રાષ્ટ્રપતિ સચિવાલય

30 જૂન, 2017ના રોજ સંસદના સેન્ટ્રલ હોલ ખાતે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સના લોંચિંગ વખતે રાષ્ટ્રપતિનું સંબોધન

Posted On: 01 JUL 2017 12:44AM by PIB Ahmedabad
  1. હવે થોડી મિનિટોમાં આપણે દેશમાં એકીકૃત કરવેરા વ્યવસ્થા ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી – વસ્તુ અને સેવા વેરા)નાં અમલીકરણની શરૂઆતનાં સાક્ષી બનીશું. આ ઐતિહાસિક ક્ષણ 14 વર્ષની લાંબી સફરનું પરિણામ છે, જેની શરૂઆત ડિસેમ્બર, 2002માં થઈ હતી. એ વર્ષે પરોક્ષ વેરા પર રચાયેલી કેલ્કર ટાસ્ક ફોર્સે મૂલ્ય સંવર્ધન કરવેરાનાં સિદ્ધાંત પર આધારિત વિસ્તૃત ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નું સૂચન કર્યું હતું. જીએસટી રજૂ કરવાની દરખાસ્ત સૌપ્રથમ નાણાકીય વર્ષ 2006-07નાં બજેટનાં ભાષણમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. આ દરખાસ્તમાં કેન્દ્ર દ્વારા જ નહીં, પણ રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવતાં પરોક્ષ વેરામાં માળખાગત સુધારો સંકળાયેલો હોવાથી જીએસટીનાં અમલીકરણ માટે કાર્યયોજના બનાવવાની અને ડિઝાઇન તૈયાર કરવાની જવાબદારી રાજ્યનાં નાણાં મંત્રીની સક્ષમ સમિતિને સુપરત કરવામાં આવી હતી, જેની રચના અગાઉ મૂલ્ય સંવર્ધન કરવેરા (વેટ)નાં અમલીકરણ માટે થઈ હતી. સક્ષમ સમિતિએ નવેમ્બર, 2009માં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પર પ્રથમ ચર્ચાપત્ર જાહેર કર્યું હતું.

મિત્રો:

  1. જીએસટીનો અમલ દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. તે મારાં માટે પણ થોડાં સંતોષની બાબત છે. મેં નાણાં મંત્રી તરીકે 22 માર્ચ, 2011નાં રોજ બંધારણીય સુધારા ખરડો રજૂ કર્યો હતો. હું ડિઝાઇન અને અમલીકરણમાં સંકળાયેલો હતો તથા મને 16 વખત ઔપચારિક અને અનૌપચારિક રીતે રાજ્યનાં નાણાં મંત્રીની સક્ષમ સમિતિને મળવાની તક સાંપડી હતી. હું ગુજરાત, બિહાર, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રીને પણ ઘણી વખત મળ્યો હતો. મને એ બેઠકો અને તેમાં ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓ બરોબર યાદ છે. આ કામગીરીમાં બંધારણીય, કાયદાકીય, આર્થિક અને વહીવટી ક્ષેત્રો સંકળાયેલા હતાં એટલે મડાગાંઠ સર્જાય એવા અનેક મુદ્દા હતાં એ કોઈ નવાઈની વાત નથી. છતાં મને એ બંને પ્રકારની બેઠકો અને મુખ્યમંત્રીઓ, નાણાં મંત્રીઓ અને રાજ્ય સરકારનાં અધિકારીઓ સાથે મારી બેઠકોમાં મોટા ભાગનાં લોકોનો અભિગમ રચનાત્મક કે સકારાત્મક હતો તથા તેમણે જીએસટીને રજૂ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એટલે મને વિશ્વાસ હતો કે જીએસટીનો અમલ વહેલો મોડો થશે. જ્યારે 8 સપ્ટેમ્બર, 2016નાં રોજ સંસદનાં બંને ગૃહોમાં જીએસટીનો ખરડો પસાર થઈ ગયો ત્યારે મારો વિશ્વાસ વાજબી ઠર્યો હતો. 50 ટકાથી વધારે રાજ્ય વિધાનસભાઓએ પણ જીએસટીનાં કાયદાનો સ્વીકાર કર્યો છે. મને બંધારણીય (101માં સુધારા) કાયદાને સંમતિ આપવાનો વિશેષાધિકાર મળ્યો હતો.

મિત્રો:

  1. બંધારણીય સુધારા પછી બંધારણની કલમ 279એની જોગવાઈઓ મુજબ જીએસટી પરિષદની રચના થઈ છે. આ પરિષદ જીએસટીનાં સંબંધમાં કેન્દ્ર અને રાજ્યોને તમામ ભલામણો કરવા માટે જવાબદાર છે, જેમ કે મોડલ કાયદો, દર, મુક્તિ. આ પરિષદ આપણાં બંધારણમાં વિશિષ્ટ છે. પરિષદ કેન્દ્ર અને રાજ્યોનો સંયુક્ત મંચ છે, જેમાં કેન્દ્ર કે રાજ્યો, એકબીજાનાં સાથસહકાર વિનાં કોઈ પણ નિર્ણય ન લઈ શકે. બંધારણમાં પરિષદની નિર્ણય લેવાની પ્રક્રિયામાં મતદાનનું વિસ્તૃત માળખું બનાવવામાં આવ્યું છે છતાં અત્યાર સુધી 19 બેઠકો યોજાઈ છે અને તમામ નિર્ણયો પરિષદમાં સર્વસંમતિથી લેવામાં આવ્યાં છે. જીએસટી પરિષદ હજારો ચીજવસ્તુઓનાં કરવેરાનાં દર નક્કી કરી શકશે કે કેમ એ વિશે શંકા હતી, ખાસ કરીને તમામ રાજ્યોનાં પરોક્ષ કરવેરાનાં જુદાં જુદાં દરને ધ્યાનમાં રાખીને પરિષદે સમયસર કામગીરી પૂર્ણ કરીને દરેકને ચકિત કરી દીધી છે.

મિત્રો:

  1. પરોક્ષ કરવેરાનો નવો યુગ થોડી મિનિટોમાં શરૂ થશે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વ્યાપક સર્વસંમતિનું પરિણામ છે. આ સર્વસંમતિ ઊભી કરવા માટે સમયની સાથે પ્રયાસોનું પણ યોગદાન છે. આ પ્રયાસ તમામ રાજકીય ક્ષેત્રની વ્યક્તિઓએ કર્યા હતાં, જેમણે સંકુચિત વિચારસરણીને ભૂલીને દેશનાં હિતને સર્વોચ્ચ ગણ્યું હતું. તે ભારતની લોકશાહીની પરિપક્વતા અને શાણપણ વ્યક્ત કરે છે.

મિત્રો:

  1. કરવેરા અને નાણાકીય બાબતોની સારી જાણકારી ધરાવતી મારાં જેવી વ્યક્તિ માટે પણ અમે હાથ ધરેલ પરિવર્તનનો અવકાશ ખરેખર અભૂતપૂર્વ છે. સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાંબો ઇતિહાસ ધરાવે છે. નાણાં મંત્રી તરીકે મારાં જુદાં જુદાં કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકારની તિજારીમાં તેનું પ્રદાન સૌથી વધુ રહ્યું છે. સર્વિસ ટેક્સ (સેવા વેરો) પ્રમાણમાં નવો છે, પણ તેની આવકમાં અતિ ઝડપથી વધારો થયો છે. ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જાળમાંથી બાકાત રાખવામાં આવેલી થોડી ચીજવસ્તુઓને બાદ કરતાં આ બંને વેરા એડિશનલ કસ્ટમ્સ ડ્યુટી, સ્પેશ્યલ એડિશનલ ડ્યુટી ઓફ કસ્ટમ્સ અને અનેક સેસ અને સરચાર્જ સાથે દૂર થશે. ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ સામેલ ચીજવસ્તુઓ માટે આંતર-રાજ્ય વેચાણ પર કેન્દ્રિય વેચાણ વેરો દૂર થશે. રાજ્યનાં સ્તરે જોઈએ તો આ પ્રકારનાં ફેરફાર ઓછા નથી. જીએસટીમાં સમાઈ જનાર મુખ્ય કરવેરાઓમાં મૂલ્ય સંવર્ધન કરવેરો (વેટ) કે વેચાણ વેરો, એન્ટ્રી ટેક્સ, જાહેરાતો પર કરવેરા અને લક્ઝરી ટેક્સ, પ્રાદેશિક સ્તરનો મનોરંજન વેરો તથા અનેક સેસ અને સરચાર્જ સામેલ છે.

મિત્રો:

  1. જીએસટી આપણી નિકાસને પણ વધારે સ્પર્ધાત્મક બનાવશે તથા આયાત સાથે સ્પર્ધા કરવા સ્થાનિક ઉદ્યોગને સમાન તક પણ પ્રદાન કરશે. અત્યારે બહુસ્તરીય અસરને કારણે આપણી નિકાસ પર હજુ પણ કેટલાંક કરવેરા લાગે છે, જેનાં પગલે તે ઓછી સ્પર્ધાત્મક છે. તે જ રીતે બહુસ્તરીય કરવેરાની ગુપ્ત અસર થવાથી સ્થાનિક ઉદ્યોગ પર કુલ કરવેરાની વ્યવસ્થાને અપારદર્શક બનાવે છે. જીએસટી હેઠળ કરવેરાની વ્યવસ્થા પારદર્શક બનશે, નિકાસ પર કરવેરાનું ભારણ ઘટશે અને આયાત પર સ્થાનિક કરવેરા લાગશે.

મિત્રો:

  1. મેં જણાવ્યું છે કે જીએસટીનું સંચાલન આધુનિક વૈશ્વિક-કક્ષાની ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી) સિસ્ટમ મારફતે થશે. મને યાદ છે કે જુલાઈ, 2010માં મેં શ્રી નંદન નિલેકાનીની અધ્યક્ષતામાં જીએસટી વ્યવસ્થા માટે જરૂરી આઇટી સિસ્ટમ વિકસાવવા સક્ષમ જૂથની રચના કરી હતી. ત્યારબાદ એપ્રિલ, 2012માં સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ જીએસટીએન (જીએસટી નેટવર્ક)ની રચનાને સરકારે મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ જીએસટીનો અમલીકરણ કરવાનો હતો. તેની પાછળનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે આપણે સમય ગુમાવવો ન પડે અને જ્યારે બંધારણીય કાર્યમાળખું બની જાય, ત્યારે ટેકનોલોજીકલ માળખું જીએસટીને આગળ વધારવા સક્ષમ હોવું જોઈએ. મેં જણાવ્યું છે કે સિસ્ટમની મુખ્ય ખાસિયત એ છે કે જ્યારે વિક્રેતા સરકારને કરવેરાની ચુકવણી કરશે, ત્યારે જ ઇનપુટ પર થયેલી ચુકવણી માટે ખરીદદારને ક્રેડિટ મળશે. આ વ્યવસ્થા પ્રામાણિક અને કરવેરો અદા કરતાં વિક્રેતાઓ સાથે વ્યવહાર કરવા ગ્રાહકો માટે મોટું પ્રોત્સાહન બનશે.

મિત્રો:

  1. જીએસટી ઐતિહાસિક ફેરફાર છે. તે વેટનાં અમલ સાથે સમાનતા ધરાવે છે. વેટને પણ શરૂઆતમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ પ્રકારની વ્યાપક અસર ધરાવતું પરિવર્તન આકાર લે છે, ભલે હકારાત્મક હોય, ત્યારે પ્રાથમિક તબક્કામાં કેટલીક મુશ્કેલીઓ અને સમસ્યાઓ ઊભી થાય એ સ્વાભાવિક છે. આ સમસ્યાઓ અર્થતંત્રનાં વિકાસની ગતિને અસર ન કરે એ સુનિશ્ચિત કરવા આપણે તેને ઝડપથી સમજીને તેનું સમાધાન કરવું પડશે. આ પ્રકારનાં મુખ્ય પરિવર્તનની સફળતા હંમેશા તેમનાં અસરકારક અમલીકરણ પર નિર્ભર હોય છે. આગામી મહિનાઓમાં વાસ્તવિક અમલીકરણને આધારે જીએસટી પરિષદ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અત્યાર સુધી દર્શાવેલા સમાન રચનાત્મક જુસ્સા સાથે ડિઝાઇનની સતત સમીક્ષા કરવી પડશે અને તેમાં સુધારાવધારા કરવા પડશે.
     
  2. અંતે, હું એ લોકો માટે અત્યંત પ્રશંસા વ્યક્ત કરું છું, જેમણે આ અનન્ય કાયદો બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે.

જય હિંદ!

****

J.Khunt



(Release ID: 1494272) Visitor Counter : 73


Read this release in: English