પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી રામેશ્વરમમાં
· ડો. એપીજે અબ્દુલ કલામ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું
· કલામ સંદેશ વાહિનીને લીલી ઝંડી આપી
· રામેશ્વરમથી અયોધ્યા સુધીની ટ્રેન લોન્ચ કરી તથા અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યા
· જનસભાને સંબોધન કર્યું
Posted On:
27 JUL 2017 5:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રામેશ્વરમાં ડો. એપીજે અબ્દુલ કલામ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ડો. કલામની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને કલામ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ ડો. કલામના પરિવારજનો સાથે થોડો સમય વાતચીત પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ એક્ઝિબિશન બસ ‘કલામ સંદેશ વાહિની’ને લીલી ઝંડી આપી હતી, જે દેશના વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરશે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામની જન્મજયંતી 15 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન પહોંચશે.
પ્રધાનમંત્રીએ મોટી જનસભામાં બ્લૂ રિવોલ્યુશન સ્કીમ હેઠળ લોંગ લાઇન ટ્રોલર્સના પસંદગીના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ કર્યું હતું.
તેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે શ્રદ્ધા સેતુ નામની રામેશ્વરમથી અયોધ્યા સુધીની નવી એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમણે ગ્રીન રામેશ્વરમ પ્રોજેક્ટનો ટૂંક સાર જાહેર કર્યો હતો અને મુકુંદારાયાર ચાથિરામ અને અરિચલમુનઈ વચ્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ-87 પર 9.5 કિમીની લંબાઈ ધરાવતો લિન્ક રોડ દેશને અર્પણ કરવાના પ્રતીક સ્વરૂપે તકતીનું અનાવરણ કર્યું હતું.
આ જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રામેશ્વરમ સંપૂર્ણ દેશ માટે આધ્યાત્મિકતાની દિવાદાંડી સમાન છે અને હવે ડો. કલામ સાથે ગાઢ રીતે જોડાઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, ડો. કલામ રામેશ્વરમની સાદગી, ઊંડાણ અને શાંતિનું પ્રતિબિંબ છે.
ડો. કલામનું મેમોરિયલ તેમના જીવનકવનને સારી રીતે પ્રદર્શિત કરે છે તેવું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડો. જે. જયલલિતાને શ્રદ્ધાજંલિ આપતા કહ્યું હતું કે, તેઓ આપણને હંમેશા યાદ આવે તેવાં નેતા છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે તેઓ હયાત હોત તો બહુ રાજી થયા હોત અને તેમની શુભેચ્છા પાઠવી હોત.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંદરો અને લોજિસ્ટિક્સ સેક્ટર્સની કાયાપલટ ભારતની વૃદ્ધિમાં નોંધપાત્ર પ્રદાન કરી શકે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જ્યાં સુધી સ્વચ્છ ભારત અભિયાનનો સંબંધ છે, ત્યાં સુધી રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધા ચાલી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડો. કલામ ભારતની યુવા પેઢી માટે પ્રેરણાદીપ છે. તેમણે કહ્યું હતું કે, આજની યુવા પેઢી પ્રગતિની નવી ઊંચાઈ સર કરવા અને રોજગાર સર્જક બનાવવા ઇચ્છે છે.
AP/J.Khunt/TR/GP
(Release ID: 1497453)
Visitor Counter : 57