પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહત્વના માળખાકીય ક્ષેત્રોની કામગીરીની સમીક્ષા કરી

Posted On: 09 MAY 2017 12:39PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 09-05-2017

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સોમવારે માળખાગત સુવિધાઓના કેટલાક મહત્વના ક્ષેત્રોની કામગીરીની સમીક્ષા કરી હતી. આ ક્ષેત્રોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ઊર્જા,  રિન્યુએબલ એનર્જી, અને આવાસ ક્ષેત્રનો સમાવેશ કરાયો હતો. એપ્રિલના છેલ્લા સપ્તાહમાં કનેકટિવિટી સાથે સંકળાયેલા માળખાગત સુવિધાઓના ક્ષેત્રો અંગે કરાયેલી સમીક્ષા પછી હાથ ધરાયેલી આ સમીક્ષા અંદાજે ત્રણ કલાક સુધી ચાલી હતી અને તેમાં પ્રધાનમંત્રી શ્રીની કચેરી, નીતિ આયોગ, અને માળખાગત સુવિધાઓ સાથે સંબંધ ધરાવતા તમામ મંત્રાલયોના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.

નીતિ આયોગના સીઈઓ દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન પછી એવી નોંધ લેવામાં આવી હતી કે રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન, પોસાય તેવા તેમજ ગ્રામ્ય આવાસો તથા એલઈડી બલ્બ વગેરે  સહિતના કેટલાક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ગરીબી રેખા નીચેના 1.98 કરોડ પરિવારોને એનો લાભ મળ્યો છે. પ્રાયમરી એનર્જી મિક્સમાં ગેસના મિશ્રણનું પ્રમાણ વધીને 8 ટકા થયું છે. સીટી ગેસ વિતરણ નેટવર્ક હેઠળ 81 શહેરને આવરી લેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ ઈથેનોલના બ્લેન્ડીંગ ઉપર વધુ ભાર મૂકવા અનુરોધ કર્યો  હતો અને જણાવ્યું હતું કે આ પ્રક્રિયાનો મહત્તમ લાભ ખેડૂતોને મળવો જોઈએ. તેમણે કહ્યું કે ખેતીનો પાક લેતા વધેલા કચરાનો ખેતીમાં વધુ ઉપયોગ થઈ શકે તે માટે સેકન્ડ જનરેશન બાયો-ઈથેનોલ રિફાઈનરીઝ સ્થાપવાની પ્રક્રિયાને વેગ આપવો જોઈએ.

ગ્રામ વીજળીકરણ પ્રોગ્રામ ઝડપ ભેર આગળ વધી રહયો છે અને કુલ 18452 ગામડામાંથી 13,000 ગામોનું વીજળીકરણ કરવામાં આવ્યું છે અને લક્ષિત 1,000 દિવસની વર્ષ 2015  સમય મર્યાદામાં આ કામ પૂરૂ કરવામાં આવશે. ગામડામાં વસતા બીપીએલ પરિવારોમાંથી વર્ષ 2016-17 દરમિયાન 22 લાખથી વધુ આવાસોમાં વીજળીકરણ કરવામાં આવ્યું છે. મે 14થી એપ્રિલ 2017 સુધીમાં  વિવિધ પ્રદેશો વચ્ચે 41 ગીગાવોટ જેટલી ટ્રાન્સમિશન ક્ષમતાનો ઉમેરો કરીને નોંધપાત્ર સુધારો હાંસલ થયો છે, જે 24.5 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2016-17માં સૌર ઊર્જામાં ક્ષમતાનો જે ઉમેરો થયો છે તે અત્યાર સુધીમાં સૌથી વધુ 81 ટકા જેટલો રહ્યો છે તથા સોલર અને વીન્ડ (પવન) એનર્જીના દર પણ હવે કીલો વોટ અવરદીઠ રૂ. 4થી પણ નીચા જઈને ગ્રીડની સાથે સરખાવી શકાય તેવા થયા છે. પ્રધાનમંત્રીએ જ્યાં વીજળીની સંપૂર્ણ જરૂરિયાત સૌર ઊર્જા વડે સંતોષવામાં આવતી હોય તેવા  કેટલાક મોડેલ  સોલર સીટીના નિર્માણ માટે અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક વિસ્તારોને કેરોસીનના વપરાશથી મુક્ત કરવા માટે આ પ્રકારની ઝૂંબેશ હાથ ધરવામાં આવે. 

પ્રધાનમંત્રીએ સોલર સાધનોના સ્થાનિક ઉત્પાદન ઉપર વિશેષ ભાર મૂક્યો હતો અને તેના દ્વારા રોજગાર નિર્માણને વેગ આપવા અને રિન્યુએબલ એનર્જીની ઝૂંબેશનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, ગ્રામ વિસ્તારોમાં નોંધપાત્ર પ્રગતિ સાધવામાં આવી છે. આ યોજનામાં હાંસલ થયેલી પ્રગતિનો તાગ મેળવવા આઈટી અને સ્પેસ આધારિત એપ્લિકેશન્સનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ગ્રામ વિસ્તારોમાં નાણાંકીય વર્ષ 2016 - 17 દરમિયાન 32 લાખ આવાસ બાંધકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ આ યોજના સાથે સંકળાયેલા ગ્રામ વિસ્તારોના કડીયાઓને જરૂરી તાલિમ અને કૌશલ્ય પૂરી પાડવા અંગે પણ પૂછપરછ કરી હતી.

વીજળીકરણ, આઈટી નેટવર્ક અને આવાસ યોજનાઓ જેવી વિવિધ યોજનાઓ અંગે સમગ્રલક્ષી અભિગમ અપનાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે હવે પછીની સમીક્ષામાં દરેક કિસ્સામાં અતિશય નબળા જણાતા હોય તેવા 100 ગામો ઉપર ધ્યાન  કેન્દ્રીત અભિગમ દાખવવાનો અનુરોધ કર્યો હતો.  તેમણે નિર્દેશ આપતા કહ્યું કે હવે પછી  ભવિષ્યમાં હાથ ધરાનારી સમીક્ષાઓમાં જિલ્લા સ્તરની સમસ્યાઓ હલ કરવા તરફ ધ્યાન અપાવું જોઈએ, જેથી નબળી કામગીરી ધરાવતા જિલ્લાઓનું બહેતર મોનિટરીંગ થઈ શકે.

 

AP/J.Khunt/GP                      



(Release ID: 1489540) Visitor Counter : 39


Read this release in: English