ચૂંટણી આયોગ
ઇસીઆઈ-ઇવીએમની સુરક્ષા સંબંધિત ખાસિયતો પર વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)
Posted On:
09 APR 2017 10:51AM by PIB Ahmedabad
નવી દિલ્હી: 9 એપ્રિલ, 2017
ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ)નાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ની સુરક્ષા સંબંધિત ખાસિયતો વિશે તાજેતરમાં સામાન્ય લોકોનાં મનમાં કેટલાંક પ્રશ્રો ઊભા થયાં છે. ચૂંટણી પંચે અવારનવાર જણાવ્યું છે કે ઇસીઆઈ-ઇવીએમ અને તેની સિસ્ટમ મજબૂત, સુરક્ષિત છે, જેની સાથે કોઈ પણ પ્રકારનાં ચેડાં થઈ શકે તેમ નથી.
નીચે ઇવીએમ સાથે સંબંધિત વારંવાર પૂછાતાં પ્રશ્રો (FAQ) અને તેની સલામતીની ખાસિયતોનાં સંબંધમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, જેમાં ઇવીએમની આધુનિક ટેકનોલોજીકલ ખાસિયતો તથા તેના ઉત્પાદનથી લઈને સંગ્રહ સુધી તેના વપરાશ માટે વહીવટી સ્તરે લેવામાં આવતાં કડક પગલાં સામેલ છે.
- ઇવીએમ સાથે ચેડાં કરવા એટલે શું?
ઇવીએમ સાથે ચેડાં કરવા એટલે તેનાં કન્ટ્રોલ યુનિટ (સીયુ)ની માઇક્રોચિપ્સ પર લખેલા સોફ્ટવેર પ્રોગ્રામમાં ફેરફાર કરવો કે પછી સીયુમાં નવી માઇક્રોચિપ્સ નાંખીને બદઇરાદો ધરાવતો સોફ્ટવેર પ્રોગ્રામ સ્થાપિત કરવો તથા બેલોટ યુનિટ (બીયુ)માં કી દબાવવાથી કન્ટ્રોલ યુનિટમાં સાચું રેકોર્ડિંગ ન થાય તેવી ગોઠવણ કરવી.
- ઇસીઆઈ-ઇવીએમ હેક કરી શકાય?
નાં.
ઇવીએમ મશીનોનું એમ1 (મોડલ 1) વર્ષ 2006 સુધી બનાવવામાં આવતું હતું અને કેટલાંક કાર્યકર્તાઓ દાવો કરે છે તેનાથી વિપરીત એમ1ને હેક ન કરી શકાય તેવું બનાવવા જરૂરી તમામ ટેકનિકલ ખાસિયતો તેમાં ઉમેરવામાં આવી છે.
વર્ષ 2006માં ટેકનિકલ આકારણી સમિતિની ભલામણોને આધારે ઇવીએમનું એમ2 મોડલ વર્ષ 2006થી 2012 સુધી બનાવવામાં આવ્યું હતું, જેમાં કી કોડનું ડાયનેમિક કોડિંગ કરવામાં આવ્યું છે, જેથી બેલોટ યુનિટ (બીયુ)માંથી કન્ટ્રોલ યુનિટ (સીયુ)માં કી – પ્રેસ મેસેજનું હસ્તાંતરણ એન્ક્રિપ્ટેડ સ્વરૂપે થઈ શકે, જે સુરક્ષા માટે વધારાની ખાસિયત છે. તે દરેક કી પ્રેસનું રિયલ ટાઇમ સેટિંગ પણ ધરાવે છે, જેથી કી પ્રેસનાં ક્રમ સાથે કહેવાતા ચેડાં સહિત કી પ્રેસનો ક્રમ જાણી શકાય.
ઉપરાંત ઇસીઆઈ-ઇવીએમ કમ્પ્યુટર નિયંત્રિત નથી, સ્વતંત્ર ધોરણે કામ કરે છે અને વળી તે ઇન્ટરનેટ અને/અથવા કોઈ પણ સમયે અન્ય કોઈ નેટવર્ક સાથે જોડાયેલ પણ નથી. એટલે દૂરનાં સ્થળે ઉપકરણો દ્વારા હેકિંગની શક્યતાં નથી.
ઇસીઆઈ-ઇવીએમ અન્ય કોઈ નોન-ઇવીએમ એક્સેસરી કે ઉપકરણ સાથે જોડાણ માટે કોઈ બાહ્ય હાર્ડવેર પોર્ટ કે વાયરલેસ માટે ડેટા ડિકોડર કે કોઈ ફ્રીકવન્સી રીસિવર ધરાવતું નથી. એટલે હાર્ડવેર પોર્ટ કે વાયરલેસ, વાઇ-ફાઈ કે બ્લૂ-ટૂથ ઉપકરણ મારફતે તેની સાથે ચેડાં કરવાનું શક્ય નથી, કારણ કે બીયુમાંથી સીયુ એન્ક્રિપ્ટેડ અને ડાયનેમિકલી કોડ કરેલા ડેટાનો જ સ્વીકાર કરે છે. સીયુ અન્ય કોઈ પણ પ્રકારનો ડેટા સ્વીકારી નહીં શકે.
- ઉત્પાદકો ઇસીઆઈ-ઇવીએમ સાથે ચેડાં કરી શકે?
શક્ય જ નથી.
ઉત્પાદનનાં સ્તરે સોફ્ટવેરની સુરક્ષા સાથે સંબંધિત અતિ કડક નિયમોનું પાલન થાય છે. મશીનોનું નિર્માણ વર્ષ 2006થી અલગ-અલગ વર્ષોમાં થયું છે. ઉત્પાદન પછી ઇવીએમને રાજ્યને અને રાજ્યની અંદર જિલ્લાઓમાં મોકલવામાં આવે છે. ઉત્પાદકો અગાઉ કેટલાંક વર્ષ એ જાણકારી મેળવવાની સ્થિતિમાં હોતા નથી કે કયો ઉમેદવાર કોઈ ખાસ બેઠક પરથી ચૂંટણી લડશે અને બીયુ પર ઉમેદવારોનો ક્રમ કયો હશે. ઉપરાંત દરેક ઇસીઆઈ-ઇવીએમ સીરિયલ નંબર ધરાવે છે અને ઇવીએમ – ટ્રેકિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ચૂંટણી પંચ તેના ડેટાબેઝમાંથી શોધી શકે છે કે કયું મશીન કઈ જગ્યાએ સ્થિત છે. એટલે ઉત્પાદનનાં તબક્કે કોઈ પણ પ્રકારનાં ચેડા થવાની શક્યતાં નથી.
- સીયુમાં ચિપની અંદર ટ્રોજન હોર્સ સ્થાપિત કરી શકાય?
ઇવીએમમાં મતદાનનો ક્રમ ઉપર ઉલ્લેખ કર્યા મુજબ ટ્રોજન હોર્સ સ્થાપિત કરવાની શક્યતાને રદ કરે છે. ઇસીઆઈ દ્વારા સુરક્ષા સંબંધિત કડક પગલાં લેવાય છે, જે ફિલ્ડમાં ટ્રોજન હોર્સ સ્થાપિત કરવાનું અશક્ય બનાવે છે.
એક વખત સીયુમાં મતદાનની કી દબાવવામાં આવે છે, પછી સીયુ મતદાનની નોંધણી કરવા બીયુને સક્ષમ બનાવે છે અને બીયુમાં કી દબાય એ માટે રાહ જુએ છે. આ ગાળા દરમિયાન એ મતદાનનો સંપૂર્ણ ક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી સીયુમાં તમામ કી નિષ્ક્રિય થઈ જાય છે. એક વખત બીયુમાં મતદાતા દ્વારા કોઈ પણ કી (ઉમેદવારોને મત આપવાનું બટન) દબાઈ જાય છે, પછી બીયુ તમામ મહત્ત્વપૂર્ણ માહિતી સીયુને આપે છે. સીયુ ડેટા મેળવે છે અને બીયુમાં સંબંધિત એલઇડી લેમ્પ ચાલુ કરીને તેને માન્યતા આપે છે. સીયુમાં મતદાન સક્ષમ બનાવ્યાં પછી ‘ફર્સ્ટ કી પ્રેસ’ જ સંવેદનશીલ થાય છે અને સીયુ દ્વારા તેનો સ્વીકાર થાય છે. ત્યારબાદ જો કોઈ મતદાર અન્ય કોઈ બટન દબાવે તો તેનો કોઈ અર્થ સરતો નથી, કારણ કે સીયુ અને બીયુ વચ્ચે કોઈ આદાનપ્રદાન નહીં થાય કે બીયુ દબાવવામાં આવેલી અન્ય કોઈ કી નોંધશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો સીયુનો ઉપયોગ કરીને અનેબલ્ડ બેલોટ માટે ફક્ત એક કીની દબાવવાની કામગીરી જ માન્ય ગણાશે (ફર્સ્ટ કી પ્રેસ). એક વખત માન્ય કી દબાઈ જાય (મતદાન થઈ જાય) પછી અન્ય કોઈ કી દબાવવામાં આવશે તો સીયુ અને બીયુ વચ્ચે કોઈ એક્ટિવિટી નહીં થાય. એટલે દેશમાં ઉપયોગ થતાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં કથિત ‘સીક્વન્સ કી પ્રેસ’ દ્વારા કોઈ પણ બદઇરાદાપૂર્વકનો સંકેત મોકલવાનું અશક્ય છે.
- ઇસીઆઈ-ઇવીએમનાં જૂનાં મોડલનો હજુ ઉપયોગ થાય છે?
ઇવીએમ મશીનોનાં એમ1 મોડલનું નિર્માણ વર્ષ 2006 સુધી થયું હતું અને છેલ્લો તેનો ઉપયોગ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં થયો હતો. વર્ષ 2014માં ઇવીએમ મશીનોનું 15 વર્ષનું જીવનચક્ર પૂર્ણ થયું હતું અને એમ1 વીવીપીએટી (વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ) સાથે સક્ષમ નહોતા એટલે ઇસીઆઈએ વર્ષ 2006 સુધી નિર્મિત તમામ એમ1 ઇવીએમનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ઇવીએમને નિષ્ક્રિય કરવા કે તેનો નાશ કરવા ઇસીઆઈએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવી છે. ઇવીએમ અને તેની ચિપનો નાશ કરવાની પ્રક્રિયા ઉત્પાદકોની ફેક્ટરીની અંદર રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી કે તેમના પ્રતિનિધિની હાજરીમાં હાથ ધરવામાં આવે છે.
- ઇસીઆઈ-ઇવીએમ સાથે ફિઝિકલ ટેમ્પરિંગ થઈ શકે / કોઈને ધ્યાનમાં ન આવે તેમ તેનાં વિવિધ ભાગોને બદલી શકાશે?
ઇસીઆઈ-ઇવીએમનાં અગાઉનાં મોડલ્સ એમ1 અને એમ2માં સુરક્ષા સંબંધિત હાલની ખાસિયતો ઉપરાંત વર્ષ 2013 પછી નિર્મિત નવું એમ3 ઇવીએમ ટેમ્પર ડિટેક્શન અને સેલ્ફ ડાઇગ્નોસ્ટિક્સ જેવી વધારાની ખાસિયતો ધરાવે છે. જો કોઈ વ્યક્તિ મશીન ખોલવાનો પ્રયાસ કરશે, તો એ જ ક્ષણે ટેમ્પર ડિટેક્શન ખાસિયત ઇવીએમને બંધ કરશે. સેલ્ફ ડાઇગ્નોસ્ટિક ખાસિયત હંમેશા ઇવીએમને ચકાસે છે કે તે ચાલુ છે કે કેમ. તેના હાર્ડવેર કે સોફ્ટવલેરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જાણી શકાશે.
ઉપરોક્ત ખાસિયતો સાથે નવું મોડલ એમ3નું પ્રોટોટાઇપ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. ટેકનિકલ નિષ્ણાત સમિતિ તેની ચકાસણી કરશે અને પછી તેનું નિર્માણ શરૂ થશે. સરકારે ઉપરોક્ત વધારાની ખાસિયતો અને નવાં ટેકનોલોજીકલ પાસાં ધરાવતાં એમ3 ઇવીએમ ખરીદવા આશરે રૂ. 2,000 કરોડનાં ભંડોળની ફાળવણી કરી છે.
- કઈ આધુનિક ટેકનોલોજીકલ ખાસિયતો ઇસીઆઈ-ઇવીએમને ચેડાંથી સલામત રાખે છે?
ઇસીઆઈ-ઇવીએમ કેટલીક અત્યાધુનિક ટેકનોલોજીકલ ખાસિયતોનો ઉપયોગ કરે છે, જેમ કે વન ટાઇમ પ્રોગ્રામેબલ (ઓટીપી) માઇક્રોકન્ટ્રોલર્સ, કી કોડનું ડાયનેમિક કોડિંગ, દરેક અને તમામ કી પ્રેસ પર તારીખ અને સમયનું સ્ટેમ્પિંગ, આધુનિક એન્ક્રિપ્શન ટેકનોલોજી અને ઇવીએમ લોજિસ્ટિક્સનું સંચાલન કરવા ઇવીએમ-ટ્રેકિંગ સોફ્ટેવર. આ પ્રકારની ખાસિયતો મશીનને 100 ટકા ટેમ્પર પ્રૂફ બનાવે છે. આ ઉપરાંત ઇવીએમનું નવું મોડલ એમ3 વધારાની ખાસિયતો સ્વરૂપે ટેમ્પર ડિટેક્શન અને સેલ્ફ-ડાઇગ્નોસ્ટિક્સ પણ ધરાવે છે. સોફ્ટવેર ઓટીપી પર આધારિત હોવાથી પ્રોગ્રામમાં ફેરફાર નહીં થઈ શકે, તેને ફરી લખી નહીં શકાય કે તેને રી-રીડ નહીં કરી શકાય. એટલે ઇવીએમ ટેમ્પર-પ્રૂફ બને છે. જો કોઈ વ્યક્તિ તેની સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરે, તો મશીન નિષ્ક્રિય કે બંધ થઈ જશે.
- ઇસીઆઈ-ઇવીએમ વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે?
આ પ્રકારનાં આરોપો કેટલાંક લોકોએ મૂક્યાં છે અને તેના વિશે ખોટી માહિતી ફેલાવી છે. પણ ભારતમાં વિદેશમાં બનેલા કોઈ ઇવીએમનો ઉપયોગ થતો નથી. ઇવીએમનું નિર્માણ સરકારી ક્ષેત્રનાં બે જાહેર સાહસો – ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બેંગાલુરુ અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, હૈદરાબાદ દ્વારા સ્વદેશી ધોરણે થાય છે. આ બંને કંપનીઓ સોફ્ટવેર પ્રોગ્રામ કોડ ઇન-હાઉસ તૈયાર કરે છે, નહીં કે અન્ય કોઈ કંપનીઓ પાસે તૈયાર કરાવે છે, જે ઉચ્ચ સ્તરીય પારદર્શકતા અને સંકલન જાળવવા ફેક્ટરી સ્તરે સુરક્ષાનાં ધારાધોરણોમાંથી પસાર થવાને આધિન છે. પ્રોગ્રામને મશીન કોડમાં કન્વર્ટ કરવામાં આવે છે અને પછી જ વિદેશમાં ચીપ ઉત્પાદકને આપવામાં આવે છે, કારણ કે આપણે દેશની અંદર સેમિ-કન્ડક્ટર માઇક્રોચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતાં નથી.
દરેક માઇક્રોચિપની મેમરીમાં આઇડેન્ટિફિકેશન નંબર હોય છે અને ઉત્પાદકો તેના પર તેમની ડિજિટલ સિગ્નેચર ધરાવે છે. એટલે તેને બદલવાનો પ્રશ્ર ઊભો થતો નથી, કારણ કે સોફ્ટવેરનાં સંબંધમાં માઇક્રોચિપ્સ કામગીરીનાં પરીક્ષણોને આધિન છે. માઇક્રોચિપ બદલવાનો કોઈ પણ પ્રયાસ જાણી શકાય છે અને ઇવીએમને નિષ્ક્રિય કરી શકે છે. એટલે વર્તમાન પ્રોગ્રામને બદલવાનું કે નવો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાની એમ બંને પ્રકારની કામગીરી જાણી શકાશે, જે ઇવીએમને નિષ્ક્રિય કરશે.
- સંગ્રહસ્થળે ઇવીએમ સાથે ચેડાં થવાની કોઈ શક્યતાં છે?
જિલ્લા હેડક્વાર્ટર્સમાં ઇવીએમને યોગ્ય સુરક્ષા હેઠળ ડબલ-લોક સિસ્ટમમાં રાખવામાં આવે છે. તેમની સલામતી નિયમિત સમયાંતરે ચકાસવામાં આવે છે. અધિકારીઓ સ્ટ્રોંગ રૂમ ખોલતાં નથી, પણ તે સંપૂર્ણપણે સલામત છે કે કેમ અને લોક યોગ્ય સ્થિતિમાં છે કે કેમ એ ચકાસે છે. કોઈ પણ સમયે બિનઅધિકૃત વ્યક્તિ ઇવીએમ સુધી પહોંચી શકતી નથી. ચૂંટણી ન હોય તેવા સમયગાળા દરમિયાન ડીઇઓ દ્વારા તમામ ઇવીએમનું વાર્ષિક ફિઝિકલ વેરિફિકેશન થાય છે અને તેનો રિપોર્ટ ઇસીઆઈને મોકલવામાં આવે છે. તાજેતરમાં ચકાસણી અને નિરીક્ષણ કામગીરી પૂરી થઈ છે.
- સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ઇવીએમ સાથે ચેડાં થયાનાં આક્ષેપો કેટલી હદે સાચાં છે?
કાર્યક્ષેત્ર વિશે જાણકારીનાં અભાવને કારણે આ સંબંધમાં ગેરસમજણ થઈ છે. મ્યુનિસિપલ સંસ્થાઓ કે પંચાયતની ચૂંટણીઓ જેવી ગ્રામીણ સંસ્થાઓની ચૂંટણીઓનાં કિસ્સાઓમાં ઉપયોગી ઇવીએમનો ભારતીય ચૂંટણી પંચ સાથે સંબંધ નથી. ઉપરોક્ત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પ્રાદેશિક ચૂંટણી પંચ/પંચો (એસઇસી)નાં કાર્યક્ષેત્રમાં આવે છે, જે પોતાની રીતે મશીનોની ખરીદી કરે છે અને પોતાની રીતે વ્યવસ્થાનું સંચાલન કરે છે. ઉપરોક્ત ચૂંટણીઓમાં એસઈસી દ્વારા ઉપયોગમાં લેવાતાં ઇવીએમની કામગીરી માટે ઇસીઆઈ જવાબદાર નથી.
- ઇસીઆઇ-ઇવીએમ સાથે ચેડાં ન થાય એવું સુનિશ્ચિત કરવા કયા સ્તરે કઈ કઈ બાબતોની કાળજી રાખવામાં આવી છે?
- પ્રથમ સ્તર ચકાસણીઃ બીઇએલ/ઇસીઆઇએલ એન્જિનીયર્સ રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓની હાજરીમાં દરેક ઇવીએમની ટેકનિકલ અને ફિઝિકલ ચકાસણી કર્યા પછી તેના વિવિધ ભાગોની ઓરિજિનાલિટીને પ્રમાણિત કરે છે. ખામીયુક્ત ઇવીએમને ફેક્ટરીમાં પરત મોકલવામાં આવે છે. એફએલસી હોલ સ્વચ્છ હોય છે, તેમાં પ્રવેશ પ્રતિબંધિત છે તથા કેમેરા, મોબાઇલ ફોન કે સ્પાય પેનને અંદર લઈ જવાની છૂટ નથી. રાજકીય પક્ષોનાં 5 પ્રતિનિધિતઓ દ્વારા કોઈ પણ 5 ટકા ઇવીએમ પસંદ કરીને તેના પર ઓછામાં ઓછા 1000 મતોનું મોક મતદાન થાય છે અને પછી આ પ્રતિનિધિઓને પરિણામ દર્શાવવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયાની વીડિયોગ્રાફી થાય છે.
- રેન્ડમાઇઝેશન: ઇવીએમને બે વખત રેન્ડમાઇઝ કરવામાં આવે છે. એક વિધાનસભાને ફાળવતી વખતે અને પછી મતદાન બૂથને ફાળવતી વખતે, જેથી કોઈ પણ ઇવીએમની એક જ જગ્યા ફાળવણી થવાની શક્યતાં રહેતી નથી. મતદાન શરૂ થાય એ અગાઉ મતદાનનાં દિવસે ઉમેદવારોના પોલિંગ એજન્ટોની સામે મતદાન મથક પર મોક મતદાન યોજવામાં આવે છે.
ચૂંટણી પછી ઇવીએમને સીલ કરવામાં આવે છે અને તેના પર પોલિંગ એજન્ટો તેમની સહી કરે છે. પોલિંગ એજન્ટો ઇવીએમ મશીનોનાં પરિવહન દરમિયાન સ્ટ્રોંગ રૂમ સુધી તેની સાથે સાથે મુસાફરી કરી શકે છે.
- સ્ટ્રોંગ રૂમઃ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓ સ્ટ્રોંગ રૂમ પર તેમના પોતાના સીલ મારી શકે છે, જ્યાં મતદાન પછી તેમાં ઉપયોગ થયેલા ઇવીએમનો સંગ્રહ કરવામાં આવે છે અને સ્ટ્રોંગ રૂમની સામે કેમ્પ પણ કરી શકે છે. આ સ્ટ્રોંગ રૂમ 24x7 બહુસ્તરીય સુરક્ષા ધરાવે છે.
- મતગણના કેન્દ્રોઃ મતદાનમાં ઉપયોગ થયેલા ઇવીએમને મતગણના કેન્દ્રોમાં લાવવામાં આવે છે તથા ગણતરી શરૂ કરતાં અગાઉ ઉમેદવારોનાં પ્રતિનિધિઓને સીલનાં વિશિષ્ટ આઇડી અને સીયુ દેખાડવામાં આવે છે.
- જો કોઈ ઇસીઆઈ-ઇવીએમમાં ચેડાં થયા હોય, તો તેને કોઈને જાણ ન થાય એ રીતે મતદાન પ્રક્રિયામાં ફરી તેને સામેલ કરી શકાય?
ચેડાં થવાનો સવાલ જ નથી.
ઇસીઆઈ દ્વારા ઇવીએમને ચેડાંથી સલામત રાખવા લેવામાં આવતાં ઉપરોક્ત શ્રેણીબદ્ધ પગલાંને ધ્યાનમાં લઈએ તો સ્પષ્ટ છે કે કોઈ મશીન સાથે ચેડાં થઈ ન શકે, કે ખામીયુક્ત મશીનનો કોઈ પણ સમયે મતદાન પ્રક્રિયામાં ફરી સામેલ ન કરી શકાય, કારણ કે ઇસીઆઈ-ઇવીએમ સિવાયનું કોઈ પણ મશીન ઉપરોક્ત પ્રક્રિયામાં ઓળખાઈ જશે તથા તેનો બીયુ અને સીયુ મળશે નહીં. વિવિધ સ્તરે કડક ચકાસણીના કારણે ઇસીઆઈ-ઇવીએમ ઇસીઆઈ સિસ્ટમને છોડી ન શકે કે બહારનું કોઈ પણ મશીન (નોન-ઇસીઆઈ-ઇવીએમ)ને સિસ્ટમમાં સામેલ ન કરી શકાય.
- શા માટે અમેરિકા અને યુરોપિયન યુનિયન જેવાં વિકસિત દેશોએ ઇવીએમ સ્વીકાર્યા નથી અને કેટલાંક દેશોએ તેનો ઉપયોગ બંધ કરી દીધો છે?
અગાઉ કેટલાંક દેશોએ ઇલેક્ટ્રોનિક વોટિંગ સાથે પ્રયોગ કર્યો હતો. આ દેશોમાં મશીનો સાથે સમસ્યા એ હતી કે તેઓ કમ્પ્યુટર દ્વારા નિયંત્રત અને નેટવર્ક સાથે જોડાયેલા હતાં, જેના પરિણામે ઇવીએમ હેક થવાનું જોખમ હતું. એટલે તેના કારણે પારદર્શક અને તટસ્થ ચૂંટણીનો ઉદ્દેશ જ માર્યો જાય તેવી શક્યતા હતી. ઉપરાંત સુરક્ષા, સલામતી અને સંરક્ષણ માટે આ દેશોમાં પર્યાપ્ત પગલાં લઈ શકાય તેવા કાયદા અને નીતિનિયમો અસ્તિત્વમાં નહોતાં. કેટલાંક દેશોમાં આ કાયદાકીય આધારે કોર્ટ દ્વારા ઇવીએમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ભારતીય ઇવીએમ સ્વતંત્ર ધોરણે કામ કરે છે, જ્યારે અમેરિકા, નેધરલેન્ડ, આયર્લેન્ડ અને જર્મનીમાં ડાયરેક્ટ રેકોર્ડિંગ મશીનો હતાં. ભારતે આંશિક રીતે પેપર ઓડિટ કરવાની પદ્ધતિ સ્વીકારી છે. અન્ય દેશોએ આ પદ્ધતિ સ્વીકારી નહોતી. ઉપરોક્ત તમામ દેશોમાં મતદાન દરમિયાન સોર્સ કોડ બંધ થઈ જાય છે. ભારત પણ મેમરીમાં સોર્સ કોર્ડને બંધ કરે છે અને એ ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) છે.
બીજી તરફ, ઇસીઆઈ-ઇવીએમ સ્વતંત્ર ધોરણે કામ કરે છે, જે કોઈ પણ નેટવર્ક સાથે જોડાયેલા ન હોવાથી ભારતમાં 1.4 મિલિયનથી વધારે મશીનો સાથે કોઈ પણ વ્યક્તિ દ્વારા ચેડાં કરવાં શક્ય નથી. ભારતમાં અગાઉ યોજાયેલી ચૂંટણીઓમાં હિંસા થતી હતી અને મતદાન દરમિયાન રિગિંગ, બૂથ કેપ્ચ્યોર વગેરે જેવી ચૂંટણીની પ્રક્રિયાને નુકસાન કરતી ઘટનાઓ જોવા મળતી હતી એટલે આપણાં દેશ માટે ઇવીએમ સૌથી વધુ યોગ્ય છે.
અહીં ઉલ્લેખ કરવો યોગ્ય છે કે જર્મની, આયર્લેન્ડ અને નેધરલેન્ડ જેવા દેશોથી વિપરીત ભારતીય કાયદા અને ઇસીઆઈનાં નીતિનિયમો ઇવીએમની સુરક્ષા અને સંરક્ષણ માટે પર્યાપ્ત ઇન-બિલ્ટ જોગવાઈઓ ધરાવે છે. ઉપરાંત ભારતીય ઇવીએમ સુરક્ષિત ટેકનોલોજિકલ ખાસિયતોને કારણે અતિ શ્રેષ્ઠ છે. વળી ભારતીય ઇવીએમ સ્વતંત્ર રીતે કામ કરે છે, કારણ કે મતદારો માટે સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક બનાવવા ઇવીએમમાં વીવીપીએટીનો ઉપયોગ તબક્કાવાર રીતે થાય છે.
નેધરલેન્ડના કિસ્સામાં મશીનનાં સંગ્રહ, પરિવહન અને તેની સુરક્ષા સાથે સંબંધિત નિયમોનો અભાવ હતો. નેધરલેન્ડમાં નિર્મિત મશીનોનો ઉપયોગ આયર્લેન્ડ અને જર્મનીમાં પણ થતો હતો. વર્ષ 2005માં જર્મનીની કોર્ટે જાહેર પ્રક્રિયા તરીકે ચૂંટણીના વિશેષતાધિકારો અને મૂળભૂત કાયદાના ઉલ્લંઘન થવાના આધારે મતદાન ઉપકરણ વટહુકમને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. એટલે આ દેશોમાં નેધરલેન્ડમાં નિર્મિત મશીનોનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. અત્યારે પણ અમેરિકા સહિત અનેક દેશો મતદાન માટે મશીનોનો ઉપયોગ કરે છે.
ઇસીઆઈ-ઇવીએમ મતદાન મશીનોથી મૂળભૂત રીતે અલગ છે અને વિદેશોમાં સ્વીકૃત પ્રક્રિયા છે. કમ્પ્યુટર નિયંત્રિત, ઓપરેટિંગ સિસ્ટમ આધારિત મશીનોની કોઈ પણ પ્રકારની સરખામણી કરવી ઉચિત નથી અને ઇસીઆઇ-ઇવીએમની સરખામણી ન કરી શકાય.
- વીવીપીએટી અનેબલ્ડ મશીનની શું સ્થિતિ છે?
ઇસીઆઈએ વોટર્સ વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપીએટી)નો ઉપયોગ કરીને વિધાનસભાની 255 બેઠકો અને લોકસભાની નવ બેઠકોમાં ચૂંટણીઓ યોજી હતી. વીવીપીએટી સાથે એમ2 અને નવી પેઢીના એમ3 ઇવીએમનો ઉપયોગ મતદારોનો આત્મવિશ્વાસ અને પારદર્શકતા વધારવાનો ભવિષ્યનો માર્ગ છે.
J.Khunt
(Release ID: 1487290)
Visitor Counter : 395