મંત્રીમંડળ

વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગ માટે વોટર વેરીફાયબલ પેપર ઓડિટ ટ્રેઈલ યુનિટ ખરીદવા કેબિનેટની મંજૂરી

Posted On: 19 APR 2017 3:14PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 19-04-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી ભારત સરકારની કેબિનેટે વોટર વેરીફાયબલ પેપર ઓડિટ ટ્રેઈલ યુનિટ (VVPAT) ખરીદવા મંજૂરી આપી છે, જેમાઃ

(અ)  16,15,000 વોટર વેરીફાયબલ પેપર ઓડિટ ટ્રેઈલ યુનિટ (VVPAT) અંદાજે રૂ.19,650નું એક એમ રૂ.3,173.47 કરોડના કુલ અંદાજીત ખર્ચે (લાગુ પડતા કરવેરા અને નૂર સિવાય)  વર્ષ 2017-18 અને વર્ષ 2018-19 દરમિયાન મેસર્સ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ,  બેંગ્લોર અને મેસર્સ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ,  હૈદ્રાબાદ પાસેથી ખરીદવા મંજૂરી આપી છે.

(બ)    પ્રાઈસ નેગોશીએટીંગ કમિટીને મેસર્સ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને મેસર્સ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ સાથે વાટાઘાટો કરીને યુનિટની ઝડપથી આખરી તાર્કિક કિંમત નક્કી કરવા માટે જણાવવામાં આવ્યું છે.

(ક)     ચાલુ નાણાંકીય વર્ષમાં પૂરક માગો/ સુધારેલા અંદાજ દ્વારા EVMs (કન્ટોરલ યુનિટ અને બેલેટ યુનિટ)ની ખરીદી માટે ઊભી થનારી રોકડની જરૂરિયાતને પહોંચી વળવા માટે તથા VVPATની ખરીદી માટે વર્ષ 2017-18 દરમિયાન ચૂકવવાના થશે. ઉક્ત રકમના 40 ટકા ઉત્પાદકોને એડવાન્સ તરીકે અપાશે અને બાકીની રકમ 2018-19ના બજેટ એસ્ટીમેટ દ્વારા મેળવાશે તથા

(ડ)     ઈલેક્શન કમિશન બે ઉત્પાદન એકમોને તેમની ઉત્પાદન ક્ષમતાને આધારે ઓર્ડર મૂકશે, જેથી તમામ VVPAT યુનિટ સપ્ટેમ્બર 2018 પહેલાં મેળવી લેવાય.

સરકારના આ નિર્ણયથી ભારતનું ઈલેક્શન કમિશન વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીઓમાં તમામ ચૂંટણી બૂથમાં મૂકી શકશે, જેનાથી મતદારોને સંતોષ માટેનું એક વધારાનું પારદર્શક સ્તર પ્રાપ્ત થશે અને મતદારોના મગજમાં EVMsની ઈમાનદારી અને પ્રમાણિકતા અંગે ખાત્રી થશે. આ નિર્ણયથી માન. સુપ્રીમ કોર્ટે તા.8 ઓક્ટોબર 2013ના રોજ આપેલા હુકમનું પણ પાલન થશે.

પશ્ચાદ્દ ભૂમિકાઃ

રાજકીય પક્ષોએ વોટર વેરિફાયબલ પેપર ટ્રેઈલનું સૂચન પારદર્શકતાના વધુ એક સ્તર દર્શાવતા વિચાર તરીકે ભારતના ઈલેક્શન કમિશન સાથે તા.4 ઓક્ટોબર, 2010ના રોજ યોજાયેલી બેઠકમાં મતદારોના સંતોષ માટે કર્યું હતું.

આ મુજબ કંડક્ટ ઓફ ઈલેક્શન રૂલ્સ, 1961માં સુધારો કરીને VVPAT રજૂ કરવાની સુવિધા તા.14 ઓગષ્ટ, 2013ના જાહેરનામા દ્વારા ઊભી કરવામાં આવી હતી. ત્યાર બાદ 20,300 VVPAT યુનિટ ભારતના ચૂંટણી પંચે વર્ષ 2013માં ખરીદ્યા હતા. ત્યાર બાદ તે યુનિટ વિધાનસભા અને સંસદના પસંદગીના મતદાર વિસ્તારોમાં ચૂંટણીઓ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ 67,000 વધુ યુનિટનો ઓર્ડર 2015માં મૂકવામાં આવ્યો હતો, તેમાંથી ઉત્પાદકોએ 33,500 યુનિટ પૂરા પાડ્યા છે. ઉપર દર્શાવેલી સંખ્યાના VVPAT યુનિટ ખરીદવા માટે જરૂરી ભંડોળ જ્યારે પણ ચૂંટણી પંચ દ્વારા વિનંતી કરવામાં આવે ત્યારે સરકારે પૂરૂ પાડ્યું હતું.

VVPAT ડિવાઈસ પ્રિન્ટરની જેમ કામ કરે છે અને તે બેલેટ યુનિટ સાથે જોડાયેલું હોય છે અને વોટીંગ કમ્પાર્ટમેન્ટની અંદર મૂકવામાં આવે છે. જ્યારે મતદાર બેલેટ યુનિટ ઉપર તેની પસંદગીના ઉમેદવાર સામેનું બટન દબાવે છે ત્યારે VVPAT યુનિટ દ્વારા એક સ્લીપ તૈયાર થાય છે, જેને બેલેટ સ્લીપ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પસંદ કરાયેલા ઉમેદવારનું નામ, ક્રમ અને પ્રતિક દર્શાવેલું હોય છે. મતદાર સ્ક્રીન ઉપરની વિન્ડોમાં 7 સેકન્ડ સુધી આ સ્લીપ જોઈ શકે છે અને ત્યાર બાદ તે આપમેળે કપાઈ જાય છે અને સીલ કરાયેલા ડ્રોપબોક્સમાં પડે છે. આ પ્રક્રિયામાં સ્લીપ મતદારના હાથમાં આવતી નથી અને અન્ય લોકો તેને જોઈ પણ શકતા નથી.

ડો. સુબ્રમણ્યમ સ્વામીએ સિવિલ અપીલ નંબર 9903/2013 દ્વારા તમામ પુલીંગ બુથમાં VVPAT યુનિટસ મૂકવાની માગણી ચૂંટણી પંચ સમક્ષ કરી હતી. પ્રસ્તુત પિટીશનમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન ભરોસાપાત્ર નથી અને કોઈ એવી ડિવાઈસ હોવી જોઈએ કે જેના દ્વારા મતદારને ખાત્રી થાય કે તેણે નાંખેલો મત તેના પસંદગીના ઉમેદવારની તરફેણમાં નંખાઈ ગયો છે. આ સિવિલ એપ્લિકેશનમાં પિટીશનર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ માટે ચૂંટણી પંચને VVPAT યુનિટસ રજૂ કરવા સામે કોઈ વાંધો નથી. સુપ્રીમ કોર્ટે તા.8 ઓક્ટોબર, 2013ના રોજ આપેલા તેના હુકમમાં નિર્દેશ આપ્યો હતો કે VVPATની આ પ્રકારની પધ્ધતિના તબક્કાવાર અમલ માટે સરકાર જરૂરી સંખ્યામાં VVPAT યુનિટસ ખરીદવા માટે જરૂરી નાણાંકીય સહાય પૂરી પાડશે.

AP/J.Khunt/GP                                       



(Release ID: 1488221) Visitor Counter : 161


Read this release in: English