PIB Headquarters
‘સાથ છે, વિશ્વાસ છે... થઇ રહ્યો વિકાસ છે’ પ્રદર્શનને ખુલ્લુ મુકતા કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પરશોત્તમ રૂપાલા
ડીએવીપી દ્વારા આયોજીત પ્રદર્શન રવિશંકર રાવળ આર્ટ ગેલરીમાં તા. 08થી 12 જૂન સુધી આમ જનતા માટે ખુલ્લુ રહેશે
Posted On:
08 JUN 2017 5:16PM by PIB Ahmedabad
અમદાવાદ, 08-06-2017
ભારત સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષમાં જન કલ્યાણ માટે મુકવામાં આવેલી નીતિઓ અને યોજનાઓ તથા ભવિષ્યની આકાંક્ષાઓને સાકાર કરવા કરેલા પ્રયાસોની ઝાંખી કરાવતુ પ્રદર્શન ‘સાથ છે, વિશ્વાસ છે... થઇ રહ્યો વિકાસ છે’ ને કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ રાજ્ય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલાના હસ્તે આમ જનતા માટે આજે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગતની ડીએવીપીની ક્ષેત્રિય પ્રદર્શન કચેરી અમદાવાદ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળ દરિમયાન પ્રજા કલ્યાણકારી યોજનાઓને ચિત્રના માધ્યમથી પ્રદર્શિત કરતું પ્રદર્શન અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલા રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં યોજવામાં આવ્યું છે. આગામી 12મી જૂન સુધી ચાલનારા આ પ્રદર્શનની આજે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીશ્રી રૂપાલાએ સાંસદશ્રી ડો. કિરીટભાઈ સોલંકી, ધારાસભ્યશ્રી રાકેશભાઈ શાહ અને મહાનુભાવોની સાથે મુલાકાત લીધી હતી. સાથે આમ પ્રજા વધુમાં તેનો લાભ લે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ તકે મંત્રીશ્રીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ દેશની શાસનધુરા સંભાળતા જ છેવાડાના માનવી અને ગરીબોની પીડાને દૂર કરવા પ્રયાસો શરૂ કર્યા છે. જનધન યોજના, ફસલ વીમા યોજના, ડીબીટી, ઉજ્જવલા જેવી અનેક યોજનાઓ શરૂ કરી છે, સાથે જ દેશની સુરક્ષા અને કાળા નાણાંના દૂષણને ડામવા માટે નોટ બંધી, સર્જિકલ સ્ટ્રાઇક જેવા પગલા લેવામાં પણ પાછી પાની કરી નથી.
ખેડૂતોના આંદોલન અંગેના સવાલોનો જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, સરકાર સમગ્ર ઘટના પર નજર રાખી રહી છે. ખેડૂતોનો હિત એજ સરકારની પ્રાથમિકતા છે જે માટે સરકારે અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ આપ્યા છે. તેમણે ખેડૂતોને હિંસાનો માર્ગ છોડી અહિંસા અને શાંતિ સાથે પોતાની રજૂઆતો સરકાર સમક્ષ મુકવાની વાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીએવીપી દ્વારા સમગ્ર દેશમાં ‘સાથ છે, વિશ્વાસ છે... થઇ રહ્યો વિકાસ છે’ ટાઇટલથી સરકારની સિધ્ધિઓ જનજન સુધી પહોંચાડવાનું બિડુ ઝડપ્યું છે. અમદાવાદમાં આ પ્રદર્શન પાંચ દિવસ આમ જનતા માટે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
આ પ્રસંગે સાંસદ ડો. કિરીટ સોલંકી, ધારાસભ્યશ્રી રાકેશ શાહ, પીઆઈબીના એડીજી શ્રી શ્યામા પ્રસાદ, ઉપ નિદેશક શ્રી અશોક પાઠક, પ્રકાશન વિભાગના સહાયક નિયામક શ્રી અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર વિભાગના વડા શ્રી યોગેશ પંડ્યા સહિત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
AP/J.Khunt/GP
(Release ID: 1492262)
Visitor Counter : 244