પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહત્વના માળખાગત ક્ષેત્રોની કામગીરીની સમીક્ષા કરી

Posted On: 26 APR 2017 12:51PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 26-04-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રોડ, રેલવે, એરપોર્ટ, પોર્ટ, ડિજિટલ અને કોલસા સહિત મહત્વના માળખાગત ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરી હતી. આશરે સાડા ચાર કલાક ચાલેલી સમીક્ષા બેઠકમાં પીએમઓ, નીતિ આયોગ અને ભારત સરકારના તમામ માળખાગત મંત્રાલયોના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીતિ આયોગના સીઇઓએ પ્રસ્તુત કરેલા પ્રેઝન્ટેશનમાં કેટલાક ક્ષેત્રો અને માળખાગત ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાની જાણકારી મળી હતી. રોડ અને રેલવે ક્ષેત્રમાં પ્રગતિની વિસ્તૃત સમીક્ષામાં પ્રધાનમંત્રીએ વર્તમાન પ્રોજેક્ટના સંગઠિત અભિગમની અપીલ કરી હતી તથા નિયત સમયમર્યાદાની અંદર પૂર્ણ કરવા માટે કામ કરવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ સરેરાશ દૈનિક નિર્માણ દર 130 કિમી છે, જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ માર્ગોના નિર્માણ માટે હાંસલ થયો છે. તેના પગલે 2016-17માં પીએમજીએસવાય અંતર્ગત વધુ 47,400 કિમી લંબાઈ ધરાવતા માર્ગોનું નિર્માણ થયું છે. આ જ ગાળામાં વધુ 11,641 ઘરોને માર્ગો સાથે જોડવામાં આવ્યા છે.

નાણાંકીય વર્ષ 2016-17માં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 4000 કિમીથી વધારે ગ્રામીણ માર્ગોનું નિર્માણ થયું છે. વેસ્ટ પ્લાસ્ટિક, કોલ્ડ મિક્સ, જીઓ-ટેક્સટાઇલ્સ, ફ્લાય એશ, આયર્ન અને કોપર સ્લેગ જેવી બિનપરંપરાગત સામગ્રીનો ઉપયોગ વધારવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ ગ્રામીણ માર્ગોના નિર્માણ અને તેની ગુણવત્તા પર અસરકારક અને કડક નજર રાખવાની સૂચના આપી હતી. આ માટે તેમણે અત્યારે ઉપયોગ થતી ટેકનોલોજી ઉપરાંત મેરી સડક એપ જેવી સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે આવશ્યક જોડાણોનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા અપીલ કરી હતી, જે શક્ય તેટલી વહેલી તકે માર્ગોથી વિખૂટી વસાહતોને મુખ્ય માર્ગો સાથે જોડશે.

પ્રધાનમંત્રીએ માર્ગ નિર્માણમાં પણ નવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. તેમણે નીતિ આયોગને માળખાનું સર્જન કરવા અને ભારતમાં તેની વ્યવહારિકતા વધારવા માટે ટેકનોલોજીના ઉપયોગમાં વૈશ્વિક ધારાધોરણો ચકાસવા જણાવ્યું હતું.

નાણાંકીય વર્ષ 2016-17માં હાઇવે સેક્ટરમાં 26,000 કિમી લંબાઈ ધરાવતા 4 કે 6 લેન નેશનલ હાઇવેઝનું નિર્માણ થયું હતું અને તેની ઝડપમાં વધારો થઈ રહ્યો છે.

 

નાણાકીય વર્ષ 2016-17માં રેલવે ક્ષેત્રમાં 953 કિમી લંબાઈ ધરાવતી નવી લાઇન પાથરવામાં આવી હતી, જ્યારે 400 કિમીનો લક્ષ્યાંક હતો. આ જ ગાળામાં 2000 કિમીના ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન અને 1000 કિમીનું ગેજ રૂપાંતર કરવામાં આવ્યું હતું. 2016-17માં 1500થી વધારે માનવરહિત લેવલ ક્રોસિંગ દૂર કરવામાં આવ્યા છે. ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે 115 રેલવે સ્ટેશનમાં વાઇ-ફાઇ સુવિધા સ્થાપિત કરવામાં આવી છે અને 34,000 બાયો-ટોઇલેટ્સ ઉમેરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ રેલવે સ્ટેશનોના પુર્નવિકાસ સાથે સંબંધિત કામગીરીની ઝડપ વધારવા અને ભાડા સિવાયની આવકમાં વધારે નવીન અભિગમ અપનાવવા જણાવ્યું હતું.

રોડ અને રેલવે ક્ષેત્રોમાં ઇસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસવે, ચાર ધામ પ્રોજેક્ટ, ક્વાઝિગુંદ-બનિહાલ ટનલ, ચેનાબ રેલવે બ્રીજ અને જિરિબામ-ઇમ્ફાલ પ્રોજેક્ટ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની પ્રગતિની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રાદેશિક જોડાણ યોજના 43 સ્થળોને જોડશે, જેમાં 31 સેવાથી વંચિત સ્થળો સામેલ છે. ઉડ્ડયન ક્ષેત્રમાં પેસેન્જર ક્ષમતા દર વર્ષે 282 મિલિયન પેસેન્જરની થઈ છે.

પોર્ટ સેક્ટરમાં સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત 415 પ્રોજેક્ટની ઓળખ કરવામાં આવી છે, જે રૂ 8 લાખ કરોડનું રોકાણ ધરાવે છે અને 1.37 લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવતા પ્રોજેક્ટ્સની કામગીરી ચાલુ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ એક્ઝિમ કાર્ગો માટે જહાજો ક્લીઅરન્સ અને જહાજોના ટર્નએરાઉન્ડ ટાઇમ માટે શ્રેષ્ઠ પરિણામો લાવવા પર ભાર મૂક્યો હતો. 2016-17માં મુખ્ય પોર્ટ્સમાં 1004 એમટીપીએની અત્યાર સુધીની સૌથી વધારે ક્ષમતા ઉમેરવામાં આવી હતી. તમામ 193 દિવાદાંડીઓ હવે સૌર ઊર્જાથી પ્રકાશિત થાય છે. તમામ મુખ્ય બંદરો પર જમીનના રેકોર્ડનું ડિજિટાઇઝેશન પૂર્ણ થઈ ગયું છે.

ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 2016-17માં નક્સલગ્રસ્ત જિલ્લાઓમાં 2187 મોબાઇલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા હતા. નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે આગામી થોડા મહિનાઓની અંદર હજારો ગ્રામ પંચાયતોને જોડનાર વિકાસશીલ ડિજિટલ કનેક્ટિવિટી નેટવર્કને સરકારના ઉચિત પગલાંનું સમર્થન મળવું જોઈએ, જેથી તે જીવનની વધારે સારી ગુણવત્તા તરફ દોરી શકે અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોનું સશક્તીકરણ થઈ શકે.

કોલસાના ક્ષેત્રમાં કોલસાની લિન્કેજીસ અને અવરજવરનું રેશનલાઇઝેશન (તાર્કિકીકરણ) કરવાથી 2016-17માં રૂ. 2500 કરોડની બચત થઈ છે. ગયા વર્ષમાં કોલસાની આયાતમાં ઘટાડાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કોલસાની આયાત ઘટાડવા વધારે પ્રયાસો કરવા અને ગેસિફિકેશન ટેકનોલોજી સહિત નવી કોલસા ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

AP/J.Khunt/GP               


(Release ID: 1488656) Visitor Counter : 70
Read this release in: English