માનવ સંસાધન વિકાસ મંત્રાલય
આગામી 5 વર્ષમાં આફ્રિકાના વિદ્યાર્થીઓ માટે શિષ્યાવૃત્તિની સંખ્યા વધારીને 50,000 કરવામાં આવશેઃ શ્રી જાવડેકર
Posted On:
25 MAY 2017 5:15PM by PIB Ahmedabad
ગાંધીનગર, 25-05-2017
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે આફ્રિકાના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની સંખ્યા આગામી 5 વર્ષમાં 24,000થી વધારીને 50,000 થશે. શ્રી જાવડેકરે આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ‘આફ્રિકા-ઇન્ડિયા કોઓપરેશન ઓન સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન – ફોકસ ઓન પીપલ-ટૂ-પીપલ એક્સચેન્જ’ પર સેશનને સંબોધન કર્યું હતું.
આફ્રિકા-ઇન્ડિયા સહકાર પર બોલતા શ્રી જાવડેકરે કહ્યું હતું કે, ભારત વિવિધ ક્ષેત્રોમાં આફ્રિકાના દેશો સાથે ભાગીદારીને વધારે મજબૂત કરી રહ્યો છે અને કૌશલ્ય વિકાસમાં પણ સંબંધો મજબૂત થશે. ભારત અને આફ્રિકા સમાન વસતીજન્ય ખાસિયતો ધરાવે છે અને મોટી સંખ્યામાં યુવાનો ધરાવે છે. જો આપણે તેમને કૌશલ્ય અને રોજગારી પ્રદાન કરીએ તો તે આપણો વસતી વિષયક લાભ બનશે. ભારત અને આફ્રિકાએ એકબીજાની સફળતા અને ભૂલોમાંથી શીખવું જોઈએ.
જાવડેકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત શિક્ષણમાં ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, તેમનું મંત્રાલય ભારતમાં વધુને વધુ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા વિવિધ વિકલ્પો વિચારે છે, કારણ કે વૈવિધ્યપૂર્ણ શિક્ષણ વિવિધ પાસા ખીલવે છે.
મંત્રીએ નેશનલ ડિજિટલ લાઇબ્રેરી વિશે પણ ઉપસ્થિતિ લોકોને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 6.5 મિલિયન પુસ્તકો અને સામાયિકોને આ લાઇબ્રેરીમાં અપલોડ કરવામાં આવ્યા છે. આ પ્રકારની પહેલ ભારત અને આફ્રિકા વચ્ચેની ભાગીદારીને મજબૂત કરશે તથા આ પ્રકારની ભાગીદારી વાસ્તવિક અને કાયમી હોય છે.
રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી સંતોષકુમાર ગંગવારે પણ વસતીનો લાભ લેવા તથા દુનિયા માટે માનવ સંસાધનની રાજધાની તરીકે ભારત અને આફ્રિકાની સંભવિતતા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે લાઇબિરિયા સરકારના ઇકોનોમિક મેનેજમેન્ટના ડેપ્યુટી મિનિસ્ટર ઓલ્વિન ઇ અટ્ટા, પ્રજાસત્તાક ઇજિપ્તના ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ટરનેશનલ કોઓપરેશન મંત્રાલયના મંત્રીના પ્રથમ સલાહકાર મોએતાઝ યાકેન, વાપ્કોસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર કે ગુપ્તા, સીઆઇઆઇ વેસ્ટર્ન રિજનના ચેરમેન નિનાદ કાર્પે અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.
KSP/ J.Khunt/GP
(Release ID: 1490812)
Visitor Counter : 105