પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજસ્વ જ્ઞાન સંગમમાં કરવેરા અધિકારીઓને સંબોધન કર્યું

Posted On: 01 SEP 2017 4:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્વ જ્ઞાન સંગમનું નવી દિલ્હીમાં ઉદ્ઘાટન કર્યું હતું તથા કેન્દ્ર અને રાજ્ય સરકારોના કરવેરા અધિકારીઓને સંબોધન કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ અધિકારીઓને તેમની કાર્યશૈલી સુધારવા પ્રોત્સાહન આપ્યું હતું, જેથી તેમની કામગીરીમાં તાકીદે કામ કરવા અને અંદાજ મેળવી શકાય તેવી કામગીરી એમ બંને પાસાને જોડી શકાય.

 

જીએસટીના ફાયદાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં આર્થિક સંકલન અને સિસ્ટમમાં પારદર્શકતા ઉપરાંત 17 લાખથી વધારે નવા વેપારીઓ બે મહિનામાં પરોક્ષ કરવેરા વ્યવસ્થામાં જોડાયા છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તમામ વેપારીઓ જીએસટીનો મહત્તમ લાભ લઈ શકે એ માટે આપણે તમામ વેપારીઓ જીએસટી સિસ્ટમમાં નોંધણી કરાવે તેવી સુનિશ્ચિતતા કરવા માટે કામ કરવું જોઈએ, જેમાં રૂ. 20 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓએ પણ જીએસટી સિસ્ટમમાં નોંધણી કરાવવી જોઈએ. તેમણે અધિકારીઓને આ કેટેગરી માટે સિસ્ટમ બનાવવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ વર્ષ 2022માં દેશમાં આઝાદીની 75મી વર્ષગાંઠના વર્ષ સુધીમાં દેશમાં કરવેરાનું માળખું સુધારવા સ્પષ્ટ લક્ષ્યાંકો નક્કી કરવા અધિકારીઓને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભ્રષ્ટ લોકોનો આત્મવિશ્વાસ તોડે અને પ્રામાણિક કરદાતાઓમાં વિશ્વાસ વધારે તેવું વાતાવરણ ઊભું કરવા કામ કરી રહી છે. આ સંબંધમાં તેમણે વિમુદ્રીકરણ જેવા કેન્દ્ર સરકારના પગલાંનો તથા કાળું નાણું અને બેનામી સંપત્તિ સામે કડક કાયદાનો અમલ કરવા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કરવેરાના વહીવટીતંત્રની બાબતોમાં માનવીય હસ્તક્ષેપ લઘુતમ જાળવવો જોઈએ. તેમણે ઇ-આકારણીને આગળ ધપાવવા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામગીરી સાથે ઓળખ જાહેર ન કરવા પર ભાર મૂક્યો હતો, જેથી કાયદાકીય કામગીરીમાં સ્થાપિત હિતો અવરોધ ઊભો ન કરે.

 

શ્રી નરેન્દ્ર મોદીએ કરવેરા સંબંધિત કેસોમાં ચુકાદા અને અપીલ મોટા પાયે પેન્ડિંગ હોવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ કેસોમાં જંગી નાણું લોક થઈ ગયું છે, જેનો ઉપયોગ ગરીબોના કલ્યાણ માટે થઈ શકે છે. તેમણે અધિકારીઓને રાજસ્વ જ્ઞાન સંગમ દરમિયાન આ પ્રકારના કેસ ઘટાડવા કાર્યયોજના રજૂ કરવા જણાવ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ અધિકારીઓને જાહેર ન થયેલી આવક અને સંપત્તિ પર સક્રિયપણે નજર રાખવા અને નક્કી કરવા ડેટા એનાલીટિકલ ટૂલ્સનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દર વર્ષે અધિકારીઓ કરવેરાની આવક વધારવા પ્રયાસો કરે છે છતાં વ્યવસ્થામાં સંચય થવી જોઈએ તેવી કરવેરાની અંદાજિત રકમ ખરેખર સરકારને મળતી નથી. પ્રધાનમંત્રીએ અધિકારીઓને કરવેરા માટે નક્કી થયેલી અને પ્રાપ્ત ન થયેલી રકમની સમસ્યાનું સમાધાન નિયત સમયમર્યાદામાં રજૂ કરવા જણાવ્યું હતું તથા અપ્રમાણિક લોકો દ્વારા કરવેરો ન ચુકવવાની કિંમત પ્રામાણિક લોકોને અદા ન કરવી પડે તેવી સુનિશ્ચિતતા કરવા પર ભાર મૂક્યો હતો. આ સંબંધમાં તેમણે ડેટા એનાલીટિક્સ અને સંશોધન પાંખને મજબૂત કરવા કરવેરા વિભાગમાં માનવીય સંસાધન વ્યવસ્થાપનને સંપૂર્ણપણે પુનર્ગઠિત કરવાનું સૂચન પણ કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે બે-દિવસીય જ્ઞાન સંગમમાંથી કરવેરાનું વહીવટીતંત્ર સુધારવા નક્કર વિચારો મળશે.

 


(Release ID: 1501467) Visitor Counter : 77


Read this release in: English