મંત્રીમંડળ

મહત્વના માળખાકીય સુવિધાના પ્રોજેકટના અમલીકરણ માટે દ્વિપક્ષી કરાર હેઠળની એજન્સી પાસેથી રાજ્ય સરકારની સંસ્થાઓને વિદેશી સહાય મેળવવા માટે કેબિનેટની મંજૂરી

Posted On: 19 APR 2017 3:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી  ભારત સરકારની કેબિનેટે માળખાકીય સુવિધાઓના મહત્વના પ્રોજેકટસ પૂર્ણ કરવા માટે નાણાંકીય દ્રષ્ટીએ સધ્ધર રાજ્ય સરકારની સંસ્થાઓને સીધી દ્વિપક્ષી ઓડીએ (ઓફિશિયલ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ) પાર્ટનર્સ પાસેથી નાણાંકીય સહાય મેળવવા માટેની નીતિ વિષયક માર્ગરેખાઓને મંજૂરી આપી છે. રાજ્ય સરકારની સંસ્થા, ધ મુંબઈ મેટ્રોપોલિટન રિજીયન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ને પણ જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેટિવ એજન્સી  (JICA)ને મુંબઈ ટ્રાન્સ હાર્બર લીંક (MTHL) પ્રોજેકટ પાસેથી ધિરાણ  લેવાની મંજૂરી આપવામાં આવી છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લીંક (MTHL)નો અંદાજીત ખર્ચ  રૂ. 17854 કરોડ થશે, જેમાંથી JICAના ધિરાણનો હિસ્સો રૂ. રૂ. 15109 કરોડ રહેવાની અપેક્ષા છે.

આ માર્ગરેખાઓથી રાજ્ય સરકારની સંસ્થાઓને  વિદેશી  દ્વિપક્ષી  ફન્ડિંગ એજન્સી પાસેથી, કેટલીક શરતોને આધીન સીધી નાણાકીય સહાય લેવાની સુવિધા પ્રાપ્ત થશે અને ધિરાણની તમામ પરત ચૂકવણી અને ભંડોળ આપનાર એજન્સીને ચૂકવવાનું થતું વ્યાજ નાણાં લેનાર જે તે સંસ્થાએ સીધું ચૂકવવાનું રહેશે. સબંધિત રાજય સરકાર આ ધિરાણ માટે ગેરંટી આપશે.  ભારત સરકાર આ ધિરાણ માટે કાઉન્ટર ગેરંટી આપશે.

વર્તમાન સમયમાં વિદેશી નાણાંકીય સહાય માળખાગત સુવિધાઓના મોટા પ્રોજેકટસ, સામાજિક ક્ષેત્રોના પ્રોજેકટસ અને સંસ્થાકીય ક્ષમતાના નિર્માણની  સહાયમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વૈશ્વિક આર્થિક માળખા હેઠળ રાજ્ય સરકારો દ્વારા સ્પર્ધાત્મક તાકાત હાંસલ કરવાના હેતુથી હાથ ધરાતા માળખાગત સુવિધાઓના મોટા પ્રોજેકટસની નાણાંકીય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ભંડોળ મેળવવામાં નડતી મોટી ઉણપ નિવારવામાં વિદેશી સહાયનું મહત્વ વધ્યું છે. વર્તમાન સમયમાં  દ્વિપક્ષી અને બહુપક્ષી સ્ત્રોતો પાસેથી ભારત સરકાર દ્વારા વિકાસલક્ષી વિદેશી સહાય મેળવવામાં આવે છે તેમાં (1) સેન્ટ્રલ સેકટરના પ્રોજેકટસ/પ્રોગ્રામ્સ માટે(2) કેન્દ્ર સરકારની જાહેર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા અમલમાં મૂકાતા પ્રોજેકટસ અને (3) રાજ્ય સરકારો વતી સ્ટેટ સેકટરના પ્રોજેકટસ/પ્રોગ્રામ્સ રાજ્ય સરકારો દ્વારા અમલમાં મૂકાતા  અને/અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ  અને જાહેર ક્ષેત્રના એકમો માટેની સહાયનો સમાવેશ થાય છે. વર્તમાન માર્ગરેખાઓમાં રાજ્ય સરકારની સંસ્થાઓને વિદેશી એજન્સીઓ પાસેથી સીધી સહાય મેળવવાની મંજૂરી નથી.

રાજ્ય સરકારની કેટલીક એજન્સીઓ  રાષ્ટ્રિય મહત્વ ધરાવતા મોટા પ્રોજેકટસ હાથ ધરી રહી છે. આ પ્રોજેકટસ અર્થક્ષમ અને આર્થિક દ્રષ્ટીએ સધ્ધર હોય તો પણ રાજ્ય સરકારોને આવા પ્રોજેકટસ  માટે જંગી ભંડોળ અને ધિરાણ મેળવવાની જરૂર ઊભી થાય છે ત્યારે તેમની ધિરાણ મેળવવાની સંબંધિત મર્યાદા પૂરી થઈ જાય છે. આથી દેશમાં મહત્વના માળખાગત સુવિધાના પ્રોજેકટસમાં મૂડીરોકાણની ગતિને વેગ આપવા માટે, અન્ય ક્ષેત્રોની નાણાંકીય જરૂરિયાત અંગે સમાધાન કરવું પડે નહીં તે રીતે દ્વિપક્ષી કરારની સંસ્થાઓ પાસેથી રાજ્ય સરકારની સંસ્થાઓ સીધું વિદેશી ધિરાણ મેળવી શકે તે હેતુથી  આ ધિરાણ પ્રાપ્ત કરવાની જોગવાઈઓમાં ફેરફાર કરવાનું જરૂરી જણાતુ હતું. આ સત્તા આપવાથી નાણાંકીય દ્રષ્ટીએ સધ્ધર રાજ્ય સરકારની સંસ્થાઓ માળખાગત સુવિધાના મહત્વના પ્રોજેકટસ માટે રાજ્યની તીજોરીને બોજો પડે નહીં તે રીતે સીધી આર્થિક સહાય મેળવી શકશે અને તેની ચૂકવણી કરી શકશે. આ માર્ગરેખાઓને મંજૂરી મળવાથી  સરકારના સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવાના અને અર્થતંત્રને મજબૂત કરવાના ધ્યેયનો પુનરૂચ્ચાર થયો છે.

 

AP/J.Khunt/TR/GP



(Release ID: 1488210) Visitor Counter : 190


Read this release in: English