સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

“સૌનો સાથ, સૌનો વિકાસ” એ ભ્રષ્ટાચાર વગરના વિકાસની વાત : રવિશંકર પ્રસાદ

હિંમતનગરમાં “સૌનો સાથ, સૌનો વિકાસ” સંમેલન યોજાયું

Posted On: 08 JUN 2017 5:24PM by PIB Ahmedabad

હિંમતનગર, 08-06-2017

            સરકારનાં ત્રણ વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત “સૌનો સાથ, સૌનો વિકાસ” કાર્યક્રમ હિંમતનગર ખાતે યોજાયો હતો. જેમાં કેન્દ્રીય માહિતી અને ઇલેક્ટ્રોનિકસ તથા સૂચના પ્રૌદ્યોગિકી તેમજ કાયદો અને ન્યાય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે સંબોધન કરતા શ્રી રવિશંકર પ્રસાદે દેશના ગરીબો, દલિતો અને ખેડૂતો માટે સંપૂર્ણપણે સમર્પિત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની વાળી ભારત સરકારના ત્રણ વર્ષની ઉપલબ્ધિ વર્ણવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશ જાગે છે, જરૂર છે તેને જગાડવાની. મોદીજીના આહ્વાન પર દેશના એક કરોડ લોકોએ ગેસની સબસીડી છોડી છે. પરિણામે 2 કરોડથી વધુ ગરીબોને ગેસના ચૂલા મળ્યા છે. “સૌનો સાથ, સૌનો વિકાસ” એ ભ્રષ્ટાચાર વગરના વિકાસની વાત છે. અમારી સરકારના ત્રણ વર્ષ થયા પરંતુ ભ્રષ્ટાચારનો એક દાગ અમારા પર નથી. અમારી સરકારમાં લોકો માટે ફાળવેલા 100 રૂપિયા પૂરેપુરા તેમના સુધી પહોંચે છે.

 

        કેન્દ્ર સરકારની અપ્રિતમ વિકાસની રૂપરેખા આપતા કેન્દ્રીય કાયદા અને સંચાર મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, કેન્દ્રની સરકારે ભ્રષ્ટાચાર, કાળુનાણું અને આતંકવાદને નાથવા કટીબધ્ધ બની પગલા ભર્યા છે એટલુ જ નહિ પરંતુ નોટબંધી જેવો કડક નિર્ણય પણ પ્રજાહિતમાં લીધો છે. તેમણે જણાવ્યું કે, દેશના આમ નાગરીક સાથે જોડાયેલી પ્રવર્તમાન સરકાર પર ભ્રષ્ટાચારનો એકપણ આરોપ નથી તે જ પુરવાર કરે છે કે અમારી સરકાર સાચી દિશામાં કામ કરી રહી છે.

સરકારના ડિજીટલ ઈન્ડિયા કાર્યક્રમ અંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પહેલા અંગૂઠો અભણની નિશાની હતી. પરંતુ મોદી સરકારમાં અંગૂઠાથી ભીમ – આધાર દ્વારા પૈસા ટ્રાન્સફર થાય છે. એ વિકાસની ઓળખ છે. ડિજીટલથી જમીન સાથે જોડાઈ રહેવાવાળી આ સરકાર છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ અને હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

AP/IJ/GP                     



(Release ID: 1492265) Visitor Counter : 178