પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આસામમાં ભારતનાં સૌથી લાંબા પુલનું ઉદ્ઘાટન કર્યું, ધોલામાં જનસભાને સંબોધન કર્યું
Posted On:
26 MAY 2017 5:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામમાં બ્રહ્મપુત્રા નદી પર ભારતનાં સૌથી લાંબા 9.15 કિલોમીટરની લંબાઈ ધરાવતા ધોલા-સાદિયા પુલનું ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રી તરીકે શપથ લીધાની ત્રીજી વર્ષગાંઠ પર તેમનો આ પ્રથમ કાર્યક્રમ હતો.
આ પુલ આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે જોડાણ વધારશે અને પ્રવાસના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે.
પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન તકતીનું લોકાર્પણ કર્યા પછી થોડી મિનિટો માટે પુલ પર ચાલીને તેના પરથી આસપાસ નજર દોડાવી હતી.
ત્યારબાદ ધોલામાં એક જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પુલનાં ઉદ્ઘાટનથી આ વિસ્તારમાં લોકોની લાંબા ગાળાની આતુરતાનો અંત આવ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિકાસ માટે માળખાગત સુવિધા અતિ મહત્ત્વપૂર્ણ છે તથા કેન્દ્ર સરકારનો પ્રયાસ લોકોનાં સ્વપ્નો સાકાર કરવાનો અને ઇચ્છા પૂર્ણ કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, આ પુલ આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે જોડાણ વધારશે તથા મોટા પાયે આર્થિક વિકાસ માટેનાં દ્વાર ખોલશે.
તેમણે જણાવ્યું હતું કે, દેશનો પૂર્વ અને ઉત્તરપૂર્વ વિસ્તાર આર્થિક વિકાસ માટે પ્રચૂર સંભવિતતા ધરાવે છે તથા આ પુલ આ સંબંધે કેન્દ્ર સરકારનાં વિઝનનું ફક્ત એક પાસું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પુલ સામાન્ય નાગરિકોનાં જીવનમાં હકારાત્મક ફેરફાર લાવશે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જળમાર્ગોનાં વિકાસ પર પણ ભાર મૂકી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તર-પૂર્વ અને દેશનાં અન્ય વિસ્તારો વચ્ચે જોડાણ વધારવું કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે તથા આ સંબંધમાં કામગીરી ઝડપથી ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, ઉત્તર-પૂર્વમાં જોડાણની સુવિધા આ વિસ્તારને દક્ષિણ-પૂર્વ એશિયાનાં અર્થતંત્ર સાથે પણ જોડશે.
પ્રધાનમંત્રીએ ઉત્તર-પૂર્વમાં પ્રવાસનની પ્રચૂર સંભવિતતા વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ધોલા-સાદિયા પુલને મહાન સંગીતકાર, શબ્દકાર અને કવિ ભૂપેન હઝારિકાનું નામ આપવાનો નિર્ણય લીધો છે.
(Release ID: 1490913)
Visitor Counter : 101