નીતિ આયોગ

90 દિવસના ડિજિ ધન મેળાઃ ડિજિટલ પેમેન્ટ્સને જન આંદોલન બનાવવા આગેકૂચ

ડિજિટલ પેમેન્ટની વિવિધ પદ્ધતિઓ અપનાવનાર 14 લાખથી વધારે ઉપભોક્તાઓ અને 77,000 વેપારીઓને રૂ. 226 કરોડની ઇનામ રકમ મળી

14મી એપ્રિલના રોજ મેગા ડ્રો

Posted On: 30 MAR 2017 6:00PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 30-03-2017

ભારતને લેસ-કેશ અર્થતંત્ર બનાવવા ડિજિટલ પેમેન્ટની વિવિધ પદ્ધતિઓને જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે અને નીતિ આયોગનાં ડિજિટલ વ્યવહારો માટે પ્રોત્સાહન આપવાનાં પગલાનાં મીઠાં ફળ ચાખવા મળી રહ્યાં છે. નીતિ આયોગે 25 ડિસેમ્બર, 2016ના રોજ ડિજિટલ પેમેન્ટ માટે બે પ્રોત્સાહક યોજનાઓ – લકી ગ્રાહક યોજના અને ડિજિધન વ્યાપાર યોજના – લોંચ કરી હતી, ત્યારથી 14 લાખ લોકો અને 77,000 વેપારીઓને રિવોર્ડ આપવામાં આવ્યાં છે.

 

આ બંને પ્રોત્સાહક યોજનાઓ અંતર્ગત અત્યાર સુધી કુલ રૂ. 226,45,40,000 (ઉપભોક્તાઓને રૂ. 176,95,40,000 અને વેપારીઓને રૂ. 49,50,00,000)ની વહેંચણી થઈ છે. આ બંને યોજનાઓમાં વિજેતાઓ સમાજનાં વિવિધ તબક્કાઓમાંથી આવે છે, જેમણે ઉંમર, જાતિ અને આર્થિક દરજ્જાનાં તમામ પ્રકારના ભેદભાવો તોડી નાંખ્યાં છે.

 

27 વર્ષનાં દેવિન્દર બિહારનાં આઝમગઢ ગામમાં મિકેનિક છે, જેઓ લકી ગ્રાહક યોજનામાં રૂ. 1 લાખની રકમ જીત્યાં છે. 12 સભ્યોનાં પરિવારમાં છ ભાઇબહેનોમાં સૌથી મોટા દેવિન્દરને ઘણાં નાણાકીય વ્યવહારો કરવા પડે છે. તેમને અહેસાસ થયો છે કે આ વ્યવહારો ડિજિટલી કરવામાં આવે, તો ચુકવણીની પ્રક્રિયા અતિ સરળ બની જાય છે. અગાઉ તેઓ તેમના ભંડોળ માટે તેમના ભાઈના બેંક ખાતાનો ઉપયોગ કરતાં હતાં, પણ હવે ટૂંક સમયમાં પોતાનું ખાતું ખોલાવશે.

 

22 વર્ષીય સુનિલ વિશ્વાસ ચૌહાણ મહારાષ્ટ્રનાં પછવાડ ગામમાં યુવાન ખેડૂત છે. તેઓ સ્થાનિક બજારમાં દૂધ અને કૃષિ ઉપજનું વેચાણ કરીને કમાણી કરે છે. સુનિલે કહે છે કે, ડિજિટલ પેમેન્ટની સુવિધા મને મળી છે એની મને ખુશી છે. અગાઉ તમામ નાણાંની ઉચાપત વચેટિયાઓ કરી જતાં હતાં, પણ હવે તમામ ફંડ સીધું મારાં ખાતામાં જમા થાય છે અને મને એલર્ટ પણ મળે છે.

 

40 વર્ષીય નાહિદે થોડાં મહિના અગાઉ પોતાનો સ્ટોર શરૂ કર્યો છે અને પોતાની દુકાનમાં ડિજિટલ પદ્ધતિઓ વડે ચુકવણી કરવા તમામ જોગવાઈઓ ઊભી કરે છે. તે કહે છે કે, મારાં 80 ટકા વ્યવહારો ડિજિટલ પદ્ધતિઓ મારફતે થાય છે. તેનાથી મારી છુટ્ટાની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે અને મારું માનવું છે કે, રોકડની સરખામણીમાં ડિજિટલ ચુકવણી વધારે સુરક્ષિત છે. તે કહે છે કે, તે પોતે અને તેનાં 6 કર્મચારીઓ ગ્રાહકોને ડિજિટલ માધ્યમો થકી ચુકવણી કરવા પ્રોત્સાહન આપે છે.

 

ડિજિટલ પેમેન્ટની વિવિધ પદ્ધતિઓને લોકપ્રિય બનાવવાની સરકારની પહેલના ભાગરૂપે ડિજિધન મેળાઓ 100 દિવસમાં 100 શહેરોમાં યોજવામાં આવ્યાં છે. 30 માર્ચ સુધી (90મો દિવસ) સુધી આ પ્રકારના મેળાઓનું આયોજન 26 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયું છે. આ મેળાઓ મારફતે 5000 નાણાકીય સંસ્થાઓ 15 લાખ નાગરિકો સુધી પહોંચી છે તથા ઓછામાં ઓછી 16,000 સરકારી અને ખાનગી સંસ્થાઓને કેશલેસ જાહેર કરવામાં આવી છે. ડિજિધન મેળાઓનો 100મો દિવસ 14 એપ્રિલના રોજ મેગા ડ્રો સાથે સંપન્ન થશે. બાકીના 10 દિવસમાં ગંગટોક, ઇમ્ફાલ, હરિદ્વાર, નેલ્લોરમાં મેળાઓ યોજવાની યોજના છે.

 

વિમુદ્રીકરણ (ડિમોનેટાઇઝેશન)ની જાહેરાતથી અત્યાર સુધી યુપીઆઇ મારફતે નાણાકીય વ્યવહારોમાં 584 ટકાનો અભૂતપૂર્વ વધારો (0.3થી 4.5 મિલિયન) થયો છે. આ જ ગાળામાં આધારનો ઉપયોગ કરીને ચુકવણીમાં પણ 1352 ટકાનો અભૂતપૂર્વ વધારો (0.7થી 2.7 મિલિયન) થયો છે. ઉપરાંત પ્રધાનમંત્રીએ 30 ડિસેમ્બર, 2016ના રોજ લોંચ કરેલી યુપીઆઇ પેમેન્ટ એપ ભીમ એપ લોંચ થયા પછી અત્યાર સુધી 18 મિલિયન વખત ડાઉનલોડ થઈ છે. ઉપરાંત ઓક્ટોબર, 2016થી અત્યાર સુધી પીઓએસ મશીનના વેચાણમાં આશરે 13 ટકાનો વધારો થયો છે, જે દેશમાં વધારે વેપારીઓ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા તૈયાર હોવાનો સંકેત આપે છે. અત્યારે ડિજિટલ પેમેન્ટની વિવિધ પદ્ધતિઓ મારફતે દર વર્ષે આશરે 8 અબજ નાણાકીય વ્યવહારો થાય છે. સરકારે ચાલુ વર્ષમાં કાળું નાણું ઘટાડીને તેને અર્થવ્યવસ્થામાં લાવવા આ પ્રકારના વ્યવહારો વધારીને 25 અબજ કરવાની યોજના બનાવી છે.

 

પૃષ્ઠભૂમિઃ

નીતિ આયોગે 25 ડિસેમ્બર, 2016ના રોજ બે યોજનાઓ – ઉપભોક્તાઓ માટે લકી ગ્રાહક યોજના (એલજીવાય) અને વેપારીઓ માટે ડિજિધન વ્યાપાર યોજના (ડીવીવાય) – લોંચ કરી હતી, જેનો ઉદ્દેશ ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવાનો તથા ઉપભોક્તાઓ અને વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે. આ બંને યોજનાઓ 14 એપ્રિલ, 2017 સુધી ચાલુ રહેશે. દરરોજ 15,000 વિજેતાઓ કુલ રૂ. 1.5 કરોડની ઇનામી રકમ જીતે છે. આ ઉપરાંત 14,000થી વધારે સાપ્તાહિક વિજેતાઓ દર અઠવાડિયે રૂ. 8.3 કરોડની ઇનામી રકમ જીતે છે. રુપે કાર્ડ, ભીમ/યુપીઆઇ (ભારત ઇન્ટરફેસ ફોર મની/યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ), યુએસએસડી આધારિત*99# સર્વિસ અને આધાર અનેબલ્ડ પેમેન્ટ સર્વિસ (એઇપીએસ)નો ઉપયોગ કરતાં ગ્રાહકો અને વેપારીઓ દૈનિક અને સાપ્તાહિક લકી ડ્રો ઇનામો મેળવવાને લાયક છે.

 

TR/J.Khunt


(Release ID: 1486710) Visitor Counter : 212


Read this release in: English