સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

આસામ, મણિપુર અને ગુજરાતના પૂરગ્રસ્તો માટેના રાહત પૂરવઠો લઈ જતા વાહનોને શ્રી જે.પી નડ્ડાની લીલીઝંડી

Posted On: 02 AUG 2017 5:43PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 02-08-2017

 

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી જે.પી. નડ્ડાએ આસામ, મણિપુર અને ગુજરાતના પૂરગ્રસ્ત પરિવારોને અંદાજે રૂ. 3.15 કરોડની રાહત સામગ્રી મોકલતા વાહનોને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે પૂર્વોત્તર રાજ્યોના વિકાસ મંત્રી (સ્વતંત્ર હવાલો) ડો. જીતેન્દ્ર સિંઘ પણ હાજર રહ્યા હતા.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, નેશનળ હેડ ક્વાર્ટર, નવી દિલ્હી ખાતેથી ટ્રક્સના કાફલાને લીલી ઝંડી આપ્યા પછી શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે પૂરથી અસર પામેલા લોકોને કોઈપણ આવશ્યક ચીજની તંગી ન વર્તાય તે બાબતની સરકાર ખાતરી રાખી રહી છે. 

"અમે દવાઓ, મચ્છરદાનીઓ, કપડાં વગેરેનો સમાવેશ કરતી રૂ. 3.15 કરોડની રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો રવાના કર્યો છે અને ટૂંક સમયમાં બીજો જથ્થો પણ રવાના થશે. અમે એ બાબતની ખાતરી રાખી રહ્યા છીએ કે જે કોઈને પણ જરૂરિયાત હોય તેમને રાહત સામગ્રીનો પૂરતો પૂરવઠો મળી રહે" તેમ શ્રી નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આસામ, મણિપુર અને ગુજરાતના રેડ ક્રોસ એકમો મારફતે આ સંસ્થાના સ્વયં સેવકો દ્વારા પણ તુરંત પ્રતિભાવ આપીને અસરગ્રસ્ત સમુદાયોને પોતાના ઉપલબ્ધ જથ્થામાંથી રાહતનો પૂરવઠો પૂરો પાડ્યો છે.

વધુમાં, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, નેશનલ હેડ ક્વાર્ટર દ્વારા પણ તેમના અગાઉના સ્ટોક્સમાંથી રાહતની કામગીરી માટે પૂરવઠો છૂટો કરવામાં આવ્યો છે. આ પૂરવઠામાં મચ્છરદાનીઓ, રસોડાના સાધનો, તાડપત્રીના ટૂકડાઓ, ટુવાલ, પુરૂષો માટે ધોતી અને મહિલાઓ માટે સાડીઓ, સુતરાઉ ધાબળા, ચાદરો અને ડોલ મોકલી આપવામાં આવી છે.

AP/J.Khunt/GP                      



(Release ID: 1498186) Visitor Counter : 176


Read this release in: English