મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
મહિલા અને બાળવિકાસ મંત્રાલયે “બેટી બચાઓ-બેટી પઢાઓ યોજના”નાં નામે બનાવટી અરજી કરવા બાબતે જનતાને ફરી સતર્ક કરી
તમામ બનાવટી અરજીઓ કોઈ પૂર્વસૂચના વિના નષ્ટ કરવામાં આવશે – મહિલા અને બાળવિકાસ મંત્રાલય
Posted On:
19 DEC 2017 6:10PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 19-12-2017
મહિલા અને બાળવિકાસ મંત્રાલયને ચાલુ વર્ષની શરૂઆતથી જ અનેક છોકરીઓ અને મહિલાઓ દ્વારા બનાવટી અરજીઓ મળી રહી છે. આ અરજીઓમાં “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજનાનાં નામે રોકડ રકમ આપવાનાં નામે ખોટું પ્રલોભન આપવામાં આવ્યું છે. આ બનાવટી અરજીપત્રકો મહિલા અને બાળવિકાસ મંત્રાલયે જાહેર કર્યા નથી.
કેન્દ્ર સરકારે “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત વ્યક્તિગત રીતે રોકડ રૂપિયા આપવાની જોગવાઈ કરી નથી. “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના સામાજિક વ્યવસ્થામાં પડકારજનક વિચારધારાઓ અને પિતૃસત્તાનાં ઊંડા મૂળિયા પર પ્રહાર કરવા તથા શિક્ષણમાં છોકરીઓને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉપરાંત તેમાં જીવનચક્રની નિરંતરતામાં મહિલા સશક્તિકરણનાં મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) યોજના નથી.
આ યોજનાને જિલ્લાઓમાં જિલ્લાધિશ/જિલ્લા મેજિસ્ટ્રેટ/જિલ્લા કલેક્ટર કાર્યાલય દ્વારા લાગુ કરવામાં આવે છે તથા અધિકૃત મીડિયા એજન્સીઓ દ્વારા તેનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે.
બેટી બચાવો, બેટી પઢાઓ યોજનાનાં નામે આ બનાવટી અરજીઓની શરૂઆત સૌપ્રથમ ઉત્તરપ્રદેશમાં તોફાની તત્ત્વોએ કરી હતી. ત્યારબાદ બનાવટી અરજીઓ પડોશી રાજ્યો હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાંથી પણ મળવાની શરૂ થઈ છે. આ ઉપરાંત બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને કેરળમાં પણ આ સંબંધમાં કેટલાંક કેસ નોંધાયા છે. મહિલા અને બાળવિકાસ મંત્રાલયને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા આ બનાવટી યોજના સાથે જોડાયેલી લાખો અરજીઓ મળી છે. આ સંબંધમાં પ્રભાવિત રાજ્યોનાં અધિકારીઓને તેની તપાસ કરવા માટે કહેવાયું હતું. મંત્રાલયે આ અસામાજિક કામગીરી સામે જાહેર ચેતવણી પણ આપી છે. સાથે સાથે લોકોને પ્રિન્ટ મીડિયા, ટેલીવિઝન, રેડિયો, સોશિયલ મીડિયા, મંત્રાલયની વેબસાઇટ અને પોસ્ટ ઓફિસ મારફતે આવી ભ્રામક અને ખોટી સૂચનાઓમાં ફસાઈ ન જવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યો સરકારોએ પોતાનાં વિભાગો અને સ્થાનિક મીડિયા દ્વારા આ સંબંધમાં કાર્યવાહી કરી છે અને ઘણી વખત ચેતવણી આપી છે. ત્યારબાદ પણ બેટી બચાઓ, બેટી પઢાઓ યોજનાનાં નામે બનાવટી અરજીઓ મળવાનું ચાલુ છે.
આ સંદર્ભમાં મહિલા વિકાસ અને બાળવિકાસ મંત્રાલયે હવે આ પ્રકારની કોઈ પણ ખોટી અને ગેરકાયદેસર અરજીને કોઈ પણ પ્રકારની પૂર્વસૂચના વિના નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ સંબંધમાં નોટિફિકેશન જાહેર થઈ ગયું છે અને તેને મંત્રાલયની વેબસાઇટ પર જોઈ શકાય છે.
મહિલા અને બાળવિકાસ મંત્રાલયે સામાન્ય જનતાને ચેતવણી આપી છે કે તેઓ કોઈ આવી ભ્રામક અરજીમાં ફસાઈ ન જાય અને તેમનાં સમય અને સંસાધનોને બરબાદ ન કરે.
J.Khunt
(Release ID: 1513294)
Visitor Counter : 412