો જવાબ આપો તો તે હાથ ઊંચા કરીને કહી દે છે, તો મારે શુ. શાસન વ્યવસ્થામાં મારે શુંથી શરૂઆત થાય અને જો મારો સ્વાર્થ સિદ્ધ નહીં થાય તો કામ નહીં થાય, તમે જાણો અને તમારું નસીબ ત્યાં પૂરું થાય આ સ્થિતિએ દેશને બરબાદ કરી નાંખ્યો છે. પણ મેં આ સ્થિતિ બદલવાનું બીડું ઝડપ્યું છે.

હું જાણું છું કે આ સ્થિતિ બદલવી લોઢાનાં ચણા ચાવવા સમાન છે. હું સારી રીતે જાણું છું. પણ તમે મને જણાવો કે રાજકીય લાભ ખાટવો હોય તો નિર્ણય કરવા જોઈએ અને રાજકીય લાભ ન થવાનો હોય તો નિર્ણય ન કરવો જોઈએ? શું દેશમાં આવી જ રીતે શાસન ચાલવું જોઈએ? એટલે દેશનાં નાગરિકોએ એવી સરકાર ચૂંટી છે, જે નીતિનાં માર્ગે ચાલે છે. સાફ નિયત સાથે કામ કરવા ઇચ્છે છે. સામાન્ય મનુષ્યનાં જીવનમાં પરિવર્તન લાવીને તેમનાં સ્વપ્નો સાકાર કરવાનાં ઇરાદા સાથે કામ કરે છે. અમારાં તમામ નિર્ણય સામાન્ય મનુષ્યનાં જીવનમાં પરિવર્તન લાવે છે.

આ મેટ્રોનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. મને ખબર નથી કે હિંદુસ્તાનનાં જે ટોચનાં 10 ઉદ્યોગપતિ છે એ એમાં સફર કરવા આવશે કે નહીં. તેમાં તમારે સફર કરવાની છે. બહુ ગર્વ સાથે પ્રવાસ કરનાર લોકો તમે છો અને હું પણ અહીં તમારાં માટે છું.

સુશાસન. તમે જોયું હશે કે જે રાજ્યોમાં સુશાસન પર ભાર મૂકવામાં આવ્યો છે, સુશાસન સ્થાપિત કરવાનો પ્રયાસ થયો છે, એ રાજ્યોએ પ્રગતિ કરી છે. જ્યાં જ્યાં સુશાસન પર સુધારા શરૂ થયા છે, શાસન વ્યવસ્થામાં સુધારા શરૂ થાય છે, ત્યાં સરકાર જવાબદાર બને છે. કર્મચારી જવાબદાર બને છે. સંપૂર્ણ વ્યવસ્થા, શાસન જવાબદાર બને છે તો સમસ્યાઓ આપમેળે ઓછી થઈ જાય છે. અટલ બિહારી વાજપેયીજીએ પોતાનાં શાસનકાળમાં સુશાસન પર ભાર મૂક્યો, દેશમાં પરિવહન વ્યવસ્થા સુધારવા, જોડાણ વધારવા ભાર મૂક્યો હતો. આજે એક યોજના આખા દેશમાં લાગુ કરી. કોઈપણ ધારાસભ્યને મળો, કોઈપણ સાંસદને મળો, એ બધા એક યોજનાની પ્રશંસા જરૂર કરશે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના.

આ દેશમાં એ વાતોને ભૂલાવવાનો ભરપૂર પ્રયાસ થાય છે કે છેવટે ગામેગામ પાક્કા માર્ગો પહોંચાડવાનું સ્વપ્ન કોનું હતું. બહુ ઓછા લોકોને ખબર છે કે આ સ્વપ્ન અટલ બિહારી વાજપેયીજીએ સેવ્યું હતું. જો કોઈએ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના લાગુ કરી હોય, તો એ અટલ બિહારી વાજપેયી હતાં અને તેમનાં કારણે અત્યારે હિંદુસ્તાનનું દરેક ગામ પાક્કાં માર્ગે જોડાઈ રહ્યું છે અને જ્યારે અમારી સરકાર દિલ્હીમાં આવી છે, ત્યારથી અમે વર્ષ 2019 સુધી દરેક ગામને પાક્કાં માર્ગ સાથે જોડીને વાજપેયીજીએ જે કામ શરૂ કર્યું હતું એને પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યું હતું.

સુવર્ણ ચતુર્ભૂજ યોજના એ સંપૂર્ણ હિંદુસ્તાનને જોડાવા માટે બનાવવામાં આવી હતી. એક સમયે માર્ગો બનાવવા માટે ઇતિહાસમાં આપણને શેરશાહ સૂરીનું નામ સંભળાતું હતું. ત્યારબાદ આખા હિંદુસ્તાનને જોડવાની કલ્પના, એક ડિઝાઇન સુવર્ણ ચતુર્ભૂજ યોજનાનું સ્વપ્ન વાજપેયીજીએ જોયું હતું. પોતાનાં કાર્યકાળમાં તેને પૂરજોશમાં આગળ ધપાવ્યું હતું. આજે આખો દેશ આ જોડાણ, આ નવા માર્ગોની સુવિધા લઈ રહ્યો છે અને આપણે હવે દુનિયાની બરોબરી કરી રહ્યાં છીએ એવો ગર્વ કરે છે. આ મેટ્રોનું સ્વપ્ન અટલ બિહારી વાજપેયીજીનું હતું અને તેઓ પ્રથમ પેસેન્જર પણ તેઓ જ હતાં. અત્યારે હિંદુસ્તાનનાં અનેક શહેરોમાં મેટ્રોનું નિર્માણ થઈ રહ્યું છે. દેશનાં 50થી વધારે શહેરોમાં અતિ ઝડપથી મેટ્રોનું નેટવર્ક આકાર લઈ રહ્યું છે અને દુનિયાને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે કે એક દેશમાં મેટ્રો નેટવર્ક માટે આટલાં મોટા પાયે કામ ચાલી રહ્યું છે. વિશ્વમાં મૂડીરોકાણ કરવા ઇચ્છતાં લોકો તેમાં રસ લઈ રહ્યાં છે.

જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે મેં એક જગ્યાએ ભાષણમાં કહ્યું હતું કે, અગાઉની સરકારો ગર્વ કરતી હતી કે અમે આ કાયદો બનાવ્યો, ફલાણો કાયદો બનાવ્યો. સારી વાત છે. સંસદની જવાબદારી કાયદા બનાવવાની છે અને સમયની માગ મુજબ કાયદાકાનૂન બનાવવા જરૂરી પણ છે. પણ મેં ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું કે, હું પ્રધાનમંત્રી બનીશ પછી દરરોજ એક કાયદો રદ કરીશ. સુશાસન માટે સૌથી મોટો અવરોધ કાયદાની આ જટિલ આંટાઘૂંટી જ છે. એક જ કામ માટે તમારે કાયદામાંથી પસાર થવું પડે છે. જો અધિકારી ઇચ્છે છે તો એક કાયદાનો ઉપયોગ કરીને કામ પાર પાડશે, પણ જો તમારું કામ લટકાવવા ઇચ્છે છે, તો બીજો કાયદો આગળ ધરશે અને તમને દંડ કરવો હશે તો ત્રીજા કાયદાનો ઉપયોગ કરશે. સામાન્ય નાગરિકોને તેમાં મુશ્કેલીઓ પડે છે અને એટલે અમારી સરકારે અત્યાર સુધી લગભગ 1200 કાયદા રદ કરી દીધા છે, જે વર્ષો જૂનાં અને સંપૂર્ણપણે બિનઅસરકારક હતાં તથા અવરોધરૂપ હતાં.

મને બરોબર યાદ છે કે જ્યારે હું નવો-નવો પ્રધાનમંત્રી બન્યો હતો, ત્યારે અખબારોમાં વિશેષ સમાચારો પ્રકાશિત થતાં હતાં, બોક્ષ આઇટમ પ્રકાશિત થતી હતી. આ સમાચારો શું હતાં? મોદી પ્રધાનમંત્રી બન્યાં પછી લોકો સમયસર ઓફિસે આવવા લાગ્યાં છે. હવે મન બતાવો કે આ સારાં સમાચાર છે કે ખરાબ? બહુ લોકો ખુશ થયા હતાં કે, ચલો મોદીજી આવ્યાં તો લોકો સમયસર ઓફિસે આવ્યાં લાગ્યાં, પણ મને દુઃખ થયું કે એક કર્મચારી સમયસર ઓફિસે આવે છે તો પણ મારો દેશ ખુશ થાય છે. હકીકતમાં તો આ આપણી ફરજ છે. પ્રજાએ કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે ત્યારે તેમને આ સમાચાર સારા લાગ્યાં હશે એનું આ ઉદાહરણ છે.

હું આજે અમારાં ઊર્જાવંત મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજીને હૃદયપૂર્વક અભિનંદન આપવા ઇચ્છું છું. ઉત્તરપ્રદેશ બહુ સારી રીતે વિકાસનાં માર્ગે અગ્રેસર છે. તમામ દિશાઓમાં વિકાસ થઈ રહ્યો છે. સુશાસન પર ભાર મૂકવામાં આવ્યો છે. પણ તેમનાં વસ્ત્રોને લઈને એ ભ્રમ ફેલાવવામાં આવ્યો છે કે તેઓ આધુનિક વિચારસરણી ધરાવતાં નથી. તેઓ પોથીપંડિત છે, તેઓ જૂની માન્યતાઓને વરેલા છે, પણ મને અત્યારે આનંદ એ વાતનો છે કે કોઈ મુખ્યમંત્રી નોઇડામાં પગ મૂકતો નથી એ ખોટી માન્યતાને યોગીજીએ તોડી છે અને અહીં આવીને તેમણે આ વાત સાબિત કરી દીધી છે. હું યોગીજીને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું.

કોઈ જગ્યાએ જવાથી મુખ્યમંત્રીની ખુરશી જતી રહેશે અને આ પ્રકારનાં ડરથી કોઈ વ્યક્તિ જીવતી હોય તો આવી વ્યક્તિને મુખ્યમંત્રી બનવાનો અધિકાર જ નથી. માન્યતાઓમાં કેદ કોઈપણ સમાજ પ્રગતિ કરી ન શકે. આપણે ટેકનોલોજીનાં યુગમાં જીવીએ છીએ, વિજ્ઞાનનાં યુગમાં જીવી રહ્યાં છીએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં હાથીઘોડાનો ફરક છે. જ્યાં શ્રદ્ધાં હોય છે, ત્યાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન ન હોય. જ્યારે હું ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યો હતો, ત્યારે પણ આવી જ ખોટી માન્યતાઓ પ્રવર્તતી હતી. વળી આ પ્રકારની અંધશ્રદ્ધાઓ ફક્ત ઉત્તરપ્રદેશ કે ગુજરાત પૂરતી મર્યાદિત નથી. હિંદુસ્તાનનાં ઘણાં રાજ્યોમાં અનેક જગ્યાએ અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે. એક મુખ્યમંત્રીએ કાર ખરીદી. હું આધુનિક યુગની વાત કરું છું. કોઈ કારનાં કલર વિશે કશું તેમનાં મનમાં ભરાવી દીધું તો તેમણે કારમાં લીંબું અને મરચું જેવી ચીજવસ્તુઓ લટકાવી દીધી. આ પ્રકારનાં લોકો દેશને શું પ્રેરણા આપે! આ પ્રકારનાં જાહેર જીવનમાં જીવતાં લોકો સમાજનું મોટા પાયે અહિત કરે છે. આખાં હિંદુસ્તાનમાં આવી અંધશ્રદ્ધાઓમાં ઘણી સરકારો અને અનેક મુખ્યમંત્રીઓ ફસાયેલા છે.

જ્યારે હું ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યો હતો, ત્યારે મને છ થી સાત જગ્યાઓ વિશે કહેવામાં આવ્યું હતું કે, ત્યાં જાય એ પછી મુખ્યમંત્રી તરીકે ટકી શકતાં નથી, તેમની ખુરશી જતી રહે છે. મેં બીડું ઝડપ્યું અને મારાં પ્રવાસમાં આ જ જગ્યાઓને પહેલાં સામેલ કરી. પહેલાં જ વર્ષે આ તમામ જગ્યાઓની મુલાકાત લીધી. આ પ્રકારની અંધશ્રદ્ધાઓ હતી એ તમામ જગ્યાએ હું પહેલાં ગયો. આ એવી જગ્યાઓ હતી, જ્યાં ત્રણ-ત્રણ, ચાર-ચાર દાયકાઓથી કોઈ મુખ્યમંત્રી ફરક્યાં નહોતા. હું બધી જગ્યાએ ગયો, કોઈપણ પ્રકારનાં ડર વિના ગયો. પછી ગુજરાતમાં સૌથી વધુ શાસન કરનાર મુખ્યમંત્રી બન્યો. કોઈ ગામ કે કોઈ નગરનો કોઈ દોષ નથી. પણ આજે યોગીજીએ નોઇડાનાં માથે જે કલંક લાગ્યું હતું, તેને દૂર કર્યું. તમે શુભેચ્છાને પાત્ર છો.

ભાઈઓ અને બહેનો,

આજે અટલ બિહારી વાજપેયજીનો જન્મદિવસ આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. જ્યારે હું સુશાસનની વાત કરું છું, ત્યારે હું કેટલીક હકીકતો તમારી સામે રજૂ કરવા ઇચ્છું છું. તમે જાણો છો કે, યુરિયાનું કારખાનું બને તો યુરિયાનાં ઉત્પાદનમાં વધારો થાય છે. આ તો નાનું બાળક પણ જાણે છે. પણ દેશમાં અમે સરકારે બનાવ્યાં પછી તરત યુરિયાનું એક પણ નવું કારખાનું બનાવ્યાં વિના સુશાસન પર ભાર મૂક્યો, જરૂરી નીતિઓ બનાવી, રોડમેપ બનાવ્યો અને તેનો અમલ કર્યો. યુરિયાનું એક પણ નવું કારખાનું બનાવ્યાં વિના લગભગ 20 લાખ ટન યુરિયાનું વધારે ઉત્પાદન થયું. એ જ કારખાનાં, એ જ મશીન, એ જ કાચો માલ, એ જ મજૂર સરકાર બદલાઈ ગયા પછી સુશાસન પર ભાર મૂકવામાં આવ્યો. નવું કારખાનું બનાવ્યાં વિના એ જ જૂની વ્યવસ્થામાં 18 થી 20 લાખ ટન યુરિયાનું ઉત્પાદન વધ્યું આ સુશાસનને કારણે શક્ય બન્યું છે.

ભાઈઓ અને બહેનો,

રેલવેનાં પાટાં પાથરવાનું કામ કરતાં રેલવેનાં કર્મચારીઓ એટલાં જ છે. માર્ગો એ જ છે. રેલવે વિભાગ એ જ છે. નિર્ણય કરનાર લોકો પણ એ જ છે. ફાઇલ આવવા જવાનો માર્ગ પણ બદલાયો નથી. છતાં અમારી સરકાર બન્યાં પછી અગાઉ કરતાં બેગણી વધારે રેલવે લાઇન બની રહી છે. એનું શું કારણ? તેનું કારણ એ છે કે નીતિ સ્પષ્ટ અને નિયત સાફ છે. સુશાસન પર ભાર મૂકવાનું જ આ પરિણામ છે. જ્યાં એક લાઇન અસ્તિત્વમાં છે ત્યાં જ બીજી લાઇન અસ્તિત્વમાં આવી. અગાઉની સરકારની સરખામણીમાં લાઇનને બમણી કરવાનું કામ થયું છે. તેનું કારણ છે સુશાસન.

ભાઈઓ અને બહેનો,

અમે માર્ગો પણ ઝડપથી બનાવી રહ્યાં છીએ. અગાઉ એક દિવસમાં જેટલાં રાષ્ટ્રીય રાજમાર્ગો બનતાં હતાં તેનાં કરતાં વધારે લંબાઈ ધરાવતાં રાજમાર્ગો અત્યારે બને છે. સરકાર પાસે એકાએક ભંડોળ આવ્યું નથી. પણ એક-એક પાઈનો અસરકારક ઉપયોગ, દરેક મશીનનો શ્રેષ્ઠ ઉપયોગ, સમયનો સદુપયોગ આ સુશાસનનાં મૂળભૂત સિદ્ધાંતોનું પરિણામ છે. તેનાં પરિણામે અગાઉની સરકાર એક દિવસમાં જેટલી લંબાઈનાં રાષ્ટ્રીય રાજમાર્ગ બનાવતી હતી, એનાં કરતાં બમણી લંબાઈ ધરાવતાં રાષ્ટ્રીય રાજમાર્ગો અત્યારે અમારી સરકાર બનાવે છે. તેનું કારણ છે સુશાસન.

ભાઈઓ અને બહેનો,

અત્યારે આંતરરાષ્ટ્રીય વેપારવાણિજ્યનો યુગ છે અને આપણો દેશ પણ તેની સાથે સંબંધિત છે. આપણાં દેશમાં બંદરોનું ઘણું મહત્ત્વ છે. આપણે ત્યાં કાર્ગો સંચાલન નકારાત્મક હતું. તેમાં વૃદ્ધિ થતી નહોતી અને તેમાં ઘટાડો થઈ રહ્યો હતો. અમારી સરકાર બન્યાં પછી દુનિયા બદલાઈ નથી. સરકાર બદલાઈ, ઇરાદા બદલાયાં, સુશાસન પર ભાર મૂકવામાં આવ્યો છે. અત્યારે એ જ કાર્ગોનું સંચાલન નકારાત્મક વૃદ્ધિમાં હતું, એ અત્યારે 11 ટકાની વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર થયું, કારણ કે અમે સુશાસન લાવ્યા છીએ.

ભાઈઓ અને બહેનો,

અક્ષય ઊજા, સૌર ઊર્જા, પવન ઊર્જા, જળ ઊર્જા પ્રોજેક્ટ, પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ આ તમામ ક્ષેત્રોમાં અત્યારે ભારત પ્રગતિનાં પંથે છે. અગાઉની સરખામણીમાં અક્ષય ઊર્જાની ક્ષમતા અમે બમણી કરી દીધી છે. ભાઈઓ અને બહેનો, આ સુશાસનનાં કારણે શક્ય બન્યું છે.

તમે જાણો છો કે, એલઇડી બલ્બને કારણે વીજળીની બચત થાય છે. તમને ખબર છે કે અગાઉની સરકારમાં તેની કિંમત શું હતી અને અમે આવીને તેની કિંમતમાં ઘણો ઘટાડો કર્યો છે. અગાઉ એલઇડી બલ્બ, સાડાં ત્રણ વર્ષ અગાઉ હું પ્રધાનમંત્રી બન્યો એ અગાઉ સાડા ત્રણસો રૂપિયામાં વેચાતા હતાં. અત્યારે તેની કિંમત 40 થી 50 રૂપિયા છે. અત્યારે 14,000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ સાથે 28 કરોડ એલઇડી બલ્બ દેશનાં ખૂણેખૂણે પહોંચી ગયા છે. કોઈ કુટુંબને 200 રૂપિયાની, કોઈને 500 રૂપિયાની, કોઈને 1000 રૂપિયાની, કોઈને 2000 રૂપિયાની બચત થઈ. તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ એલઇડી બલ્બની કિંમત ઘટવાથી મધ્યમ વર્ગનાં પરિવારોને કુલ રૂ. 6,000 કરોડથી વધારે બચત થઈ છે. તમે જોઈ શકો છો કે સુશાસનથી કેટલું મોટું પરિવર્તન આવે છે.

ભાઈઓ અને બહેનો,

સુશાસનમાં નિયત સમયમર્યાદામાં કાર્યક્રમોનો અમલ થાય છે. દેશ નીતિનાં આધારે ચાલે છે. કોઈની ધૂન પર ચાલતો નથી. જ્યારે નીતિ સ્પષ્ટ અને પારદર્શક હોય છે, ત્યારે ભેદભાવને કોઈ અવકાશ હોતો નથી. જ્યારે ભેદભાવને અવકાશ ન હોય, ત્યારે ભ્રષ્ટાચારની સંભાવના અતિ ઓછી રહે છે.

ભાઈઓ અને બહેનો,

આપણાં દેશમાં સુશાસનનાં માધ્યમથી, અટલ બિહારી વાજપેયીજીનાં જીવનની તપસ્યામાંથી પ્રેરણા લઈને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કરીએ છીએ. અમે સૌનો સાથ, સૌનો વિકાસ લઈને આગળ ચાલી રહ્યાં છીએ. જ્યારે અમે વિકાસની વાત કરીએ છીએ, ત્યારે વિકાસ સર્વસમાવેશક હોય, વિકાસ સર્વસ્તરીય હોય, સૌનો વિકાસ હોય, સૌની ભાગીદારી હોય, વિકાસ આગામી પેઢીને ધ્યાનમાં રાખીને હોય એ તમામ બાબતોનું ધ્યાન રાખીએ છીએ. અમે સુશાસન આધારિત વિકાસ પર ભાર મૂકીને આગળ વધી રહ્યાં છીએ. અટલ બિહારી વાજપેયજીએ દેશનાં દરેક ખૂણાને જોડવાનું કામ કર્યું છે, પરિવહનનાં જોડાણ પર ભાર મૂક્યો છે, માર્ગ બનાવવાનું કામ કર્યું છે. એટલે હું એટલું જ કહીશ કે અટલ બિહાર વાજપેયજીનાં સુશાસનનાં સંદર્ભમાં તેમને ભારત માર્ગ વિધાતાની ઉપમા આપવી ઘટે. અટલ બિહારી વાજપેયીજી એટલે ભારત માર્ગ વિધાતા. ભારતનાં રાજમાર્ગોને આંતરરાષ્ટ્રીય સ્તરનાં બનાવવા, દેશનાં ખૂણેખૂણાને જોડવાનું કામ વાજપેયીજીનાં માધ્યમથી થયું હતું. આજે તેમનાં જન્મદિવસે નાતાલનાં પાવન પર્વ પર મહામના મદન મોહન માલવિયાજીની જન્મજંયતિ પર આજે દેશને ઉત્તરપ્રદેશ અને દિલ્હીને જોડનારી આ મેટ્રોને સમર્પિત કરીને હું અતિ ગર્વ અનુભવું છું. હું એક વખત ફરી ઉત્તરપ્રદેશની સરકારનો મને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવા બદલ આભાર માનું છું. ઉત્તરપ્રદેશની જનતાનો આભાર માનું છું. નોઇડાનાં લોકોનો આભાર માનું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ.

NP/GP


(Release ID: 1514071) Visitor Counter : 195


Read this release in: English