ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

એફએડી 2017માં કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા અને સાધ્વી નિરંજન જ્યોતિ દ્વારા ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા એવોર્ડ એનાયત કરાયા

Posted On: 07 SEP 2017 5:22PM by PIB Ahmedabad

અમદાવાદ, 7 સપ્ટેમ્બર 2017

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા તથા કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ દ્વારા આજે અમદાવાદ ખાતે FAD-2017 (ફૂડ પ્રોસેસિંગ – એગ્રી બિઝનેસ – ડેરી) કાર્યક્રમમાં ખાદ્ય પ્રસંસ્કરણ, કૃષિ અને ડેરી ક્ષેત્રે નવીનતા અને ઉત્કૃષ્ટતા દાખવનારા ઉદ્યોગપતિઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. FAD-2017નું આયોજન એસોચેમ, ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે અને આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે દેશના લગભઘ 80 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે આથી ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવવી કે નવા પ્રયોગો કરવા તેમના માટે મુશ્કેલ છે. ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ આવા ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી કરી શકે, તેમને એકજૂઠ કરી નવી ટેકનોલોજી પૂરી પાડી શકે તેમજ તેમને તાલીમ આપી શકે. બદલામાં ઉદ્યોગપતિઓને જરૂરી કાચો માલ પૂરતા પ્રમાણમાં અને સહેલાઈથી મળી શકે.

શ્રી રૂપાલાએ એમ પણ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોમાં માર્કેટ યાર્ડના નેતાઓ તેમજ અમુક ખેડૂત મિત્રોને પણ આમંત્રણ આપવું જોઈએ. જેથી આ પ્રકારની વાતો ખેડૂત વર્તુળમાં પણ પહોંચે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સિક્કિમ દેશનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય જાહેર થઈ ચૂક્યું છે. અને સરકાર હિમાલયન રેન્જના તમામ રાજ્યોને સંપૂર્ણ ઓર્ગેનિક બનાવવા માટે કાર્ય કરી રહી છે. ગુજરાત સરકાર પણ ડાંગ જિલ્લાને ઓર્ગેનિક બનાવવા કાર્યરત છે, એમ તેમણે ઉમેર્યું હતું. શ્રી રૂપાલાએ ઉદ્યોગપતોને આશ્વસ્ત કર્યા હતા કે વેપાર અને ખેડૂતોના કલ્યાણ માટે જે કંઈપણ સૂચનો આવશે તેના પર યથાસંભવ ઝડપે પગલાં લેવાશે.

કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ ખાદ્ય પ્રસંસ્કરણના ક્ષેત્રમાં ગુજરાતને નંબર 1 ગણાવ્યું હતું. આ ક્ષેત્ર માટે તેમના મંત્રાલય દ્વારા લેવાયેલા પગલાં જેવા કે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના તેમજ એફડીઆઈમાં 100 ટકાની છૂટ જેવી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે ખાતરના વધુ પડતા ઉપયોગથી લોકોના સ્વાસ્થ્ય પર થઈ રહેલી વિપરિત અસરો પર ચિંતા વ્યક્ત કરી હતી તથા જૈવિક ખાતરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત સરકારના કૃષિ વિભાગના સચિવ શ્રી સંજય પ્રસાદ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મોહંમદ શાહિદ, એનઆઈએફટીએમના વાઈસ ચાન્સેલર, ડૉ. ચિન્દી વાસુદેવપ્પા, આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. એન. સી. પટેલ, એસોચેમના ગુજરાત કાઉન્સિલર ચેરપર્સન સુશ્રી ભાગ્યેશ સોનેજી તથા 200 જેટલા ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

NP/JK/GP                                     


(Release ID: 1502080) Visitor Counter : 129