પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન દેશને અર્પણ કર્યું
Posted On:
17 OCT 2017 3:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન) દેશને અર્પણ કર્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એકત્ર જનમેદનીને ધનવંતરી જયંતિની ઉજવણી આયુર્વેદ દિવસ તરીકે કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનની સ્થાપના બદલ આયુષ મંત્રાલયને અભિનંદન આપ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં દેશ પોતાનાં ઇતિહાસ અને વારસાની કદર અને જતન ન કરે, ત્યાં સુધી તે પ્રગતિ ન કરી શકે. તેમણે ઉમેર્યું હતું કે, જે દેશો પોતાની સંસ્કૃતિને ભૂલી ગયા છે, તે દેશે પોતાની ઓળખ ગુમાવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે ભારત આઝાદ નહોતો, ત્યારે તેનું જ્ઞાન અને યોગ તથા આયુર્વેદ જેવી તેની પરંપરાઓ વિસરાઈ ગઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીયો આ પરંપરાઓ ભૂલી જાય કે તેમનો આ પરંપરાઓ પર ભરોસો ઘટે એવાં પ્રયાસો થયાં હતાં. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં આ સ્થિતિ કેટલીક હદે બદલાઈ છે અને લોકોનો વિશ્વાસ આપણાં વારસામાં પુનઃસ્થાપિત થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણાં વારસા પર ગર્વ આયુર્વેદ દિવસ કે યોગ દિવસ માટે એકત્ર થતાં લોકોમાં પ્રતિબિંબિત થાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આયુર્વેદ ફક્ત તબીબી પદ્ધતિ નથી, પણ જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણનાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. એટલે સરકાર સરકારી હેલ્થકેર સિસ્ટમમાં આયુર્વેદ, યોગ અને અન્ય આયુષ વ્યવસ્થાઓને સંકલિત કરવા ભાર મૂકે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દેશનાં દરેક જિલ્લામાં આયુર્વેદ હોસ્પિટલ સ્થાપિત કરવા કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં 65થી વધારે આયુષ હોસ્પિટલો વિકસાવવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વમાં હર્બલ અને ઔષધિય છોડ આવકનો નોંધપાત્ર સ્ત્રોત બની શકે છે અને ભારતે આ સંબંધમાં તેની ક્ષમતાઓનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારે હેલ્થકેર સિસ્ટમમાં 100 ટકા એફડીઆઇની મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર ગરીબો માટે વાજબી ખર્ચે હેલ્થકેર પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નિવારણાત્મક હેલ્થકેર, વાજબી ખર્ચે સરળતાપૂર્વક સારવાર ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા નિવારણાત્મક હેલ્થકેરની સરળ વ્યવસ્થા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ત્રણ વર્ષમાં 5 કરોડ શૌચાલયો બનાવ્યાં છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવી એમ્સ સ્થાપિત કરવાનો ઉદ્દેશ ગરીબોને શ્રેષ્ઠ હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવાનો છે. તેમણે સ્ટેન્ટ અને ની ઇમ્પ્લાન્ટની કિંમત ઘટાડવા તથા વાજબી કિંમતે દવાઓ પ્રદાન કરવા જન ઔષધિ કેન્દ્રો સ્થાપિત કરવા જેવા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો.
J.Khunt/GP
(Release ID: 1506358)
Visitor Counter : 203