પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત છોડો ચળવળના 75 વર્ષ નિમિત્તે લોકસભામાં વિશેષ ચર્ચામાં પ્રધાનમંત્રીનું સંબોધન

Posted On: 09 AUG 2017 4:39PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 08-08-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત છોડો ચળવળના 75 વર્ષ નિમિત્તે લોકસભામાં સંબોધન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ભારત છોડો આંદોલન જેવી ચળવળની યાદગીરી એ એક પ્રેરણા છે અને ઉમેર્યું હતું કે આ પ્રકારની ચળવળનો વારસો નવી પેઢી સુધી લઈ જવાની વર્તમાન પેઢીની જવાબદારી છે.

પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે મહાત્મા ગાંધી જેવા વરિષ્ઠ નેતાઓ ભારત છોડો આંદોલનના પ્રારંભે જેલમાં ગયા હતા ત્યારે નવી પેઢીના નેતાઓએ આ ચળવળ આગળ ધપાવી હતી અને ચળવળ જારી રાખી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ ચળવળ ઘણા તબક્કામાંથી પસાર થઈ હતી અને 1857થી શરૂ થયેલા આંદોલનમાં ભૂમિકા અદા કરનારા ઘણા આગેવાનોને યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે ભારત છોડો આંદોલન 1942માં શરૂ થયું હતું અને તે નિર્ણાયક ચળવળ હતી. ગાંધીજીને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમાં તમામ વર્ગના લોકો જોડાયા હતા. મહાત્મા ગાંધીના કરો યા મરોના નારાનો તેમણે પ્રતિસાદ આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે રાજકીય નેતાથી સામાન્ય માનવી સુધીના દરેક લોકોએ આ હેતુ સાધી લીધો હતો. સ્વતંત્રતાના હેતુને સિદ્ધ કરવામાં પાંચ વર્ષ લાગ્યા હતા અને એક વાર આખો દેશ આ સમાન હેતુ માટે કટિબદ્ધ થયો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.

એ વખતે પ્રજામાં જે મૂડ પ્રવર્તતો હતો તેનું વર્ણન કરવા માટે પ્રધાનમંત્રીએ લેખક રામવૃક્ષ બેનીપૂરી અને કવિ સોહનલાલ દ્વિવેદીને ટાંક્યા હતા.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભ્રષ્ટાચાર, ગરીબી, નિરક્ષરતા અને કૂપોષણ તે એવા પડકાર છે જેમાંથી બહાર આવવાની અત્યારે ભારતને જરૂર છે. તેમણે જણાવ્યું કે આ માટે હકારાત્મક પરિવર્તન અને સામાન્ય માનવીની વચનબદ્ધતાની જરૂર છે. સ્વતંત્રતાની ચળવળમાં મહિલાઓએ અદા કરેલી ભૂમિકાને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે આપણા સામાન્ય હેતુને સિદ્ધ કરવા માટે મહિલાઓ મોટી તાકાત બની શકે છે.

હક્ક અને ફરજો અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણે આપણા હક્કો અંગે જાગૃત છીએ પરંતુ આપણે આપણી ફરજો પણ ભૂલવી જોઇએ નહીં અને તે પણ આપણા જીવનનો એક ભાગ બની જવી જોઇએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતમાં સામ્રાજ્યવાદનો પ્રારંભ થયો અને ભારતની સ્વતંત્રતા સાથે તેનો અંત પણ આવ્યો અને તે સાથે એશિયા અને આફ્રિકામાં પણ સામ્રાજ્યવાદનો અંત આવ્યો હતો.

1942માં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વતંત્રતા માટે ભારત માટે પરિસ્થિતિ અનુકૂળ બની હતી તેમ કહીને પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે વૈશ્વિક પરિસ્થિતિ ભારત માટે સાનુકૂળ હતી પરંતુ 1942થી 1947ના વર્ષો પરિવર્તનના હતા અને તેણે હેતુ પાર પાડ્યો. તેમણે સંસદના સદસ્યોને વિનંતી કરી કે મતભેદોમાંથી બહાર આવીને આગામી પાંચ વર્ષમાં આઝાદીના ઘડવૈયાઓએ સેવેલા સ્વપ્નને સાકાર કરવા માટે પ્રયાસ હાથ ધરવા એક થઈ જાઓ. 2022નું વર્ષ યોગાનુયોગે સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 1942નો નારો કરો યા મરોનો હતો તો આજનો નારો કરીશું અને કરતા રહીશુંનો હોવો જોઇએ. તેમણે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ સંકલ્પથી સિદ્ધિના હોવા જોઇએ જે હેતુ સિદ્ધ કરવાની પ્રતિબદ્ધતા છે.

ભ્રષ્ટાચારમાંથી મુક્ત થવા, ગરીબોને તેમના હક્ક અપાવવા, યુવાનોને રોજગારી અપાવવા, કૂપોષણ નાબૂદ કરવા, મહિલા શક્તિના અવરોધો દૂર કરવા અને નિરક્ષરતા દૂર કરવાની નીચે મુજબની વચનબદ્ધતા સાથે તેમણે તેમનું પ્રવચન પૂર્ણ કર્યું હતું.

આપણે સૌ મળીને દેશને ભ્રષ્ટાચારથી દૂર કરીશું અને કરીને જ રહીશું.

આપણે સૌ ગરીબોને તેમનો અધિકાર અપાવીશું અને અપાવીને જ રહીશું.

આપણે સૌ મળીને નવયુવાનોને રોજગારીની તક આપીશું અને આપીને જ રહીશું.

આપણે સૌ મળીને દેશમાંથી કુપોષણની સમસ્યા દૂર કરીશું અને કરીને જ રહીશું.

આપણે સૌ મળીને મહિલાઓને આગળ વધતા રોકનારા બંધનોને ખતમ કરીશું અને કરીને જ રહીશું.

આપણે સૌ મળીને નિરક્ષરતા ખતમ કરીશું અને કરીને જ રહીશું.

 

AP/J.Khunt/GP                    


(Release ID: 1498981) Visitor Counter : 419


Read this release in: English