પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નોઇડા અને દિલ્હી વચ્ચે નવી મેટ્રો લિન્કનું ઉદ્ઘાટન કર્યું
प्रविष्टि तिथि:
25 DEC 2017 5:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નોઇડા અને દિલ્હીવચ્ચે નવી મેટ્રો લિંકનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએનોઇડામાં બોટનિકલ ગાર્ડનને દક્ષિણ દિલ્હીમાં કાલ્કાજી મંદિર સાથે જોડતી દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇનનું ઉદ્ઘાટન કરવાનાં પ્રતીક સ્વરૂપે બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન પર તકતીનું અનાવરણ કર્યું હતું. તેમણે મેટ્રો ટ્રેનમાં ટુંકોપ્રવાસ પણ કર્યો હતો અને પછી જનસભાનાં સ્થળે સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જનસભામાં સંબોધન દરમિયાન જનમેદનીને નાતાલની શુભેચ્છા પાઠવી હતી. તેમણે નોંધ્યું હતું કે, નાતાલનાં રોજ બે ભારતરત્નનાં જન્મજયંતિની ઉજવણી છે – પંડિત મદન મોહન માલવિયા અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયી.
તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની જનતાનાં કારણે દેશને મજબૂત અને સ્થિર સરકાર મળી છે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ આ પ્રેમ બદલ ઉત્તરપ્રદેશની જનતાનાં હંમેશા ઋણી રહેશે.
તેમણે જણાવ્યું હતું કે, જોડાણ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે એવા યુગમાં આપણે જીવીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે, મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન વર્તમાન પેઢીની સાથે સાથે ભવિષ્યની પેઢીઓને પણ ઉપયોગી પુરવાર થશે. તેમણે કહ્યું હતું કે, આપણે વર્ષ 2022માં આઝાદીના75માં વર્ષની ઉજવણી કરીશું, ત્યારે મેં આપણી પેટ્રોલની આયાત પરની નિર્ભરતા ઘટે એવા ભારતનું સ્વપ્ન સેવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, મારું આ સ્વપ્ન સાકાર કરવા અત્યાધુનિક સામૂહિક પરિવહન સિસ્ટમની તાતી જરૂર છે. શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીજીએ ડિસેમ્બર, 2002માં દિલ્હી મેટ્રોમાં સવારી કરી હતી, ત્યારથી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (એનસીઆર)માં મેટ્રોનું નોંધપાત્ર વિસ્તરણ થયું છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, જ્યાં સુધી આપણે ‘મારે શું’ એ વિચારધારામાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી સુશાસન શક્ય નથી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે આ માનસિકતા બદલાઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, અમારી સરકાર નિર્ણયો દેશનાં હિતને ધ્યાનમાં રાખીને લે છે, નહીં કે રાજકીય લાભ ખાટવા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અગાઉની સરકારો નવા કાયદા બનાવવા પર ગર્વ લે છે. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર જૂનાં અને બિનઉપયોગી કાયદા રદબાતલ કરવા ઇચ્છતી સરકાર છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં સુધી નિર્ણયો લેવામાં અવરોધરૂપ જૂનાં અને બિનઅસરકારક કાયદા રદ નહીં થાય ત્યાં સુધી સુશાસન શક્ય નથી.
પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અભિનંદન આપ્યાં હતાં અને જણાવ્યું હતું કે, તેઓએ રાજ્યને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા સુશાસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે નોઇડાની મુલાકાત લઈને તેની સાથે સંકળાયેલ અંધશ્રદ્ધાનો અંત લાવી દીધો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિ એવું વિચારતી હોય કે, તે કોઈ સ્થળની મુલાકાત લેશે તો એ મુખ્યમંત્રીપદે ચાલુ નહીં રહેશે અને શાસન ગુમાવશે, તો પછી એ વ્યક્તિ મુખ્યમંત્રી બનવાને લાયક જ નથી.
પ્રધાનમંત્રીએ રેલવેની માળખાગત સુવિધા, રોડ નેટવર્કનાં વિસ્તરણ અને અક્ષય ઊર્જા ક્ષેત્રમાં હરણફાળ અંગે કામગીરી પર પણ પ્રકાશ ફેંક્યો હતો. તેમણે અટલબિહાર વાજપેયીને ‘ભારતમાર્ગ વિધાતા’ ગણાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે, તેમણે આપણને વિકાસનો માર્ગ દર્શાવ્યો છે.
અગાઉ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનાં ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ આ દેશની રાજનીતિને નવી દિશા આપી છે, નવો અર્થ આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી હંમેશા કહે છે કે, આપણે વિકાસનાં માર્ગે અગ્રેસર થવું પડશે.
J.Khunt/GP
(रिलीज़ आईडी: 1514069)
आगंतुक पटल : 126
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English