પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીની ભારતની રાજકીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન

Posted On: 10 APR 2017 4:54PM by PIB Ahmedabad

મહામહિમ પ્રધાનમંત્રી માલ્કોમ ટર્નબુલ,

મીડિયાના પ્રતિનિધિઓ,

 

મહામહિમ,

તમે પહેલી વખત ભારતની મુલાકાતે આવ્યા છો અને તમારું સ્વાગત કરવાની મને ખુશી છે. હજુ ગયા મહિને ભારતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની રોમાંચક સીરિઝ પૂર્ણ થઈ હતી. વર્ષ 2014માં ઓસ્ટ્રેલિયાની સંસદમાં મેં મહાન ક્રિકેટરો બ્રેડમેન અને તેંડૂલકરની વાત કરી હતી. અત્યારે ભારતમાં વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયામાં સ્ટીવન સ્મિથ યુવાન ક્રિકેટરોનું નેતૃત્વ કરી રહ્યા છે. મને આશા છે કે ભારતની તમારી મુલાકાત ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવન સ્મિથની બેટિંગ જેવી સફળ રહેશે.


મહામહિમ,
મને જી-20 દરમિયાન આપણી વચ્ચે યોજાયેલી બેઠક યાદ આવે છે. આ બેઠકો હેતુપૂર્ણ અને સંકલિત સંબંધો માટેની મજબૂત ભાવનાનું પ્રતિક છે. ખાસ કરીને હું આપણી ભાગીદારીને વધારે મજબૂત કરવામાં તમે દાખવેલી સક્રિયતાને બિરદાવું છું. આપણા સહકારયુક્ત સંબંધોની સફર વધુને વધુ આગળ વધી રહી છે. તમારા નેતૃત્વ હેઠળ આપણા સંબંધ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. અને તમારી મુલાકાતે અમને આપણી વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી પ્રાથમિકતાઓને ઘડવાની તક આપી છે.

 

મહામહિમ,
હિંદ મહાસાગરના પાણી આપણને આપણા ઐતિહાસિક જોડાણની યાદ અપાવે છે. તેઓ આપણી સહિયારી નિયતિનું પ્રતીક પણ છે. આપણે બંને દેશો એકસમાન લોકશાહી અને કાયદાના શાસનના મૂલ્યો અને સિદ્ધાંતો ધરાવે છે. અત્યારે આપણા સંબંધોમાં રહેલી પુષ્કળ તકો ભારતની 1.25 અબજ જનતાની આર્થિક સમૃદ્ધિ માટેની મજબૂત આકાંક્ષા દ્વારા તથા ઓસ્ટ્રેલિયાની ક્ષમતા અને સામર્થ્ય દ્વારા સંચાલિત છે.


મિત્રો,
આજે અમારી ચર્ચામાં પ્રધાનમંત્રી અને મેં દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાનો વિચાર કર્યો હતો. અમે આપણી ભાગીદારીને વધારે મજબૂત કરવા ભવિષ્યને ધ્યાનમાં રાખીને અનેક નિર્ણયો લીધા હતા, જેમાં ટૂંક સમયમાં આપણી વિસ્તૃત આર્થિક સહકાર સમજૂતી પર વાટાઘાટનો આગામી રાઉન્ડ યોજવાનો નિર્ણય સામેલ છે. થોડા હળવા થઈએ તો, આપણા નિર્ણયો ડી. આર. એસ. રિવ્યૂ સિસ્ટમને આધિન નથી એનો મને આનંદ છે.


મિત્રો,
ભારત અને ઓસ્ટ્રેલિયાએ આપણા સમાજોની સમૃદ્ધિમાં શિક્ષણ અને નવીનતાના કેન્દ્રવર્તી મૂલ્યને ઓળખ્યું છે. એટલે એમાં કોઈ નવાઈ નથી કે આપણા જોડાણમાં શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં સહકાર સૌથી મહત્વપૂર્ણ પાસાઓમાંનું એક છે. પ્રધાનમંત્રી અને મેં નેનો અને બાયો ટેકનોલોજી પરના ટેરી-ડીકિન રિસર્ચ સેન્ટરનું હમણાં ઉદ્ઘાટન કર્યું છે, જે આપણા બંને દેશો વચ્ચે અત્યાધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સાથસહકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આશરે 100 મિલિયન ડોલરનું ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા રિસર્ચ ફંડ નેનો-ટેકનોલોજી, સ્માર્ટ સિટીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને ડિઝલ નિયંત્રણ જેવા ક્ષેત્રોમાં જોડાણ માટે સંશોધન પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. વિટામિન એ સાથે બેનાના ફોર્ટિફાઇડ વિકસાવવા માટે આપણા સહિયારા પ્રયાસોનું પ્રાયોગિક પરીક્ષણ ચાલુ છે. આપણા વિજ્ઞાનીઓએ વધારે પોષક અને કઠોળની વધારે મજબૂત વિવિધતા વિકસાવવા પણ જોડાણ કર્યું છે. આ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણા ઉત્કૃષ્ટ સહકારના ફક્ત બે ઉદાહરણ છે, જેના પરિણામોનો ઉદ્દેશ આપણા ખેડૂતો સહિત લાખો લોકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. હું વોકેશનલ ટ્રેનિંગ સંસ્થાઓના વાઇસ ચાન્સેલર્સ અને વડાઓના મોટા પ્રતિનિધિમંડળને પણ આવકારું છું, જે પ્રધાનમંત્રીની સાથે આવ્યું છે. આ મુલાકાત દરમિયાન સંસ્થાઓ વચ્ચે અનેક જોડાણો થયા છે. દ્વિપક્ષીય શૈક્ષણિક સહકારમાં વિદ્યાર્થીઓનું આદાનપ્રદાન મહત્વપૂર્ણ પાસું છે. ઓસ્ટ્રેલિયામાં 60,000થી વધારે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સાથે ભારતમાં અભ્યાસ અર્થે આવતા ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારતના યુવાનોની આકાંક્ષાને પૂર્ણ કરવા ભારતમાં વૈશ્વિક કક્ષાની સંસ્થાઓનું નિર્માણ કરવું મારી સરકારનો એક ઉદ્દેશ છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ આ લક્ષ્યાંક પાર પાડવા કેવી રીતે જોડાઈ શકે અને પ્રદાન કરી શકે એ અંગે પ્રધાનમંત્રી ટર્નબુલ અને મેં ચર્ચા કરી હતી.


મિત્રો,

પ્રધાનમંત્રી અને હું સંમત થયા છીએ કે આપણી આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિ પર્યાવરણને અનુકૂળ હોવી જોઈએ. અમને ખુશી છે કે અક્ષય ઊર્જા સહિત ઊર્જાના અન્ય સ્વરૂપોમાં અમારો સંવાદ અને સહકાર આગળ વધી રહ્યો છે. હું આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં જોડાવાના ઓસ્ટ્રેલિયાના નિર્ણય બદલ પ્રધાનમંત્રીનો આભારી છું. વળી, ઓસ્ટ્રેલિયાની સંસદમાં દ્વિપક્ષીય મંજૂરી સાથે કાયદો પસાર થવાથી ઓસ્ટ્રેલિયા હવે ભારતને યુરેનિયમની નિકાસ કરવા તૈયાર છે.


મિત્રો,
પ્રધાનમંત્રી અને હું સંમત છીએ કે આપણું ભવિષ્ય ભારત-પેસિફિકમાં શાંતિ અને સ્થિરતા સાથે જોડાયેલું છે. એટલે અમે ભારત-પેસિફિક વિસ્તારમાં સુરક્ષા જળવાઈ રહે અને કાયદાનું પાલન થાય એ માટેની જરૂરિયાત પર સંમત થયા છીએ. અમે જાણીએ છીએ કે અત્યારે વૈશ્વિકરણના યુગમાં, વૈશ્વિકૃત દુનિયામાં આતંકવાદ અને સાયબર સુરક્ષા જેવા પડકારો આપણા વિસ્તારની જ સમસ્યા નથી, પણ આપણી સરહદોની બહાર સ્થિત દુનિયા માટે ચિંતાજનક છે. એટલે વૈશ્વિક વ્યૂહરચના અને સમાધાનની જરૂર છે. ખરેખર આપણા બંને દેશો માટે પડકારજનક મુદ્દાઓ પર પ્રધાનમંત્રીની સમજણ તથા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓના બારીક વિશ્લેષણે આપણા સહકારયુક્ત સંબંધોમાં નવું પરિમાણ ઉમેર્યું છે. સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં આપણો સહકાર નવી ઊંચાઈ પર પહોંચ્યો છે. આપણી દરિયાઈ કવાયતો અને કુશળતાનું આદાનપ્રદાન ફળદાયક રહ્યું છે. આતંકવાદને નાથવા અને આંતરરાષ્ટ્રીય અપરાધો પર આપણી દ્વિપક્ષીય વ્યવસ્થા સારી રીતે કામ કરી રહી છે. આ મુલાકાત દરમિયાન આપણે સુરક્ષા સંબંધિત સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ) કર્યા છે એ વાતની મને વિશેષ ખુશી છે. અમે શાંતિ, સમૃદ્ધિ અને આપણા પ્રદેશમાં સંતુલનની ભાવના માટે મજબૂત પ્રાદેશિક સંસ્થાઓની જરૂરિયાત પર પણ સંમત થયા છીએ. એટલે અમે અમારા સામાન્ય હિતોને પૂર્ણ કરવા ઇસ્ટ એશિયા સમિટ અને ઇન્ડિયન રિમ દેશોના સભ્યો સાથે વધારે ગાઢપૂર્વક સહકાર સ્થાપિત કરવા સક્રિયપણે કામ કરીશું.


મિત્રો,
આપણી ભાગીદારીમાં મુખ્ય આધારસ્તંભ આપણા બંને સમાજો વચ્ચેનું મજબૂત જોડાણ છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લગભગ પાંચ લાખ લોકો વસવાટ કરે છે. તેમની સમૃદ્ધિ અને વાઇબ્રન્ટ સંસ્કૃતિ આપણી ભાગીદારીને વધારે મજબૂત કરે છે. કોન્ફ્લુઅન્સ નામનો અતિ સફળ ભારતીય ઉત્સવ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં ઉજવાયો હતો. હું આ ઉત્સવના આયોજનને સફળ બનાવવા ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા આપવામાં આવેલા સાથસહકાર બદલ પ્રધાનમંત્રીનો આભાર માનું છું.


મહામહિમ,
છેલ્લાં થોડા વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ આપણા દ્વિપક્ષીય સંબંધોમાં હરણફાળ ભરી છે. આગામી મહિનાઓ અને વર્ષોમાં આપણે આપણા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં વધુ આગળ વધવાની પુષ્કળ તકો જોઈએ છીએ. આપણી મજબૂત અને વાઇબ્રન્ટ વ્યૂહાત્મક ભાગીદારી આપણા બંને દેશોના સમાજની સુરક્ષા અને સુખાકારી માટે પણ મહત્વપૂર્ણ છે. પણ સાથે સાથે તે આપણા વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે પણ મહત્વપૂર્ણ પરિબળ છે. મહામહિમ, આ શબ્દો સાથે હું ભારતમાં એક વખત ફરી તમારું સ્વાગત કરું છું તથા તમારી મુલાકાત ફળદાયક રહે એવી શુભેચ્છા પાઠવું છું.

 

તમારો ધન્યવાદ.

તમારો ખૂબ ખૂબ આભાર.

 

AP/TR/GP


(Release ID: 1487397) Visitor Counter : 227


Read this release in: English