પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 71મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું

Posted On: 15 AUG 2017 11:56AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 15-08-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 71મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારતની આઝાદી માટે લડેલા મહાન સ્ત્રીપુરુષોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કુદરતી આફતોને કારણે અસરગ્રસ્તોને ભારતીયો ખભેખભો મિલાવીને સાથસહકાર આપી રહ્યા છે અને ગોરખપુરની કરુણાંતિકામાં ભારતીયો અસરગ્રસ્તોની સાથે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ વિશિષ્ટ છે, કારણ કે આ વર્ષે આપણે ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહનું શતાબ્દી વર્ષ અને બાળગંગાધર તિલક પ્રેરિત સાર્વજનિક ગણેશોત્સવની 125મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશે વર્ષ 1942થી 1947 વચ્ચે અભૂતપૂર્વ એકતાના દર્શન કરાવ્યા હતા, જેના પરિણામે ભારતને આઝાદી મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણે આવી જ એકતા અને નિર્ણાયકતા વર્ષ 2022માં નવા ભારતના નિર્માણ માટે દર્શાવવી પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતંિ કે, આપણા દેશમાં દરેક વ્યક્તિ બંધારણની દ્રષ્ટિએ સમાન છે અને સામૂહિક રીતે આપણે દેશમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવી શકીએ.

પ્રધાનમંત્રીએ દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવા ચલતા હૈઅભિગમ છોડવા અને તેના સ્થાને બદલ શકતા હૈઅભિગમ અપનાવવા અપીલ કરી હતી.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને સર્જિકલ સ્ટ્રાઇક તેનું મહત્વ સૂચવે છે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયામાં ભારતની મહત્તા વધી રહી છે અને કેટલાંક દેશો આતંકવાદ સામેની લડાઈમાં આપણને સહકાર આપી રહ્યા છે. તેમણે વિમુદ્રીકરણ પર જણાવ્યું હતું કે, જેમણે દેશ અને ગરીબોને લૂંટ્યાં છે, તેઓ શાંતિથી સુઈ નહીં શકે અને અત્યારે પ્રામાણિકતાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાળા નાણાં સામેની લડાઈ ચાલુ રહેશે અને પારદર્શકતા લાવવામાં ટેકનોલોજી મદદરૂપ થશે. તેમણે લોકોને ડિજિટલ વ્યવહારોને વધારે પ્રોત્સાહન આપવા પ્રેરિત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ જીએસટી (વસ્તુ અને સેવા વેરા)ને સહકારી સંઘવાદનું મુખ્ય પ્રતીક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, નાણાકીય સર્વસમાવેશકતાની પહેલો મારફતે ગરીબો મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુશાસન એટલે પ્રક્રિયાઓમાં ઝડપ અને તેનું સરળીકરણ. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીર વિશે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની સમસ્યાનું સમાધાન ગાળો કે ગોળીઓથી નહીં, સમાધાનથી જ આવી શકે. (ના ગાલી સે, ના ગોલી સે, પરિવર્તન હોગા ગલે લગાને સે).

પ્રધાનમંત્રીએ નવા ભારતના નિર્માણ માટે તેમના વિઝનને રજૂ કરતા જણાવ્યું હતું કે, દેશનું શાસન વ્યવસ્થાથી નહીં, પણ તેની પ્રજાથી ચાલે છે તંત્ર સે લોક નહીં, લોક સે તંત્ર ચલેગા.

પ્રધાનમંત્રીએ ચાલુ વર્ષે પાકના જંગી ઉત્પાદન માટે ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારે ચાલુ વર્ષે 16 લાખ ટન અનાજની ખરીદી કરી હતી, જે ગયા વર્ષની ખરીદી કરતા ઘણી વધારે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ટેકનોલોજીમાં ફેરફાર થવાથી રોજગારી માટે વિવિધ પ્રકારના કૌશલ્યોની જરૂરિયાત બદલાઈ છે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, યુવા પેઢીએ રોજગારીસર્જક બનવું પડશે, નહીં કે રોજગારવાંચ્છું.

પ્રધાનમંત્રીએ ટ્રિપલ તલ્લાકના કારણે પીડિત મહિલાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ પ્રકારની કુપ્રથાનો વિરોધ કરનાર લોકોના સાહસને તેઓ બિરદાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમની આ લડતમાં દેશ તેમની સાથે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત શાંતિ, એકતા અને સંવાદિતામાં માને છે. તેમણે જણાવ્યું હતું કે, આપણને જ્ઞાતિવાદ અને કોમવાદથી કોઈ લાભ થવાનો નથી. તેમણે ધર્મના નામે હિંસાના પ્રયોજનને વખોડી કાઢ્યો હતો અને કહ્યું હતું કે, ભારતમાં આવું નહીં ચાલે. તેમણે કહ્યું હતું કે, ભારત છોડો આંદોલનનું સૂત્ર હતું ભારત છોડો”, પણ અત્યારે આપણું સૂત્ર ભારત જોડોહોવું જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિકાસ માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર શાંતિ સાથે સમાધાન કર્યા વિના ભારતને વિકાસના નવા માર્ગે અગ્રેસર કરે છે.

પ્રધાનમંત્રીએ ધર્મગ્રંથોના વિચારોને ટાંકતાં જણાવ્યું હતું કે, જો આપણે યોગ્ય સમયે યોગ્ય પગલું ન લઈએ, તો આપણને ઇચ્છિત પરિણામો નહીં મળે. તેમણે કહ્યું હતું કે, ‘નવા ભારતના નિર્માણ માટે ટીમ ઇન્ડિયામાટે યોગ્ય સમય છે.

તેમણે નવા ભારતનું નિર્માણ કરવા માટે અપીલ કરી હતી, જ્યાં ગરીબોને રહેવા માટે મકાન હશે તથા પાણી અને વીજળીની મૂળભૂત સુવિધાઓ સુલભ હશે, જ્યાં ખેડૂતો ચિંતામુક્ત હશે અને અત્યાર કરતા બમણી કમાણી કરશે, યુવાનો અને મહિલાઓને તેમના સ્વપ્નો સાકાર કરવા પર્યાપ્ત તકો ઉપલબ્ધ હશે, ભારત આતંકવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભ્રષ્ટાચાર અને ભાઇભતીજાવાદથી મુક્ત હશે અને દેશ સ્વચ્છ અને સ્વસ્થ હશે.

આ સંબોધનમાં પ્રધાનમંત્રીએ બહાદુરી પુરસ્કાર વિજેતાઓના સન્માનમાં વેબસાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.

 

GP/TR                   



(Release ID: 1499688) Visitor Counter : 98


Read this release in: English