પ્રધાનમંત્રીનું કાર્યાલય

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મશતાબ્દીની ઉજવણી અને સ્વામી વિવેકાનંદના શિકાગો સંબોધનની 125મી વર્ષગાંઠના પ્રસંગે વિદ્યાર્થી સંમેલનને પ્રધાનમંત્રીનું સંબોધન

Posted On: 11 SEP 2017 3:23PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2017

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મશતાબ્દીની ઉજવણી અને સ્વામી વિવેકાનંદના શિકાગો સંબોધનની 125મી વર્ષગાંઠ પર વિદ્યાર્થી સંમેલનને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 125 વર્ષ અગાઉ આ જ તારીખે, જે તાજેતરમાં 9/11 તરીકે વધારે જાણીતી છે, આ જ દિવસે ભારતના એક યુવાન સંન્યાસીએ થોડા, પણ પ્રભાવશાળી શબ્દોથી સમગ્ર દુનિયાનું દિલ જીતી લીધું હતું અને દુનિયાને એકતા અને સમન્વયની તાકાત દર્શાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, 1893ની 9/11ની ઘટના પ્રેમ, સંવાદીપણું અને ભાતૃત્વ સાથે સંબંધિત હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે સામાજિક અનિષ્ટો સામે અવાજ બુલંદ કર્યો હતો, જે આપણા સમાજમાં પ્રવેશી ગયા હતા. તેમણે સ્વામી વિવેકાનંદની એ વાતને યાદ કરી હતી કે, ફક્ત રીતિરિવાજોથી વ્યક્તિ ઈશ્વર સાથે જોડાણ નહીં કરી શકે. તેમણે કહ્યું હતું કે, જનસેવા એ જ પ્રભુસેવાછે.

સ્વામી વિવેકાનંદ ભાષણ આપવામાં માનતા નહોતા. તેમણે ઉમેર્યું હતું કે, તેમના વિચારો અને આદર્શોએ રામકૃષ્ણ મિશન મારફતે સંસ્થાકીય કાર્ય માટેનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારતમાં સ્વચ્છતા જાળવવા માટે સતત કામ કરનાર તમામ લોકોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને નોંધ્યું હતું કે, તેમણે જ વંદેમાતરમની ભાવનાને આત્મસાત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યુનિવર્સિટીની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન વિદ્યાર્થી પાંખોએ સાફસફાઈને મહત્વ આપવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, જે લોકો મહિલાનું સન્માન કરે છે, તેઓ જ સ્વામી વિવેકાનંદના સંબોધનના પ્રારંભિક શબ્દો અમેરિકાનાં ભાઈઓ અને બહેનોપર ગર્વ કરી શકે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ અને જમશેદજી ટાટા વચ્ચેનો પત્રવ્યવહાર સ્વામીજીની ભારતની સ્વનિર્ભરતા માટેની ચિંતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્ઞાન અને કુશળતા બંને સમાન મહત્વ ધરાવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હવે લોકો કહે છે કે 21મી સદી એશિયાની સદી છે. પણ લાંબા સમય અગાઉ સ્વામી વિવેકાનંદે વન એશિયાની વિભાવના આપી હતી અને કહ્યું હતું કે, વિશ્વની વિવિધ સમસ્યાઓના સમાધાનો એશિયામાંથી મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રચનાત્મકતા અને નવીનતા માટે યુનિવર્સિટી કેમ્પસથી વધારે શ્રેષ્ઠ સ્થળ અન્ય કોઈ નથી. તેમણે ઉમેર્યું હતું કે, કેમ્પસમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરવા વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને ભાષાઓની ઉજવણી કરવા દિવસોનું આયોજન કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું મહત્વ વધી રહ્યું છે અને આ માટે જનશક્તિ જવાબદાર છે. તેમણે વિદ્યાર્થી સમુદાયની પ્રશંસા કરીને કહ્યું હતું કે, નિયમોનું પાલન કરો, ભારતનો ડંકો વાગશે.

 

NP/JK/GP                                                                             


(Release ID: 1502330) Visitor Counter : 213


Read this release in: English