પ્રધાનમંત્રીનું કાર્યાલય

સાયપ્રસના પ્રમુખની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન

Posted On: 28 APR 2017 3:39PM by PIB Ahmedabad

 

નવી દિલ્હી, 28-04-2017

 

મહામહિમ, સાયપ્રસના પ્રમુખ,

પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ,

મીડિયાનાં મિત્રો,

 

મહામહિમ, તમને આવકારતા મને આનંદ થાય છે. ભારતની આ તમારી પ્રથમ સત્તાવાર મુલાકાત છે. હું જાણું છું કે, સાયપ્રસના દરેક પ્રમુખના હૃદયમાં ભારતનું સ્થાન વિશિષ્ટ છે. તેમાંથી લગભગ દરેક પ્રમુખએ ભારતની મુલાકાત લીધી છે. એટલે ભારતના આ પ્રકારના ગાઢ મિત્ર અને મજબૂત સમર્થક દેશના પ્રમુખને આવકારવા મારા માટે સન્માનની વાત છે. સાયપ્રસ અને ભારત પ્રાચીન સંસ્કૃતિઓનો સમૃદ્ધ વારસો ધરાવે છે તથા આપણી સંસ્કૃતિઓએ હજારો વર્ષોથી એકબીજાને પ્રભાવિત કર્યા છે. આધુનિક સમયમાં આપણા સંબંધો આઝાદી પૂર્વને યુગમાં લઈ જાય છે. એ સમયે અમારા પૂર્વજોએ સાયપ્રસની આઝાદીની લડતનું સમર્થન કર્યું હતું. અને સાયપ્રસે પણ બદલામાં હંમેશા ઉષ્માસભર અને મૈત્રીપૂર્ણ સંબંધો જાળવ્યા છે. સાયપ્રસના દરેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારતે હંમેશા સાથ આપ્યો છે. વર્ષ 1974માં ભારતે પ્રજાસત્તાક સાયપ્રસની સાર્વભૌમિકતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતાનું દ્રઢતાપૂર્વક સમર્થન કર્યું હતું. ભારતે સાયપ્રસમાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષક દળમાં સૈનિકો સ્વરૂપે પ્રદાન કર્યું છે. ભારતમાં ત્રણ ફોર્સ કમાન્ડર્સે સેવા આપી હતી અને આ તમામ સાયપ્રસને સારી રીતે યાદ કરે છે એ અમારા માટે આનંદની વાત છે.

 

મહામહિમ,

સાયપ્રસની સમસ્યાનું સમાધાન કરવા તમારી પહેલથી હું વાકેફ છું. તમે શાંતિ, વિકાસ અને સુરક્ષાનો નવો યુગ લાવવાના પ્રયાસમાં મોખરે રહ્યા છે. તમારી પહેલ સાયપ્રસ માટે જ નથી, પણ સંપૂર્ણ વિસ્તાર માટે છે. તમને તમારા પ્રયાસોમાં સંપૂર્ણ સફળતા મળે તેવી અમારી શુભેચ્છા. તમારા નેતૃત્વ હેઠળ સાયપ્રસ તાજેતરમાં નાણાકીય અને બેંન્કિંગ પડકારોમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યું છે. અને 2016માં યુરો ઝોનમાં સૌથી ઊંચો વૃદ્ધિદર ધરાવતા દેશમાં સામેલ થયો છે. મહામહિમ, અમે તમારા દેશને આ કટોકટીમાંથી બહાર કાઢવા માટે તથા તેને આર્થિક સમૃદ્ધિના માર્ગે અગ્રેસર કરવા તમારા વિઝન અને લીડરશિપની પ્રશંસા કરીએ છીએ.

 

મિત્રો,

આજે પ્રમુખ અને મેં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી. અમારી વાટાઘાટમાં દ્વિપક્ષીય સંબંધો સાથે સંબંધિત તમામ મુદ્દાઓ સામેલ હતા. અમે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અને પારસ્પરિક હિતના પ્રાદેશિક મુદ્દાઓ પર એકબીજાના અભિપ્રાયોનું આદાનપ્રદાન પણ કર્યું હતું. સાયપ્રસ અને ભારત ગાઢ આર્થિક સંબંધો ધરાવે છે. સાયપ્રસ ભારતમાં આઠમો સૌથી મોટો રોકાણકાર દેશ છે. ગયા વર્ષે આપણી મૂડી અને રોકાણના સંબંધોને પ્રોત્સાહન આપવા અમે ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટમાં સુધારા-વધારા કર્યા હતા. પ્રમુખ અને હું સંમત થયા હતા કે સાયપ્રસના ઉદ્યોગસાહસિકો માટે ભારત રોકાણની ઉત્કૃષ્ટ તકો ઓફર કરે છે. આપણા બંને અર્થતંત્રોમાં ઉદ્યોગ અને બિઝનેસ મારી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મહત્વાકાંક્ષી અભિયાનો મારફતે આકર્ષક ભાગીદારીઓ ઊભી કરી શકે છે. સુંદર સાયપ્રસ અને ઇન્ક્રેડિબલ ઇન્ડિયાની વિવિધ ક્ષિતિજો આપણા બંને દેશોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો સ્ત્રોત બની શકે છે.

 

મિત્રો,

ભારત અને સાયપ્રસ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના વહેલાસર સુધારા કરવાનો સામાન્ય ઉદ્દેશ ધરાવે છે. આપણા બંને દેશોનું માનવું છે કે સંશોધિત સુરક્ષા પરિષદ વર્તમાન દુનિયાનું પ્રતિબિંબ બનશે, નહીં કે અગાઉની અત્યારે પ્રસ્તુત ન હોય તેવી દુનિયાનું. આ સંશોધિત સુરક્ષા પરિષદ હાલના વિશ્વની વિવિધ જટિલ સમસ્યાઓનું સમાધાન કરે એ જરૂરી છે. મહામહિમ, આ સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના વિસ્તરણમાં કાયમી બેઠક માટે ભારતના દાવાને તમારા સમર્થનની હું કદર કરું છું. મેં અને પ્રમુખે આંતર-સરકારી સંસ્થાઓ અને વ્યવસ્થાઓમાં આપણી ભાગીદારીને મજબૂત કરવાના વિવિધ વિકલ્પો પર ચર્ચાવિચારણા કરી હતી.

 

 

મિત્રો,

પોતાના સ્થાનને ધ્યાનમાં લઈને સાયપ્રસ આતંકવાદને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે જોખમરૂપ માને છે. ભારત દાયકાઓથી સરહદ પારના આતંકવાદ સામે લડી રહ્યો છે. અમે સંમત થયા હતા કે આપણા વિસ્તારોમાં હિંસા ફેલાવતા આતંકવાદીઓ અને આતંકવાદીઓ પેદા કરતા, તેમને સાથસહકાર આપતા, તેમને છત્રછાયા પૂરું પાડતા દેશો સામે તમામ દેશોએ નિર્ણાયક કામગીરી કરવાની તાતી જરૂર છે. પ્રમુખ અને મેં વિસ્તૃત વૈશ્વિક કાયદેસર માળખું ઊભું કરવાની ચર્ચા કરી હતી, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વિસ્તૃત સંમલનના નિષ્કર્ષ મારફતે.

 

મહામહિમ,

તમારી સાથે હું આપણા દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે આજે આપણી વચ્ચે થયેલી ચર્ચાવિચારણા અને આપણે લીધેલા નિર્ણયો આપણી ભાગીદારીને નવી દિશા આપશે અને આપણા સંબંધોને વધારે ગાઢ બનાવશે. હું ભારતમાં તમને ફરી આવકારું છું તથા તમારી મુલાકાત ફળદાયક અને પરિણામદાયક નીવડે તેવી શુભેચ્છા પાઠવું છું.

 

આપનો આભાર.

આપનો ખૂબ આભાર.

 

AP/J.Khunt                   



(Release ID: 1488849) Visitor Counter : 36


Read this release in: English