મંત્રીમંડળ

મંત્રીમંડળે નુકસાન કરતી ભારત વેગન અને એન્જિનીયરિંગ કંપનીને બંધ કરવાની મંજૂરી આપી

Posted On: 23 AUG 2017 6:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ રેલવે મંત્રાલય હેઠળ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (સીપીએસઇ) ભારત વેગન એન્ડ એન્જિનીયરિંગ કંપની લિમિટેડ (બીડબલ્યુઇએલ) બંધ કરવા રેલવે મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપી હતી.

 

બીડબલ્યુઇએલના 626 કર્મચારીઓને 2007ના પે સ્કેલ પર ઓફર થનાર સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ)નો લાભ મળશે. સરકારને વળતર પેકેજ અને કંપનીની વર્તમાન જવાબદારીઓ પૂર્ણ કરવા રૂ. 151.18 કરોડની વન ટાઇમ ગ્રાન્ટ પ્રદાન કરવી પડશે.

 

આ પગલું માંદી/નુકસાન કરતી બીડબલ્યુઇએલની કામગીરી પર સરકારી ભંડોળમાંથી નાણાકીય પ્રવાહ અટકાવશે, જેથી સરકારને બચત થશે.

 

સરકારી સાહસોના વિભાગ (ડીપીઇ)એ નિશ્ચિત સમયમર્યાદામાં નબળા/નુકસાન કરતા સીપીએસઇને બંધ કરવા માર્ગદર્શિકા બહાર પાડી હતી, જેમાં સૂચિત સમયમર્યાદા મુજબ બીડબલ્યુઇએલની કામગીરી બંધ કરવાનો અમલ થશે.

 

રેલવે મંત્રાલયે નાણાકીય સહાય અને અન્ય સાથસહકાર પ્રદાન કરવા છતાં છેલ્લાં 10 વર્ષથી વધારે સમયથી કંપનીની નબળી ફિઝિકલ અને નાણાકીય કામગીરી જળવાઈ રહી છે અને ભવિષ્યમાં તેમાં સુધારો થવાની અતિ ઓછી શક્યતા હોવાથી ભારત વેગન એન્ડ એન્જનીયરિંગ કંપની લિમિટેડને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.



પૃષ્ઠભૂમિ:

ખાનગી ક્ષેત્રની બે માંદી કંપનીઓ મુઝફ્ફરનગરની આર્થર બટલર એન્ડ કંપની અને મોકામાની બ્રિટાનિયા એન્જિનીયરિંગ કંપની ટેકઓવર કર્યા પછી બીડબલ્યુઇએલની સ્થાપના 4 ડિસેમ્બર, 1978ના રોજ સીપીએસઇ તરીકે થઈ હતી. કંપનીને ડિસેમ્બર, 2000માં બીઆઇએફઆર (ઔદ્યોગિક અને નાણાકીય પુનર્ગઠન માટેના બોર્ડ)ને સુપરત કરવામાં આવી હતી અને વર્ષ 2002માં માંદી જાહેર કરવામાં આવી હતી. પછી અત્યાર સુધી કંપની માંદી કંપની તરીકે જળવાઈ રહી છે. આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ આપેલી મંજૂરી મુજબ, કંપનીનું વહીવટી નિયંત્રણ ઓગસ્ટ, 2008માં ભારે ઉદ્યોગ વિભાગ (ડીએચઆઇ) પાસેથી રેલવે મંત્રાલયને સુપરત કરવામાં આવ્યું હતું. કંપની વેગન્સના ઉત્પાદન અને રિપેરિંગ કામમાં સંકળાયેલી છે તથા બિહારમાં મોકામા અને મુઝફ્ફરનગરમાં બે ઉત્પાદનો એકમો ધરાવે છે.

 

AP/J.Khunt/TR/GP



(Release ID: 1500495) Visitor Counter : 44


Read this release in: English